ચૈતન્ય-રૂપી ચન્દ્ર-બિંબમાં જે સંકલ્પ-રૂપી કલંક સ્ફૂરતું હોય એમ લાગે છે-તે કલંક નથી પણ ઘટ-ચૈતન્યનું ઘાટું સ્વરૂપ જ છે-એમ સમજો.તમે ઘાટા ચૈતન્યના ફેલાયેલા પદ\માં જ રહો ને પૂર્ણતા થી જ્ર રહો.
"સંકલ્પ-આદિ જે કંઈ છે તે તમારી (આત્માની) સત્તાથી જ છે" એવી રીતના નિર્દોષ મહા-બોધના સારનું અવલંબન કરો કે જેથી સઘળી વસ્તુઓ તમારી સાથે એકરસ થઇ જાય.
(૬૮) મૌન-વિચાર
વસિષ્ઠ કહે છે કે-હે રામચંદ્રજી,તમે સંકલ્પ-રૂપી મળોને ધોઈ નાખી,ચિત્તની ચંચળતા દુર કરીને,
ગાઢ નિંદ્રામાં હો,તેમ વાણીનો વ્યાપાર બંધ કરો અને સુષુપ્ત મૌન સેવી બ્રહ્મના આશ્રયે રહો.
રામ કહે છે કે-હે મહારાજ,વાકમૌન,ઇન્દ્રિયમૌન,અને કાષ્ઠમૌન-એ ત્રણ મૌનને હું જાણું છું,
પણ સુષુપ્ત મૌન ને હું જાણતો નથી,માટે આપ તે સુષુપ્ત મૌનનું લક્ષણ મને કહો.
વસિષ્ઠ કહે છે કે-હે રામચંદ્ર,બે પ્રકારના મુનિ કહેલા છે-એક કાષ્ઠ તપસ્વી અને બીજો જીવનમુક્ત.
આત્મ-તત્વના જ્ઞાન વગરની અને અનુભવ-રૂપી-રસ વિનાની (ચાન્દ્રાયણ-વ્રત-વગેરે જેવી) શુષ્ક ક્રિયામાં આગ્રહ વાળો અને હાથથી ઇન્દ્રિયોના સમુહને જીતનારો જે મુનિ હોય-તે કાષ્ઠ-તપસ્વી કહેવાયછે.
જયારે આ જગતના તત્વને સમજીને આત્માનું અનુસંધાન કરનારો,આત્મામાં જ રહેનારો અને વ્યવહારમાં બીજા તપસ્વી લોકોની પેઠે વર્તવા છતાં પણ અંદર નીર્તીશય આનંદથી તૃપ્ત રહેનારો,જે પુરુષ હોય તે જીવનમુક્ત મુનિ કહેવાય છે.એ શાંત મહા-મુનિઓને ચિત્તના નિશ્ચય-રૂપ જે ભાવ થાય છે-તે "મૌન" શબ્દથી કહેવાય છે.
મૌનને જાણનારા લોકોએ -વાકમૌન,ઇન્દ્રિયમૌન,કાષ્ઠમૌન અને સુષુપ્ત મૌન -એમ ચાર પ્રકારનું મૌન કહેલું છે.
વાણીને રોકી રાખવી -તે વાકમૌન,બળાત્કારથી ઇન્દ્રિયોનો નિગ્રહ કરવો તે ઇન્દ્રિય-મૌન,
શરીરની ચેષ્ટાઓનો ત્યાગ કરવો-તે કાષ્ઠમૌન અને આત્માનું જ અનુસંધાન કરવું-એ સુષુપ્તમૌન કહેવાય છે.
જો કે મનોમૌન,નામનું એક પાંચમું મૌન પણ છે,
તો પણ તે કાષ્ઠ તપસ્વીમાં,મૂર્છામાં અને મરણમાં જ સંભવે છે.માટે તેને જુદું ગણવામાં આવ્યું નથી.
આત્મતત્વનો અનુભવ થતાં જે સુષુપ્ત મૌન થાય છે,તેને જીવનમુક્ત પુરુષ જ ધારણ કરે છે,જયારે પહેલા ત્રણ મૌનનો અધિકારી કાષ્ઠ તપસ્વી છે.જીવનમુક્તોમાં રહેનારી જે આ સુષુપ્ત-મૌન નામની અવસ્થા છે-
તે જ તુર્યવસ્થા છે.બાકીનાં ત્રણ મૌન-એ મૌન કહેવાય છે-તો પણ તેઓ મલીન મનના દૃઢ નિશ્ચય-રૂપ હોય છે-તેથી જીવને બંધન આપનારાં થાય છે.માટે આ ત્રણમાંથી કોઈ પણ મૌન-વાળાને કાષ્ઠ-તપસ્વી કહે છે.
બળાત્કારથી મનનો નિગ્રહ કરીને અંદર અહંભાવનું અને બહાર દ્રશ્ય-પ્રપંચનું અનુસંધાન નહિ કરતાં,અને અજ્ઞાનથી આવરણ પામેલા આત્માને નહિ જોતો-કાષ્ઠ-તપસ્વી,સમાધિમાં અજ્ઞાનના સાક્ષી-પણાથી રહે છે.
એ ત્રણે મૌન-વાળાઓને સમાધિમાંથી ઉઠયા પછી ચિત્તનું ચલન થાય છે,
પણ સુષુપ્ત મૌન વાળા જીવનમુક્તને તો સર્વદા ચિત્તની ગતિ થતી જ નથી,
તેથી કોઈ સમયે પણ-તેને- ચિત્તનો નિરોધ કે ચિત્તનું પ્રગટ થવું-આદિ લીલા થતી નથી.