મહામંગલ-રૂપ-પરમાત્મામાં તો વાણીની પણ પ્રવૃત્તિ નથી,એટલે,
પરમાત્મા અને જગત -એ શબ્દથી તથા અર્થથી એક જ છે-એ બંને કદી પણ જુદા નથી.
તરંગ અને જળ-બે જુદાં છે-એમ બોલવું જ યોગ્ય નથી.
જ્યાં સુધી આત્માનું અજ્ઞાન હોય ત્યાં સુધી-જ જગતને અને પરમાત્માને-જુદાં કહેવા યોગ્ય છે-પણ,જ્ઞાન થયા પછી તેમ કહેવું એ યોગ્ય નથી.
(૬૪) ભિક્ષુ-ઈત્યાદિને રુદ્રના ગણત્વની પ્રાપ્તિ
રામ પૂછે છે કે-જે મહામુનિ,જીવટ,બ્રાહ્મણ,હંસ -આદિ -
કે જેઓ પેલા સન્યાસીના સ્વપ્ન સંબંધી શરીરો હતા,તેઓનું પછી શું થયું?
વસિષ્ઠ કહે છે કે-કૌતુક જોવા માટે આવેલા પહેલા રૂદ્રનો સમાગમ થવાથી,જ્ઞાની થયેલા અને
પરસ્પરના સંસારો જેમના જોવામાં આવ્યા હતા-એવા સઘળા અંશો-કૃતાર્થ થવાને લીધે સુખી થઈને રહ્યા.
પહેલા રૂદ્રે (ઉપર કહ્યા પ્રમાણેની) માયા જોઇને પછી-
તે પોતાના અંશોને,પોતપોતાના સંસારોમાં પાછા મોકલતાં નીચે પ્રમાણે કહ્યું.
રુદ્ર કહે છે કે-મારા અંશ-રૂપ તમે તરત પાછા પોતપોતાના સ્થાનમાં જાઓ.એ સ્થાને કેટલાક કાળ સુધી,ભોગો ભોગવી પાછા મારી પાસે આવશો.અને મારા નગરને શોભાવનાર ગણ થશો.બે પરાર્ધને અંતે મહા-પ્રલય થશે,
ત્યારે જગતના દેખાવોનો પણ નાશ થવાથી આપણે પરમ-પદને પામીશું.
વસિષ્ઠ કહે છે કે-હે રામચંદ્રજી,એ મહાત્મા રુદ્ર,એ પ્રમાણે કહી અંતર્ધાન થઇ જતાં,
એ સઘળા રુદ્રોમાંના,છેલ્લા રુદ્રના સંસારને જોનારું જે સાક્ષી-ચૈતન્ય હતું,
તે -જેમ,સ્વપ્નનો સાક્ષી જાગ્રતમાં આવે છે,તેમ,જીવટ-આદિના પ્રત્યેક સંસારમાં આવ્યું.
રુદ્રની આજ્ઞાથી પોતપોતાના બ્રહ્માંડમાં જઈને રહેલા,જીવટ-આદિ લોકો હમણાં ભોગ ભોગવે છે.
તેઓ બે પરાર્ધને અંતે પોતાના શરીરનો ત્યાગ કરીને,રુદ્ર-લોકને પ્રાપ્ત થઈને-ઉત્તમ ગણો થશે.
રામ કહે છે કે-હે મહારાજ,એ જીવટ-આદિ લોકો કે જેઓ -પેલા સન્યાસીના સંકલ્પ-રૂપ હતા,
તેઓ સત્ય-પણાને કેમ પ્રાપ્ત થયા? સંકલ્પના પદાર્થમાં સત્યતા કેમ સંભવે?
વસિષ્ઠ કહે છે કે-સઘળા પદાર્થોમાં અધિષ્ઠાન-રૂપ અંશ સત્ય છે અને અધ્યસ્ત-અંશ મિથ્યા છે-એમ સમજો.
સત ના અને અસતના મિશ્રણ-રૂપ-સંકલ્પ-પદાર્થમાં અસત કે જે પૂર્વ-કાળમાં તથા ઉત્તરકાળમાં નથી-તે નથી જ,
પણ અસતના અધિષ્ઠાન-રૂપ-સત છે તે તો સર્વ-વ્યાપી હોવાથી સર્વદા છે જ,
તેથી તે સત્તાને લીધે જ ભોગ આપનારા (અદ્રષ્ટથી જાગેલા સંકલ્પના) પદાર્થો કાર્યો કરવામાં સમર્થ થાય છે.