હે વેતાળ,આ સઘળું બ્રહ્માંડ,એ જ્ઞાન-માત્ર પરમાત્માની અંદર મજ્જા-રૂપ છે-એમ સમજ.સઘળા જગતો જ્ઞાન-માત્ર બ્રહ્મમાં કલ્પનાથી જ બેઠેલાં છે,બ્રહ્મ-પદ કે જે શાંત છે,સ્વાભાવિક રીતે સુકુમાર અને મર્યાદા વગરનું છે-તેમાં તારા જેવાઓની તો ચાંચ પણ ખૂંચે તેમ નથી,એટલા માટે તું મારા વચનને અનુસરીને તેનો અનુભવ કર,અને અભિમાનને ત્યજીને બેસી રહે.
(૭૩) વેતાલનું શાંત થવું
વસિષ્ઠ કહે છે કે-હે રામચંદ્રજી,વેતાલ,એ પ્રમાણે,રાજાના મોઢેથી સાંભળીને,તથા તેની વિચાર-વાળી બુદ્ધિ ઉપરથી -તે રાજાને તત્વવેત્તા જાણીને શાંત થયો.અને શાંત મન-વાળો થઈને એક બ્રહ્મ-તત્વનું જ યોગ્ય રીતે મનન કરીને,પોતાની ભયંકર ભૂખને પણ ભૂલી ગયો અને સમાધિસ્થ થયો.
હે રામચંદ્રજી,તમને મેં વેતાલના પ્રશ્નોની જાળ તથા રાજાએ કરેલું (તે જાળનું) ભેદન કહી સંભળાવ્યું.
રાજાએ કહેલા ક્રમ પ્રમાણે ચૈતન્ય-રૂપી અણુના ગર્ભમાં રહેલું આ જગત "વિચાર" થી લય પામે છે.
અને તેનું જે અધિષ્ઠાન છે-તે જ અવશેષ રહે છે.તમે સઘળા વિષયોમાંથી ચિત્તને ખેંચી લઈને તે ચિત્તને
પરમાત્મામાં જોડી દો અને સઘળી ઇચ્છાઓને ત્યજી દઈને શાંત બુદ્ધિથી રહો.
મનને મનથી જ આકાશના જેવું નિર્લેપ કરીને એક પરબ્રહ્મમાં જ સઘળી વૃત્તિઓના લયથી,
ચિત્તને શાંત કરીને મોહનો ત્યાગ કરો,સ્થિર બુદ્ધિ-વાળા થાઓ અને સર્વત્ર બ્રહ્મ-દ્રષ્ટિ કરતા રહો.
જે પુરુષ ભગીરથ રાજાની પેઠે,માંથી અસંગ-પણું રાખીને આવી પડેલા વ્યવહારને અનુસરે છે,
તેનાં કષ્ટ-સાધ્ય કાર્યો પણ,જેમ ભગીરથ રાજાનું કાર્ય સિદ્ધ થયું હતું,તેમ સિદ્ધ થાય છે.
અત્યંત તૃપ્ત વૃત્તિ-વાળા અને સમ તથા સુખમય આત્મ-સ્વ-રૂપની અંદર સર્વદા રહેનારા પુરુષના મનોરથો,
અત્યંત દુર્લભ હોય,તો પણ જેમ સગર રાજાના પુત્રોને તથા તેમને ખોદેલા સમુદ્રને સુખ આપનારો,
જેમ,ભગીરથ રાજાનો ગંગાજીને પૃથ્વી પર ઉતારવાનો મનોરથ અનાયાસે સિદ્ધ થયો હતો,તેમ સિદ્ધ થાય છે.
(૭૪) ભગીરથ અને ત્રિતલ મુનિનો સંવાદ
રામ કહે છે કે-ચિત્તના જે પ્રકારના ચમત્કારથી ભગીરથ ગંગાજી જમીન પર ઉતારી શક્યા હતા,તે વિષે કહો.
વસિષ્ઠ કહે છે કે-સમુદ્ર સુધીનો પૃથ્વીનો અધિપતિ,મહા ધર્માત્મા-ભગીરથ,કોશલ દેશનો રાજા હતો.
જેમ ચિંતામણિની પાસે સંકલ્પ કરતા જ ધરેલી વસ્તુઓ મળે છે,તેમ, એ રાજાની પાસેથી સંકલ્પ કરતા માગણ
લોકોને ધારેલાં ધન મળતા હતાં.દાન આપવાના સમયમાં ધન જતું રહેવા છતાં,કશી ગ્લાનિ નહિ થતાં,
એ રાજાનું મુખ ચંદ્ર જેવું જ પ્રસન્ન રહેતું હતું.