Jan 16, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-724

પ્રાણો બીજા દેહમાં પેસતાં,તેની અંદર રહેલા આકાશની અને વાયુઓની સાથે જોડાઈને,સંસારનાં દુઃખો ભોગવે છે.
જેમ,સમુદ્રમાં ડૂબેલો પાણીથી ભરેલ ઘડો,બહારના લોકોના જોવામાં નહિ આવવા છતાં પણ નાશ પામતો નથી,
તેમ,વાસના-વાળું મન મરણ સમયે જોવામાં નહિ આવવા છતાં પણ નષ્ટ થતું નથી.
જેમ,કિરણો સૂર્ય વગરનાં હોતાં નથી,તેમ,પ્રાણ મન વગરનો હોતો નથી.મન,જ્ઞાનને પકડે -તો જ પ્રાણને છોડે છે.જ્યાં મન હોય છે-ત્યાં પ્રાણ હોય જ છે,પણ જયારે મન જ્ઞાનના પ્રભાવને લીધે વાસનાઓ વિનાનું થઈને નષ્ટ થઇ જાય છે,ત્યારે પ્રાણ ચલન વિનાનો થઇ જાય છે અને ત્યારે શાંતિ જ અવશેષ રહે છે.

જ્ઞાનથી વાસનાઓનો નાશ થતાં,મનનો અને પ્રાણનો બંનેનો નાશ થાય છે.
જ્ઞાનથી સર્વ પદાર્થોનું અત્યંત મિથ્યા-પણું ઉદય પામે છે
અને તે મિથ્યા-પણાના ઉદયથી વાસનાઓ નાશ થતાં-પ્રાણ અને મન જુદાં પડે છે.
શાંત થયેલું મન પ્રાણથી જુદું પડે ત્યારે,પોતાના નાશથી પરમ-પદને પ્રાપ્ત થઈને ફરીવાર દેહપણાને દેખતું નથી.
જે વાસના છે-તે જ મન કહેવાય છે-એટલે કે જે ચિત્ત (મન) છે તે વાસના-માત્ર જ છે,
માટે વાસનાનો અભાવ થતાં તે પરમ-પદ-રૂપ થઇ જાય છે.
વાસના સહિત સર્વનો બાધ કરીને-જ્ઞાન, આત્મ-તત્વ જ થઇ જાય છે
અને જે આત્મ-તત્વ છે તે જ્ઞાન-રૂપે જ રહે છે.

હે રામચંદ્રજી,આ સંસાર કે જે રજ્જુમાં થયેલા સર્પ જેવો (ભ્રાંતિ જેવો) છે,
તેનો આ રીતે વિવેકમાત્રથી જ અંત થાય છે.
એક આત્મતત્વનો જ શ્રવણ-આદિથી અભ્યાસ,પ્રાણનો રોધ અને મનનો નાશ-
આ ત્રણમાંથી એક સિદ્ધ થતાં,બીજાં બે પોતાની મેળે જ સિદ્ધ થઇ જાય છે.
જેમ,પંખાની ગતિ શાંત થઇ જતાં પવન શાંત થઇ જાય છે,
તેમ,પ્રાણ-રૂપ વાયુનું ચલન શાંત થતાં,મન શાંત થઇ જાય છે.
શરીરનો લય (મરણ) થતાં,પ્રાણ,બહારના આકશમાં રહેલા વાયુની સાથે મળીને વાયુ-પણાને પ્રાપ્ત થાય છે,
અને ત્યાં પોતામાં જે દેહની વાસના હોય તે દેહને લગતા વ્યવહારનો જ અનુભવ કરે છે.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE