કેમ કે અભાવને (શૂન્યતાને પામવાના પુરુષાર્થને ) પરમ પુરુષાર્થ કહેવાય જ નહિ.
જો ચિત્ત જરાવાર પણ પરમ-પદમાં આરામ લે,તો તે પરમ-પદમાં જ પરમાનંદ પામીને પરમ-પદ થયેલું જ સમજો.ચિત્તને જો નિરતિશય સ્વયંપ્રકાશ આનંદનો સ્વાદ મળ્યો,
આમ,જો ચિત્ત,સાંખ્યથી કે યોગ થી,પરમ-પદમાં આરામ લઇ સત્વ-પણાને પામે તો-
આ સંસારમાં ફરીવાર જન્મ થતો જ નથી.
જે ચિત્તમાંથી સઘળી અવિદ્યા નષ્ટ થઇ ગઈ હોય છે-તે ચિત્ત "સત્વ" એ નામથી (શબ્દથી) કહેવાય છે.
અને આ "સત્વ" એ ફરી વાર બ્રહ્મ-ભાવની મર્યાદાઓને (જગતને) પામતું નથી.
વાસનાઓથી રહિત થયેલો,અવિદ્યાથી રહિત થયેલો અને સત્વમાં રહેલો કોઈ પુરુષ જ "પરમ-જ્યોતિ" ને જુએ છે,અને તે જોઇને તુરત જ શાંત (સ્થિર) થાય છે.(કે જે પરમ-જ્યોતિ અજ્ઞાનીઓની દ્રષ્ટિ થી શૂન્ય જેવી છે)
હે રામચંદ્રજી,જાગ્રત,સ્વપ્ન તથા સુષુપ્તિ-રૂપ ભ્રાંતિનાં બીજોથી રહિત થયેલું,અને અવિદ્યાના ક્ષયને લીધે
બાધિત થઇ,બળી ગયેલા વસ્ત્રની પેઠે,માત્ર પ્રતિભાસ-રૂપે અવશેષ રહેલું મન "સત્વ" કહેવાય છે.
જેમ,પારસમણિના સંગથી સુવર્ણ-પણાને પામેલું ત્રાંબુ,પાછું ત્રાંબા-પણાને પ્રાપ્ત થતું નથી,
તેમ, પરબ્રહ્મના સંગથી પરમ-પદને પામેલું મન (ચિત્ત) પાછું રાગ-દ્વેશાદિક કલ્પનાઓથી બનેલા અને
મલિનતા-વાળા સંસાર-પણાને ફરીથી પ્રાપ્ત થતું નથી.
(૭૦) એક રાજા પ્રત્યે વેતાલના છ પ્રશ્નો
વસિષ્ઠ કહે છે કે-હે રામચંદ્રજી,"વિચાર" કરવાથી જીવ,અજીવ થઇ જાય છે અને ચિત્ત,અચિત્ત થઇ જાય છે.
અને આવી રીતે અવિદ્યાનો જે અંત થાય છે-તે જ "મોક્ષ" કહેવાય છે.
જેમ,ઝાંઝવાનું પાણી દેખાય છે,તેમ,મન-અહંકાર-આદિ દેખાય છે.માત્ર થોડી-વાર જ દેખાવાને લીધે
(અનિત્ય હોવાને લીધે) મન-અહંકાર-આદિ મિથ્યા જ છે,અને તે "વિચાર" થી લય (નાશ) પામે છે.
આ સંસાર-રૂપી સ્વપ્નની ભ્રાંતિના વિષયમાં,એક વેતાલે કરેલા પ્રશ્નો,મારા સ્મરણમાં આવ્યા છે-તે હું કહું છું.
વિંધ્યાચલના મોટા જંગલમાં મોટા દેહ-વાળો એક વેતાળ રહેતો હતો.
એ વેતાળ પ્રથમ તો કોઈ સારા રાજાના દેશમાં રહેતો હતો,અને ત્યાં રાજાએ આપેલા દેહાંત-દંડ-વાળા-લોકોના
બલિદાનથી સંતોષ પામીને,હરકત વિનાની સમાધિ-જેવું સુખ ભોગવતો હતો.
કોઈ માણસ જો નિરપરાધ હોય અને તે પોતાના મુખ આગળ આવ્યો હોય,તો પોતે ભૂખ્યો હોય તો પણ,
કારણ વગર તેને મરતો નહોતો-કેમ કે સત્પુરુષો ન્યાય પર જ ધ્યાન રાખે છે.
કાળે કરીને,એ દેશમાં દેહાંત-દંડ-વાળા લોકો નહિ મળતાં,ભૂખ્યો થયેલો એ વેતાળ,ન્યાયની યુક્તિથી માણસો ખાવા માટે બીજા રાજાના નગરમાં ગયો.એ નગરમાં,નગરના લોકોની ગુપ્ત હિલચાલ જોવાને માટે નીકળેલા
રાજાને જોતાં,તે વેતાલે મેઘની ગર્જના જેવા ઘોર શબ્દથી રાજાને કહ્યું કે-
હે રાજા,તું ક્યાં જાય છે?આજ તું મારા ભોજન-રૂપ થા.આજે તો તું મૂઓ જ છે.