Feb 3, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-742

વસિષ્ઠ કહે છે કે-હે રામચંદ્રજી,એ પ્રમાણે જુદોજુદો મત ધરાવતા એ બંને રાજા-રાણીનો અનેક પ્રકારની રાજલીલામાં ઘણો સમય ચાલ્યો ગયો.સદા નિષ્કામ અને તૃપ્ત રહેનારી,એ ચૂડાલા ને કોઈ એક દિવસે દેવોની જેમ આકાશગમન કરવાની ઈચ્છા થઇ.તે સિદ્ધિ મેળવવા માટે એ સર્વ ભોગોનો ત્યાગ કરીને નિર્જન દેશમાં આવી.ત્યાં એકાંતમાં એકલાં જ, શરીરને દ્રઢ રાખીને (પદ્માસન લગાવી) જેની (જે પ્રાણની) ગતિ ઉંચે રહે છે-એવા પ્રાણાયામનો લાંબા કાળ સુધી અભ્યાસ કર્યો.

રામ કહે છે કે-જે કંઈ આ જડ-ચેતન જગત છે તે ક્રિયાથી ઉત્પન્ન થાય છે-તો આ આકાશગમન -આદિ સિધ્ધિઓ શી રીતે ને કઈ ક્રિયા વડે મળે? તે કહો.એ વિષે આપનો અનુભવ કહો.આત્મજ્ઞાની પુરુષ લીલાથી અને
અજ્ઞાની પુરુષ સિદ્ધિઓના લોભથી પણ સિદ્ધિ શી રીતે મેળવી શકે? તે આપ કહો.

વસિષ્ઠ કહે છે કે-હે રામચંદ્રજી,આ જગતમાં દરેક સાધ્ય (મળી આવનાર) વસ્તુ,ઉપાદેય,હેય અને ઉપેક્ષ્ય-એ રીતે ત્રણ પ્રકારની જોવામાં આવે છે.(કોઈ પણ જાતનો લાભ થતો હોય તો તે લેવો દરેકને ગમે-તે ઉપાદેય (લેવું)કોઈ પણ જાતની હાનિ કોઈને પણ લેવી ના ગમે તે હેય (છોડી દેવું) જેમાં લાભ-કે હાનિ ના હોય તે-ઉપેક્ષ્ય (ઉપેક્ષા)

જેનાથી સુખ ઉત્પન્ન થાય તે ઉપાદેય,જે સુખનું વિરોધી હોય તે હેય અને
સુખ-દુઃખની વચલી કોટિનું ઉપેક્ષ્ય,એમ વિદ્વાનોએ માની લીધું છે.
વિવેકી,જ્ઞાનમય અને બુદ્ધિમાન તત્વજ્ઞ પુરુષની દ્રષ્ટિમાં આ સર્વ જગત આત્મમય હોવાથી ઉપરના ત્રણેમાંથી એકેય પક્ષ તેમને સંભવતો નથી,પરંતુ લીલાથી આત્મજ્ઞ પુરુષ જગતને ઉપેક્ષ્ય તરીકે ગણીને તેની તરફ જુએ છે.અને તે ભ્રાંતિથી ઉત્પન્ન  થયેલું છે એમ માનવાથી તે તરફ દ્રષ્ટિ રાખતા નથી.
આ જગત,બોધવાન પુરુષની દ્રષ્ટિમાં ઉપેક્ષ્ય,મૂઢ પુરુષની દ્રષ્ટિમાં ઉપાદેય અને તીવ્ર વૈરાગ્યવાન પુરુષની
દ્રષ્ટિમાં હેય ગણાય છે.હવે સિધ્ધિઓ શી રીતે મળે છે-તેનો હું ક્રમ કહું છું તે તમે સાંભળો.

દેશ,કાળ,દ્રવ્ય અને ક્રિયા-એ સાધનોથી સર્વ સિધ્ધિઓ મેળવી શકાય છે.એ સર્વ સિધ્ધિઓ મનુષ્યના મનને ઉત્સાહ-વાળું બનાવે છે.આ સાધનોમાં ક્રિયા-એ મુખ્ય સાધન છે.કેમ કે સઘળા ક્રમો ક્રિયાના આધારે જ હોય છે.
આકાશગમન-આદિ સિધ્ધિઓને માટે સિદ્ધિગુટિકા,સિદ્ધાંજન,સિદ્ધિખડગ,સિદ્ધિપાદુકા-વગેરે ક્રિયાઓનો  ક્રમ તંત્રગ્રંથોમાં બતાવ્યો છે.પરંતુ અહી તેનું વર્ણન કરવું તે અજ્ઞાનથી શ્રોતાજનોના મનને લોભમાં નાખી,
તેમાં (તે તંત્રની ક્રિયાઓમાં) જ પ્રવૃત્તિ કરાવી દે-એવા હેતુથી (તેનું વર્ણન) અહી દોષ-રૂપ છે.અને
એ વિષયનો વિસ્તાર પણ તમને અહી ચાલતા પ્રસંગમાં વિઘ્ન-રૂપ છે,તેથી તે અહી કહેવાને યોગ્ય નથી.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE