Jan 13, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-721

આવી સ્થિતિમાં ચિત્તની બ્રહ્માકાર (છેલ્લી) વૃત્તિ પણ શૂન્ય જેવી થઇ જાય છે,
તો ત્યાર પછી,પોતાની-બીજાની કે ભેદની કલ્પના જ ક્યાંથી રહે?
આ બોધ-વાળું સુષુપ્ત-મૌન,અવિદ્યાના બાધથી તુર્યાવસ્થા કહેવાય છે અને
અવિદ્યાનો બાધ કરનારી વૃત્તિઓના બાધથી-તુર્યાતીત પણ કહેવાય છે-
એમ બરાબર રીતે સમજો.
જ્ઞાનની સાત ભૂમિકાઓમાં,પાંચમી સુષુપ્ત સમાધિ,છઠ્ઠી તુર્ય સમાધિ અને સાતમી તુર્યાતીત સમાધિ છે.તેઓ જીવન્મુક્તને અનુક્રમે જાગ્રતમાં તથા સ્વપ્નમાં પણ થાય છે.


હે રામચંદ્રજી,જાગ્રતમાં ચારે બાજુ નિપુણ રીતે વ્યવહાર કરતો હોય,દેહની પ્રતિતીવાળો હોય,સમાધિમાં સઘળો વ્યવહાર છોડી દેતો હોય તથા દેહભાન વગરનો રહેતો હોય-તો પણ જીવનમુક્ત પુરુષ સર્વદા તુર્યામાં જ રહે છે-અને વિદેહ જ છે-એમ સમજો,કારણકે-જાગ્રતમાં તેની સઘળી વૃત્તિઓ નિર્મળ અને શાંત હોય છે.
આવી સ્થિતિ બ્રહ્મ-રૂપ થયેલાની જ હોય છે,બીજાની હોતી નથી.

હે રામચંદ્રજી,તમે વિરાટ-આદિ-સર્વનો લય કરીને સંસારની વાસનાઓથી રહિત-એક તુર્ય-રૂપે રહો.
જે કંઈ આ સઘળું જગત પ્રતિત થાય છે-તે સ્વપ્ન જેવું જ છે.
હું,તમે કે બીજું કંઈ પણ નથી-એમ સમજીને જીવનમુક્ત થઇ સર્વદા ચિદાકાશના આકાશમાં જ રહો.

(૬૯) પ્રાણ અને મનનો સંયોગ-ઇત્યાદિ

રામ કહે છે કે-હે મહામુનિ.આપે જે સો રુદ્રો કહ્યા,તે ગણોની સાથે લેખીને (ગણીને) કહ્યા કે-ગણો વિના રુદ્રોને લેખીને કહ્યા? આપે જે ગણો કહ્યા-તે જ રુદ્રો? કે તેમનાથી જુદા રુદ્રો? એ મને સમજાવો.

વસિષ્ઠ કહે છે કે-સન્યાસીએ જીવટ-આદિ સો શરીરો-વાળાં જે સો સ્વપ્નો દીઠાં-તેઓ જ રુદ્ર-પણાને પ્રાપ્ત થયાં,એમ તમે પ્રથમના પ્રકરણથી સમજ્યા હશો જ.તેથી સ્પષ્ટ રીતે મેં સો રુદ્રોનાં નામ આપ્યાં નથી.
(હકીકતમાં) સન્યાસીના સ્વપ્નના સો શરીરોને સો ગણો કહ્યા હતા,અને તે ગણો,રુદ્રના અંશરૂપ હોવાથી રુદ્રના જેવા જ ઐશ્વર્યો વાળા હોવાથી-તેમને સો રુદ્રો કહ્યા છે.આ રીતે તે સઘળા રુદ્રો જ હતા,
તો પણ,ઈશ્વર-કોટિમાં રહેલા પૂર્વ-સિદ્ધ (મુખ્ય) રુદ્રની સેવા કરવાના કામમાં તેઓ ગણો જ હતા.
મુખ્ય રુદ્રને આધીન થઈને જ તેઓ પોતાના કર્મોના ફળો અને ઐશ્વર્યો ભોગવતા હતા.

રામ પૂછે છે કે-હે મહારાજ,સન્યાસીના સ્વપ્ને બનાવેલ પહેલા રૂદ્રે,જેમ એક દીવામાંથી સો દીવા બનાવવામાં આવે તેમ,પોતાના એક ચિત્તમાંથી સો ચિત્તો બનાવ્યાં,એ વાત કેમ સંભવે?

વસિષ્ઠ કહે છે કે-જ્ઞાન-રૂપ ઐશ્વર્યથી જેમણે માયાનું બંધન તોડી નાખ્યું છે,અને યોગ-રૂપ ઐશ્વર્યથી સત્ય-સંકલ્પ-પણાને પામેલા પુરુષો પોતાના સર્વજ્ઞ-પણાના અને સર્વ-શક્તિમાન-પણાના બળથી,
જે વસ્તુને જે રીતે કલ્પે,તે વસ્તુને તે રીતે જ અનુભવે છે.સર્વાત્મ્ક-પણા અને સર્વ-વ્યાપક-પણાને લીધે,
એ લોકો જ્યાં સુધી જે વસ્તુની જેવી રીતની ભાવના કરે,ત્યાં સુધી તે વસ્તુનો-તે રીતનો અનુભવ કરે છે.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE