એ રાજા મહાત્મા લોકોને પણ તેમના સંસાર વ્યવહારને ચલાવવા માટે નિરંતર ધન આપ્યા કરતો અને (સાથે સાથે) પોતાના રાજકીય હક્કથી મળેલા ધનને પણ સ્વીકારવાનું છોડતો નહોતો.
તે ભગીરથ રાજા દુષ્ટો પર આક્રમણ કરીને તેમના દેશ વગેરે-જીતી લઈને,તેમને પોતાના પગ તળે રાખીને તેમનાં દુરાચરણ દુર કરીને તેમને ગુણવાન બનાવતો હતો.
ધુમાડા વિનાના અગ્નિના જેવી શરીરની શોભા-વાળો એ રાજા પ્રજાના પાલન માટે પૃથ્વીમાં ફરીફરીને થાકવા છતાં પણ મનુષ્યોના મોહને અને ગરીબાઈને હરતો હતો.પોતાના પ્રતાપથી થયેલી તેજની ધારાને ચારે બાજુ નાખતો એ ભગીરથ રાજા શત્રુઓના મંડળમાં પણ પ્રકાશતો હતો.
કોમલ અને શીતળ સ્વભાવથી લોકોના મનને આનંદ આપતો -
એ ભગીરથ રાજા સુજ્ઞ લોકોની સમીપમાં તેમની સાથે એક-રસ થતો હતો.
ગંગાજીના પ્રવાહ-રૂપ-જગતનું-જનોઈ,કે જે સ્વર્ગ અને પાતાળમાં વહેવાથી બે તાંતણા-વાળું હતું,
તેનો ત્રીજો તાંતણો,એ (ગંગાજીના) પ્રવાહને પૃથ્વીમાં લાવીને એ રાજાએ પૂર્યો હતો.
અગસ્ત્ય મુનિએ સુકાવી નાખેલા સમુદ્રને,તે સમુદ્ર કેમે પણ પૂરી શકાય નહિ તેવો હોવા છતાં પણ
તે રાજાએ ગંગાજીના પૂરથી પૂર્યો હતો.સર્વ લોકોને મિત્રની જેમ રાખનારા,એ ભગીરથરાજાએ,પાપથી અને બ્રાહ્મણના શાપથી અધોગતિ પામેલા પૂર્વજોને,ગંગાજી-રૂપ-નિસરણી મુકીને બ્રહ્મલોકમાં ચડાવ્યા હતા.
એ રાજા,બ્રહ્માનું,શંકરનું અને જહનુંમુનિનું તપથી આરાધન કરતાં,સતત એક-રૂપ દ્રઢ નિશ્ચય-વાળા મનનું વારંવાર ચલન થતાં તે કદી ખેદને પામ્યો હતો.એથી,જુવાનીમાં હોવા છતાં,પણ
આ લોકની,ગરબડભરેલી સ્થિતિનો વિચાર કર્યા કરતા એ રાજાને વૈરાગ્યની ભાવના ઉત્પન્ન થઇ.
તેથી તે એકાંતમાં બેસીને સંસારના વ્યવહારનો વિચાર કરવા લાગ્યો કે-
આ જગત સાચું પણ નથી કે ખોટું પણ નથી,પણ સદા રોગના જેવું વ્યાકુળ રહે છે,
વખતોવખત દિવસ અને રાત્રિ આવ્યા કરે છે,એની એ લેવડદેવડ ચાલ્યા કરે છે.
એકનાં એક જ રસ વિનાનાં અને દુઃખોનો વધારો કરતાં કર્મોમાં પ્રાણીઓ રત રહે છે,
પણ કોઈ પરબ્રહ્મનો વિચાર કરતાં નથી.જે કર્મનું ફળ પ્રાપ્ત થવાથી આ લોકમાં બીજું કંઈ પામવાનું જ
અવશેષ ન રહે,તે જ કર્મને ઉત્તમ કર્તવ્ય માનું છું.બાકીનાં કર્મો તો વિશુચિકા (કોલેરા) ની જેમ દુઃખદાયી ફળોવાળાં જ છે.મૂઢ બુદ્ધિવાળા લોકો વારંવાર એનાં એ કર્મો કરતાં લજ્જા પામતા નથી.
સારી બુદ્ધિવાળો કયો પુરુષ બાળકની જેમ એનાં એ કર્મો કરે?