તેવા જ સઘળા વ્યવહારનો (પોતાનામાં) અનુભવ કરે છે.
જેમ,વાયુનું ચલન શાંત થઇ જતાં,ગંધ શાંત (સ્થિર) થઇ જાય છે,
તેમ મનનું ચલન બંધ થતાં પ્રાણવાયુ શાંત (સ્થિર) થઇ જાય છે.
જેમ,તેલમાં આવેલી પુષ્પની સુગંધ અને તેલ-એ બંને મિશ્ર જ છે,તેમ પ્રાણ અને ચિત્ત મિશ્ર જ છે.
જેમ રથ સારથી ને અને સારથી રથને ગતિ આપે છે,તેમ,પ્રાણ મનને અને મન પ્રાણને,સર્વદા ચલન આપે છે.
જેમ,અગ્નિનો અભાવ થતાં ઉષ્ણતા નષ્ટ થઇ જાય છે અને ઉષ્ણતાનો અભાવ થતાં અગ્નિ નષ્ટ થઇ જાય છે,
તેમ,પ્રાણનો અભાવ થતાં મન નષ્ટ થઇ જાય છે અને મનનો અભાવ થતાં પ્રાણ નષ્ટ થઇ જાય છે.
આમ,મન અને પ્રાણ બંને નષ્ટ થઈને મોક્ષ-નામનું ઉત્તમ કાર્ય કરી આપે છે.
એક આત્મ-તત્વના જ ઘાટા અભ્યાસથી (દ્વૈત) વાસનાનો બાધ થતાં મન અત્યંત શાંત (સ્થિર) થઇ જાય છે
અને મન શાંત થતાં-તે -પ્રાણના સ્વ-ભાવ-"એક" (અદ્વૈત) માં લય થવાને લીધે,પ્રાણ પણ શાંત થઇ જાય છે.
હે રામચંદ્રજી,તમે સતત આત્મ-તત્વનો વિચાર કરીને મનને આત્મ-તત્વ-મય કરી નાખો.
મનનો આત્મ-તત્વમાં લય થાય છે ત્યારે આત્મ-તત્વ જ સ્થિર થાય છે.
જ્ઞાન અને અજ્ઞાનમાં તમને જે અત્યંત સુખદાયી જણાય તેનો આશ્રય કરો,
અથવા અજ્ઞાન અને તેનો બાધ કરનારી -બ્રહ્માકાર વૃત્તિ-એ બંને નિવૃત્ત થતાં જે ચિન્માત્ર અવશેષ રહે છે-
તેમાં પ્રાણની ધારણા કરીને સ્થિર થાઓ.
જે એક-બ્રહ્મ-તત્વ છે,તેના આકારનો સદા વિચાર કરવો અને એમ વિચાર કરતાં કરતાં સાક્ષાત્કાર સુધી પહોંચી જવું,એટલે ત્યાં જતાં (પહોંચતા) જ વિચારો આપોઆપ શાંત થઇ જશે.
જેમ,દેહ,ભોજન લેવાનું બંધ કરતાં પોતાની મેળે જ નાશ પામે છે,તેમ પ્રત્યાહાર કરનારાઓનું ચિત્ત,
પ્રાણની સાથે,પોતાની મેળે જ નાશ પામે છે અને પરબ્રહ્મ-રૂપે જ અવશેષ રહે છે.
જેમાંથી (જે ચિત્તમાંથી) સઘળા આકારો શાંત થઇ ગયા હોય,એવું ચિત્ત જે (અદ્વૈત)માં એકાગ્ર થાય,
તે ચિત્ત તે અદ્વૈત-રૂપ જ ક્ષણમાત્રમાં બની જાય છે.
લાંબા કાળ સુધી કરવામાં આવેલા અભ્યાસનો "સ્વ-ભાવ" એવો જ છે.
" અવિદ્યા-વાળું દ્વૈત મુદ્દલે છે જ નહિ,અને તત્વજ્ઞાનથી જ પરમ પદની પ્રાપ્તિ થાય છે"
એમ યુક્તિ-પૂર્વક સમજીને પછી ધ્યાન-આદિથી જ્ઞાનનો જ અભ્યાસ કરવો.
જેમ,મેઘ નાશ પામતાં,મેઘથી થયેલું ઝાકળ નાશ પામે છે,
તેમ,ચિત્ત શાંત થતાં,ચિત્તથી થયેલી આ સંસાર-રૂપી મૃગ-તૃષ્ણા શાંત થાય છે.
જે ચિત્ત છે તે જ અવિદ્યા છે,એટલા માટે બ્રહ્માકાર પરિણામ પામેલા ચિત્તથી જ ચિત્તનો નાશ કરો.