વસિષ્ઠ કહે છે કે-હે રામચંદ્રજી,આ પ્રમાણે વિચાર કરતાં એક દિવસ મનમાં ઉદ્વેગ પામેલા અને સંસારથી અત્યંત ભય પામેલા ભગીરથ રાજાએ,એકાંતમાં ત્રિતલ નામના ગુરુને નીચે પ્રમાણે પૂછ્યું.
ભગીરથ કહે છે કે-હે મહારાજ,"અંદર સાર વિનાની અને લાંબા કાળથી ભમતા જીવોને રાગ-દ્વેષાદિના ફળ-રૂપ થતી" આ સંસાર-રૂપી ઝાડીઓમાં અમે બહુ જ ખેદ પામ્યા છીએ.સંસાર આપનારાં જરા,મરણ તથા મોહ-આદિરૂપ સઘળાં દુઃખોનો અંત કેવી રીતે આવે?
ત્રિતલ કહે છે કે-હે રાજા,વૈરાગ્ય તથા શ્રવણ આદિ ઉપાયો વડે લાંબા કાળ સુધી અભ્યાસ કરેલી
એકાગ્રતા-રૂપ સમાધિથી,જેને કાળની મર્યાદા નથી-તે (અનાદિ-સિદ્ધ) બ્રહ્મ-રૂપે પ્રગટ થયેલ જ્ઞેય વસ્તુ (આત્મ-તત્વ)ના બોધથી સઘળાં દુઃખો ક્ષય પામે છે.ત્યારે દેહાભિમાન આદિ ગ્રંથિઓ ચારે કોરથી તૂટી જાય છે અને સઘળા સંશયો તથા સઘળાં કર્મો નષ્ટ થઇ જાય છે.
અત્યંત શુદ્ધ અને જ્ઞાન-રૂપ જે આત્મા છે તે જ જ્ઞેય (જેને જાણવાનો છે તે) છે,એમ વિદ્વાનો સમજે છે.
એ આત્મા સર્વ-વ્યાપક છે અને તેનો નાશ પણ થતો નથી કે પ્રગટ પણ થતો (દેખાતો) નથી.
ભગીરથ કહે છે કે-હે મુનીશ્વર,ચૈતન્ય-માત્ર નિર્ગુણ,શાંત,નિર્મળ અને કદી પણ સ્વરૂપથી ભ્રષ્ટ ના થાય એવું આત્મ-તત્વ છે,એમ હું સમજુ છુંને દેહ વગેરે બીજું કંઈ પણ આત્મા નથી એમ પણ હું સમજુ છું,પરંતુ,તે આત્મતત્વનો બોધ મને હાથમાં રહેલા આમળાની જેમ (પ્રત્યક્ષ) સ્પષ્ટ સમજાતો નથી.
હે મહારાજ,હું સઘળા વિક્ષેપોથી શાંતિપૂર્વક કેવળ બ્રહ્મના જ બોધ-વાળો શા ઉપાયથી થાઉં?
ત્રિતલ કહે છે કે-અભિમાન દુર કરનારાં સાધનો વડે-મનને પ્રથમ આત્મામાં જોડવું.
તેથી જીવ પૂર્ણ સ્વ-ભાવ વાળો થાય છે અને ત્યાંથી પાછો પડતો નથી.
આસક્તિ રાખવી નહિ,પુત્ર,સ્ત્રી તથા ઘરમાંથી મોહ દૂર કરવો.
પોતાને રુચતો કે અણગમતો પદાર્થ મળે તો પણ મનને સમાન રાખવું.
એકાગ્ર-પણાથી નિરંતર આત્માની ભાવના કરવી તેમજ એકાંત દેશનું સેવન,લોકોના સમાગમમાં રહેવાની
અરુચિ અને શ્રવણ-મનન-નિદિધ્યાસનો અભ્યાસ કરવો.એ સાધનોથી આત્મ-તત્વનો સ્પષ્ટ બોધ થાય છે.
આત્મ-તત્વને સમજવું તે જ જ્ઞાન કહેવાય છે અને એથી જે કંઈ ઉલટું છે-તે સઘળું અજ્ઞાન કહેવાય છે.
હે રાજા,એ સઘળાં સાધનો નું મૂળ અહંકારનો અભાવ છે.અહંકારનો અભાવ થાય તો રાગનો તથા દ્વેષનો ક્ષય કરનારું સંસાર-રૂપી રોગના ઔષધ-રૂપ-જ્ઞાન પ્રાપ્ત થાય છે.
ભગીરથ કહે છે કે-હે મહારાજ,પર્વતમાં લાંબા કાળથી જામી ગયેલા વૃક્ષની પેઠે
આ શરીરમાં લાંબા કાળથી જામી ગયેલો અહંકાર શી રીતે છોડી શકાય?