શુદ્ધ જ્ઞાન-રૂપ છે,મંગલ-રૂપ છે,સત્તા-માત્ર છે,અને પોતાની સત્તાથી તે કદી ભ્રષ્ટ થતું નથી.
જો મૂળ અવિદ્યા એક વખત પણ દુર થઇ,તો તે મહા ચૈતન્ય પોતાના સ્વ-રૂપમાં પ્રકાશે તો-તેને ઢાંકવાની કોઈનામાં શક્તિ નથી.તે સર્વદા અખંડ ઉદય-વાળું છે અને બ્રહ્મ-પરમાત્મા-આદિ નામોથી ઓળખાય છે.
દૃશ્ય,દર્શન અને દૃષ્ટા-વગેરે સઘળી ત્રિપુટીઓ-એ ચૈતન્યથી ભિન્ન નથી કેમ કે-તે ભિન્ન છે-એવી કોઈ સાબિતી નથી.પણ તે સર્વની સાબિતી એક માત્ર અભિન્ન આત્મા જ છે,કે જે સર્વથી પ્રથમ સ્વયં પ્રકાશે છે.
દૃશ્યોથી રહિત જે ચિત્ત-પણું છે,તે એ ચૈતન્યનું અખંડ સ્વ-રૂપ છે.
મન,બુદ્ધિ તથા ઇન્દ્રિય-આદિ પદાર્થો-રૂપે એ જ ચૈતન્ય વિવર્ત પામે છે.એ ચિદાત્મા,વિવર્તથી પ્રમાતા બને છે અને પછી તેમાં જગતના ભૂત-ભૌતિક પદાર્થો દેખાય છે,જે સમુદ્રના તરંગો જેવા છે.
જે આ જગતની સત્તાનું રૂપ છે,તે એ મહા-ચૈતન્યનું જ બીજું રૂપ છે.એ શુદ્ધ ચૈતન્ય,સ્ફટિકની પેઠે
અસંગ રહીને જગત-રૂપ પ્રતિબિંબને ધારણ કરે છે-અને તેથી સર્વત્ર ભરપૂર-રૂપે રહેલ છે.
પોતાની સત્તા અને જગતને પ્રગટ કરનારી સત્તા થી જે જુદી નથી-એવી "માયા-શક્તિ"થી તે ચૈતન્ય,જગત-રૂપ થઈને રહેલ છે.કેમ કે જગતની સત્તા અધિષ્ઠાનની સત્તાથી જુદી સંભવતી નથી,માટે તે માયા-માત્ર જ છે.
જેમ,ઘરેણાં ભાગી નાખતા ઘરેણાં ના આકારો સોનું જ બની જાય છે,તેમ,પદાર્થો ની સત્તા અને પદાર્થોનો બાધ થતાં -મહા-ચૈતન્ય-રૂપે જ રહે છે. તે મહાચૈતન્યમાં સમષ્ટિ-ચિત્તને લીધે- હકીકતમાં,જે જગત ઉદય પામેલું નથી,
તે જગત ઉદય પામેલા જેવું જણાય છે.જેમ,સ્વપ્નમાં ચિદ્રુપ આત્મા જ ચિત્તથી કલ્પાયેલા જળ-રૂપ થઈને તરંગ-આદિ-ભેદોને પ્રાપ્ત થાય છે-તેથી જળમાં આત્મા વિના બીજું કોઈ અણુમાત્ર નથી,
તેમ,ચૈતન્ય-માત્ર,હું -ચિત્તથી જગત-રૂપ થઈને નામ-રૂપ ભેદોને પ્રાપ્ત થયેલ છું,માટે જગતમાં મારા વિના બીજું કંઈ અણુ-માત્ર પણ નથી. (અહં-ભાવ નહિ રહેતાં,અહંભાવ વગરનું ચિન્માત્ર જ વ્યાપક પણાથી રહે છે)
એ ચિદાત્માને કદી ક્યાંય પણ જન્મ,મરણ,સ્વર્ગ,નરક કે નાશ સંભવતાં જ નથી.
આ ચૈતન્ય-રૂપ અતિ નિર્મળ સૂર્ય,કોઇથી છેદાય તેવો નથી,અને બાળી શકાય તેવો પણ નથી.
અહો,હું લાંબા કાલે શાંત થઇ છું,પરમ સુખ પામી છું,ભ્રમથી રહિત થઈને નિર્વાણ પામી છું ,અને શાંત રહું છું.
આત્મા-રૂપી આકાશ કે જેમાં મિથ્યાભૂત દૃશ્યનો અભાસ થયો છે તે અત્યંત સ્વચ્છ છે,અંતથી રહિત છે,જન્મથી રહિત છે,પોતાના સ્વભાવથી ભ્રષ્ટ થતું નથી,બાધથી રહિત છે,નિર્મળ છે,પરમ છે અને અનાદિ-સિદ્ધ છે.