(૬૬) ભિક્ષુનો સંસાર
વસિષ્ઠ કહે છે કે-હે રામચંદ્રજી,ગઈ કાલે મેં,જ્ઞાન-રૂપી નેત્રથી અવલોકન કરતાં ઘણી વારે એ સન્યાસી મારા જોવામાં આવ્યો.જે મનનું માનેલું રાજ્ય હોય,તે મોટો પરિશ્રમ કર્યા વિના બહાર શી રીતે મળે?
જેમ કિનારાનો પવન સમુદ્રમાં જાય,તેમ બુદ્ધિ વડે (રાત્રિના બીજા ભાગમાં) હું ઉત્તર દિશામાં ગયો.ત્યારે "જિન" નામનો મોટો સમૃદ્ધિ-વાળો દેશ જોયો.એ દેશમાં "વિહાર" નામનો પ્રદેશ છે,તે પ્રદેશમાં પોતાની ઝૂંપડીની અંદર "દીર્ઘદશ" નામનો સન્યાસી-સમાધિમાં,એકવીશ રાત્રિથી લીન થઈને બેઠો છે.
જેમાં મજબૂત આગળો દીધેલો છે-તેવા તેના ઘરમાં "રખેને એના ધ્યાનનો ભંગ થાય" એવા ભયથી
તેના પ્રિય સેવકો પણ અંદર જતા નથી.એ ભિક્ષુને આજે દેહની મુક્તિ થઈને પરમ સાક્ષાત્કાર થવાનો છે,
કારણકે વિધાતાએ તેના આયુષ્યની ગણના પૂરી કરી છે.
આગળ કહ્યા મૂજબ,પોતાના ચિત્તમય સ્વપ્નમાં તેણે હજારો વર્ષોનો અનુભવ કર્યો છે.
કોઈ પૂર્વના કલ્પમાં એવો તે એક સન્યાસી હતો,આ કલ્પમાં આ સૃષ્ટિમાં એ બીજો છે.
આ જગત-રૂપી કમળના મધ્યમાં,ભ્રમરની પેઠે ફરીફરીને ચતુર ચિત્તથી મેં ઘણી શોધ કરી,
પણ તેવો કોઈ ત્રીજો મળ્યો નહિ.પછી આ બ્રહ્માંડને મૂકીને હું બીજા બ્રહ્માંડોને જોવા લાગ્યો.
ત્યાં ચિદાકાશના એક ખૂણામાં રહેલ,એક બ્રહ્માંડમાં તેવીજ સ્થિતિ-વાળો એક ત્રીજો સન્યાસી પણ મારા જોવામાં આવ્યો.એ બ્રહ્માંડમાં પણ ત્યાંના બ્રહ્માએ આ બ્રહ્માંડના જેવો જ ક્રમ ગોઠવ્યો છે.
આ પ્રમાણે,અનેક બ્રહ્માંડોમાં,કેટલાએક બ્રહ્માંડોની અંદર આ બ્રહ્માંડના જેવી જ રચના-વાળા સર્વ પદાર્થો
થયા છે અને હવે પછી પણ થશે.આ આપણી સભામાં પણ જે મુનિઓ અને બ્રાહ્મણો છે-તેઓ તથા
બીજાઓ પણ ઘણીઘણીવાર આવી સ્થિતિઓવાળા જ થવાના છે.
આ નારદ ફરીવાર પણ નારદ થશે અને બીજા બ્રહ્માંડમાં બીજો નારદ પણ થશે.
આવી રીતના જ જ્ઞાનવાળા અને આવી રીતના જ ચરિત્રવાળા -બીજા નારદો-પણ ઘણાઘણા હોવા જોઈએ.
વ્યાસ,શુક,શૌનક,ક્રતુ,પુલહ,પુલસ્ત્ય,અગસ્ત્ય,ભૃગુ,અંગીરા વગેરે અને બીજાઓ પણ,આવાં ને આવાં રૂપો-વાળા તથા આવી ને આવી ક્રિયાઓવાળા -લાંબાલાંબા કાળના યોગથી-અન્ય બ્રહ્માંડોમાં પણ હોવા જોઈએ.જેમ જળમાં વારંવાર તરંગો થાય છે અને શાંત થઈને ફરીથી તેના તે તરંગો થાય છે-
તેમ સૃષ્ટિઓમાં એના એ લોકો તથા બીજા ઘણા ઘણા લોકો વારંવાર આવ-જા કર્યા જ કરે છે.
મોહ ઉપજાવનારી આ માયા ખૂબ જ ફેલાયેલી છે.
વાસ્તવિક રીતે જોતાં,મહામંગલ-રૂપ પરમાત્મામાં,દેહાદિકની ચેષ્ટા-રૂપ કર્મ નથી અને મનની ચેષ્ટા પણ નથી.
જે કંઈ દેહાદિક,મન અને ચેષ્ટાઓ વગેરે જોવામાં આવે છે-તે કેવળ ભ્રાંતિ જ છે.
તમે જુઓ,કે એકવીસ દિવસમાં-તો જીવટ-આદિ ઘણી સૃષ્ટિઓનાં દર્શન -એ શું ભ્રાંતિ જ નથી?