Feb 8, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-746

સુતેલી અશુભ વાસના-વાળું લિંગ શરીર પશુ-વૃક્ષ આદિ-જડ્ભાવો થવામાં કારણ છે અને
શુભ (જાગેલી) વાસના-વાળું લિંગશરીર, દેવ-મનુષ્ય-આદિ યોનિનું કારણ છે,
જેથી એમ નિશ્ચય થાય છે કે-સર્વ ધર્મોના વિરુદ્ધ-પણામાં વાસના જ એક "હેતુ-રૂપ" છે.
વળી જે ઠેકાણે હેતુ-પણું માનવાથી કંઈ ફળ દેખાતું હોય,ત્યાં તેની (ફળની) કલ્પના ઘટે છે.

એટલે વાસનાને "હેતુ" માનીને,તેનો નાશ કરવાનો પ્રયત્ન કરવો,
પણ વાસનાને બદલે પ્રાણીનો પોતાનો સ્વભાવ,ઉલ્ટા ગુણો (જડ-ચેતન-વગેરે) દેખાડવામાં "કારણ" છે
એમ માનવામાં આવે,તો-(આકાશમાં હાથ પછાડવા જેવું) ફળ વિનાનું કાર્ય ગણાય.
વાસનાનો નાશ થવાથી પરમાત્માનો લાભ થાય છે અને તેથી ડાહ્યા પુરુષની દ્રષ્ટિમાં,
સુવર્ણ પણ તણખલા જેવું અને દેવ-મનુષ્ય વગેરે દેહો પણ કીડા જેવા ખુબ હલકા (ખરાબ) જણાય છે.

જડ પદાર્થોની વાસના સૂતેલી હોય છે,પણ તે સંસ્કાર-રૂપે રહેલી હોવાથી ભવિષ્યમાં જાગવાની કંઇક યોગ્યતા ધરાવે છે,જયારે દેવ-મનુષ્ય-વગેરેની વાસના અત્યારે જ જાગેલી હોય છે.
તો-પશુ-પક્ષી -વગેરે ડોળાયેલી વાસના-વાળાં છે.
માટે,જેમણે સર્વ વાસનાઓને છોડી દીધી હોય છે-તેઓ જ માત્ર વાસના-રહિત ગણાય છે,
અને  એવા જ મોક્ષ જેવા પરમ પુરુષાર્થને મેળવે છે.

વાસનાની વિચિત્રતાથી જ -હાથ-પગ આદિ અવયવો વાળા-દેવ-મનુષ્ય-વગેરે રૂપે પરિણામ પામેલા,
એ અનેક લિંગ-દેહોએ વ્યવહાર નિભાવવા માટે,પોતપોતાના અવયવ-વગેરે સકેતોમાં,
મન,બુદ્ધિ,અહંકાર,ચિત્ત,ચક્ષુ,પ્રાણ-વગેરે પોતાને અનુકુળ આવે તેવી અનેક સંજ્ઞાઓને કલ્પી લીધેલી છે.
બીજા પક્ષી વગેરે અને જડ-વગેરે પદાર્થોના પણ પોતપોતાની વાસનાને અનુસરનારા વ્યવહારને યોગ્ય -
એવા અનેક અવયવ-વગેરે સંકેતો પણ -કલ્પેલા જ છે.

હે રામચંદ્રજી,એ પ્રમાણે વાસનાની વિચિત્રતાથી વિચિત્ર દેખાતા અનંત લિંગ-દેહો,
આદિ-મધ્ય-અંતમાં આરોપ થવાથી જડ થતા વિકાર-વાળાં પણ,
અધિષ્ઠાન-રૂપે નિર્વિકાર અને ચૈતન્ય-રૂપ એવાં અનેક-રૂપોથી સ્ફૂર્યા કરે છે.
તેમની સમષ્ટિમાં અહંભાવને પ્રાપ્ત થયેલા કોઈ એક (બ્રહ્મ)નો એક જ સંકલ્પ-પરમાણુ,આ સૃષ્ટિઓ-રૂપ આકાશ-વૃક્ષોનું બીજ છે,કે જેની અંદર અનેક લિંગ-દેહો ભમ્યા કરે છે.અહો! એ કેવી માયા છે!

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE