Feb 4, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-743

વળી,એ સિધ્ધિઓ માટે મણિ,મંત્ર,તપ,ઔષધ-ઇત્યાદિ ક્રિયાના ક્રમ પણ અનેક જોવામાં આવે છે,પરંતુ તેનું વર્ણન પણ ઉપર કહ્યા મુજબ અહી ચાલતા પ્રસંગમાં વિઘ્નરૂપ છે.
હે રામચંદ્રજી,શૈલ અને મેરુ પર્વત આદિ સિદ્ધ દેશોમાં નિવાસ કરવાથી પણ સિદ્ધિ મળે છે,પણ તેનું વર્ણન કરવું એ પણ વિઘ્ન-રૂપ જ છે.માટે અહીં,શિખીધ્વજરાજાની કથાના ચાલતા પ્રસંગમાં સિદ્ધિને આપનાર પ્રાણ-આદિ પવન (પ્રાણાયામ)ના અભ્યાસની ક્રિયા હું કહું છું તે તમે સાંભળો.

સાધ્ય અને સાધન સંબંધી,સર્વ માનસિક વાસનાઓ ત્યજી દઈને,યોગશાસ્ત્ર માં કહેલા આસનો(સિદ્ધાસન-આદિ)
વગેરેના નિયમોથી,દ્વારો (ગુદા-આદિ) ને સંકુચિત કરી,ભોજન,આસન-વગેરેની શુદ્ધિ કરી,
શુભ શાસ્ત્રોનો વિચાર કરી,સદાચારથી,સત્સંગથી,દૃઢ અભ્યાસથી,ક્રોધ,લોભ વગેરે ત્યજી,
ભોગોનો ત્યાગ કરી,,પૂરક,કુંભક,રેચક પ્રાણાયામનો અત્યંત અભ્યાસ કરવાથી,
યોગીના પ્રાણ-આદિ સર્વ વાયુઓ તેના તાબામાં આવી જાય છે.

હે રામચંદ્રજી,રાજાને જેમ,સર્વ નોકરો આધિન રહે છે,તેમ એ યોગી પુરુષને સર્વ પ્રાણાદિક પવનો સ્વાધીન
થઇ જાય છે.રાજ્ય (ભોગો) થી મોક્ષ સુધીની સર્વ સિધ્ધિઓ,દેહમાં રહેલ પ્રાણવાયુને આધિન છે.
તેથી સર્વ યોગ્ય અધિકારીથી તે સિધ્ધિઓ મેળવી શકાય છે.

એ પ્રાણની "ગતિ" નાડીઓ દ્વારા થાય છે.સર્વ નાડીઓનું મૂળ સુષુમણા નાડી છે.
તેમાંથી શાખાઓની જેમ સો નાડીઓ નીકળે છે.તે નાડી ॐ ના અડધા ભાગ જેવીગોળ છે,
તેને આંતરડાં વીંટીને રહેલાં છે,માટે તે આંત્રનાડી ગણાય છે,
એ નાડી દેવ,અસુર,બ્રહ્માથી માંડીને કીટ સુધીના સર્વ પ્રાણીઓમાં રહેલી હોય છે.
ગૂંચળું વાળીને સૂતેલા સર્પની પેઠે ગૂંચળું વાળીને રહેલી,ધોળી,ગોળ આકારવાળી,
મૂલાધારથી માંડીને ભ્રકુટીના મધ્ય ભાગ સુધી-તમામ છિદ્રોમાં પરોવાયેલી એ નાડી,
અંદર મનોવૃત્તિ વડે અને બહાર પ્રાણાદિક વડે ચંચળ રહે છે.

એ નાડીના (કેળના ગર્ભ જેવા) કોમળ,અંદરના ભાગમાં (વીણાના વેગની જેવી) અસ્ફુટ ગતિ-વાળી,
જે પરમ ચૈતન્ય-શક્તિ સ્ફુરે છે,તે ગોળ આકાર-વાળી ચૈતન્ય શક્તિ "કુંડલી" એવા નામથી ઓળખાય છે.
સર્વ પ્રાણીમાત્રની તે પરમ શક્તિ છે અને પ્રાણ,ઇન્દ્રિયો-વગેરે સર્વ શક્તિઓને સત્તા,પ્રેરણા,પ્રવૃત્તિ -
વગેરેને  એ  (કુંડલી) જ વેગ આપે છે.જેમ,છંછેડાયેલી સાપણ ફેણ ઉંચી રાખે છે,
તેમ,આ કુંડલી શ્વાસોશ્વાસની ક્રિયા ચાલુ રહેવાથી ઉંચી ડોક રાખીને રહે છે.

જયારે પ્રાણવાયુ હૃદયમાંના કુંડલિનીના સ્થાનમાં પહોંચે છે-કે  જે અપન્ચીકૃત ભૂત અને તન્માત્રાઓનું બનેલું છે-તેમાં પ્રતિબિંબ-રૂપે રહેલું જીવ ચૈતન્ય, સ્મૃતિ,સંકલ્પ,નિશ્ચય,અભિમાન,રાગ આદિ અનેક વૃત્તિઓ-રૂપે ઉદય પામે છે.જેમ,ભમરી કમળના વનમાં ભટક્યા કરે-તેમ,આ કુંડલી,રૂપ-આદિ વિષયોનો મધુર સ્પર્શ થવાથી દેહમાં સ્ફૂર્યા કરે છે ને તે રીતે તેણે વિષયોની પ્રાપ્તિ તેમ જ તેનું ફળ મળ્યા કરે છે.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE