તે કુંડલિની એવી રીતે વેગથી સ્ફુરે છે કે-પ્રથમ ચક્ષુ-આદિ ઇન્દ્રિયો સાથે રૂપ-આદિ વિષયોનો સંબંધ થાય છે અને પછી દેહ-યંત્રને ચલાવનાર પ્રમાતા,વૃત્તિ દ્વારા બહાર નીકળી વિષય સાથે મળે છે,કે જેથી આવરણનો ભંગ થાય છે.અને તેથી ઘટ-આદિ (પદાર્થો) નું જ્ઞાન પ્રગટ થાય છે.(દેખાય છે)
હૃદય-કોશ સાથે સંબંધ રાખનાર સર્વ નાડીઓ એ કુંડલિની સાથે જ બંધાયેલી (જોડાયેલી) છે અને
જેમ નદીઓ મહાસમુદ્રમાં મળી જાય છે,તેમ,એ સર્વ નાડીઓ છેવટે કુંડલિનીમાં મળી જાય છે.
પ્રાણ-રૂપે નિરંતર ઉંચે જવાથી અને અપાન-રૂપે નિરંતર નીચે જવાથી-
સર્વના સાધારણ કારણ-રૂપ એ કુંડલિની જ પ્રાણ-શક્તિ,ઇન્દ્રિય-શક્તિ,બુદ્ધિ-શક્તિ-વગેરે
સર્વ પ્રકારના "જ્ઞાન"નું બીજ છે.
(નોંધ-કુંડલિનીનું વર્ણન જુદાજુદા ગ્રંથોમાં જુદી જુદી રીતે થયેલું છે-યોગસૂત્રોમાં તેનું અને સિદ્ધિઓનું વર્ણન છે)
રામ કહે છે કે-કલ્પથી માંડીને સૃષ્ટિ પર્યંત સર્વ મર્યાદા (માપ)રહિત જ્ઞાન,એ જો સ્વ-રૂપ ચૈતન્ય જ છે -
તો કુંડલિની કોશની જુદી રચનાની (રચના થવાની કે કરવાની) શી જરૂર છે?
વસિષ્ઠ કહે છે કે-સર્વત્ર સર્વકાળ,બધું જ્ઞાન વડે ચૈતન્ય-માત્ર જ છે,પરંતુ સ્થૂળ-દેહ અને સુક્ષ્મ-દેહને આકારે પરિણામ પામેલ પંચ-તન્માત્રાને લીધે જ ચૈતન્ય કોઈક સમયે પ્રગટ થાય છે.
જેમ,સૂર્યનો તાપ બધે ફેલાય છે,પણ ભીંત-વગેરે પદાર્થો-રૂપ ઉપાધિમાં તે વિશેષ દેખાય છે,
તેમ, ચૈતન્ય-સત્તા સર્વત્ર વ્યાપ્ત છતાં પણ સ્થૂળ-દેહ અને સૂક્ષ્મ-દેહ-રૂપ ઉપાધિમાં જ વિશેષ દેખાય છે.
એ સર્વ-વ્યાપી ચૈતન્ય કોઈ માટી,પથ્થર-આદિ વસ્તુઓમાં અવિદ્યાની ગાઢ જડતાથી ઢંકાઈ જાય છે-
એટલે તે દેખાતું નથી.પણ કોઈ દેવ-મનુષ્ય આદિમાં સ્પષ્ટ દેખાય છે,તો વૃક્ષ આદિમાં આછું જણાય છે,
પરંતુ સત્તાથી તો તે સર્વ જગ્યાએ ફેલાયેલું જ છે.
હે રામચંદ્રજી,મનુષ્ય દેહમાં તથા પશુ સ્થાવર-આદિ દેહમાં-
જે રીતે એ ચૈતન્ય પ્રગટ થાય છે-તે ફરીવાર હું તમને ક્રમથી કહું છું તે તમે સાંભળો.
આ સઘળું જડ અને ચેતન જગત,ચૈતન્ય-માત્રની સત્તાથી સત્તા ધરાવે છે,
તે સર્વ ધર્મોથી શૂન્ય,આકાશના જેવું અસંગ,સર્વવ્યાપક,પરમ સૂક્ષ્મ અને પરબ્રહ્મ-રૂપ જ છે.
ચૈતન્ય-માત્ર,સત્તા-રૂપ,નિર્વિકાર અને નિર્દોષ એ અધિષ્ઠાન ચૈતન્ય જ-
કોઈ ઠેકાણે આકાશ-આદિ (સુક્ષ્મ) ભૂત (પંચમહાભૂત) ના અધ્યાસ વડે પંચતન્માત્રા-રૂપ બને છે.