Jan 1, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-709

જેમ,અંકુર છોડ બને છે,તેમ વાસના પોતે જ,આ પોતાનો "આ દેહ છે" એમ જુએ છે-
કે જે દેહ કેવળ શૂન્ય વિસ્તાર-વાળો જ છે.જો વાસનાનું અવલોકન કરવા લાગીએ તો-
અવલોકન કરવા લાગતાં જ -વાસના કંઈ (થોડી) પણ અવશેષ (બાકી) રહેતી નથી.
વાસનાનો નાશ કરવો પડે તેમ પણ નથી,કેમ કે વાસના મુદ્દલે છે જ નહિ,
માટે આપણે વાસના હોવાની ભ્રાંતિ રાખવી જ નહિ.આ જગત-રૂપ-ભ્રમ કે જે મિથ્યા જ ઉઠેલો છે,તેને (તે જગતના ભ્રમને) બિલકુલ ભૂલી જવું-એ જ આપણને -તે ભ્રમ ટાળી નાખવાને માટે- બસ છે.

કદાચ એ ભ્રમ ભૂલી ના જવાય તો એ ભ્રમ બાધિત થાય તો પણ બસ છે.
બાધિત થવાને લીધે મિથ્યા થયેલી આ જગતની ભાવના કેવળ કૌતુક આપનારી જ થાય છે,
માટે તે જો પ્રાતિભાસિક સત્તાથી જ રહે તો પણ -તે વિનોદ જ આપશે,પણ કશો અનર્થ કરી શકશે નહિ.
માટે કેવળ કૌતુકને માટે જ અહીંથી જઈને-મારા સઘળા સંસારોને જોઉં અને (મનને) બોધ આપીને -
તે તે ઉપાધિઓથી આત્માને જુદો પાડીને (પરમાત્મા સાથે) એક કરું.

વસિષ્ઠ કહે છે કે-એ રુદ્ર,એ પ્રમાણે વિચાર કરીને તે સૃષ્ટિમાં ગયો કે જે સર્ગમાં વિહારની અંદર સૂતેલો પેલો સન્યાસી શબ જેવો થઈને રહ્યો હતો.એ સન્યાસીને જગાડીને રુદ્ર ,
તેમાં પોતાના ચિત્તના અંશ-રૂપ ચિત્તની -અને- પોતાના અંશભૂત ચિદાભાસ-રૂપ જીવની "યોજના" કરી.

અને આમ (આવી યોજના) થતાં સન્યાસીને પણ પોતાના ભ્રમનું સમરણ પ્રાપ્ત થયું.
પોતાના આત્માને રુદ્ર-રૂપ જોઇને(જોકે તત્વબોધને લીધે તે સન્યાસી વિસ્મય પામવાને યોગ્ય ન હતો,તો પણ)
અલ્પ કાળમાં,લાંબા કાળના અનેક જન્મોના અનુભવ-રૂપ તથા
સ્વપ્ન-સંબંધી-રુદ્ર-શરીર આદિને (પોતાનું) અનુસરવું-એ આશ્ચર્ય જોવામાં આવવાથી વિસ્મય પામ્યો.

પછી રુદ્ર તથા સન્યાસી (યોજના ને લીધે -બે-છે!!) એ બંને (એક બ્રહ્માંડમાંથી) ઉઠીને,
ક્યાંક ચિદાકાશના એક ખૂણામાં રહેલા જીવટના સંસારમાં (બીજા બ્રહ્માંડમાં) ગયા.
એ બ્રહ્માંડમાં "ભૂલોક"માં જઈને તેઓએ,ત્યાં જીવટ ના રહેવાના (દ્વીપ-પ્રાંત-દેશ-પુર-ગામમાં થઇ) ઘરમાં ગયા.
તે ,ઘરમાં,રાત્રે હાથમાં તલવાર લઈને સુઈ ગયેલા અને શબની પેઠે બેભાન થયેલા જીવટને જોયો.
(ત્યારે પોતાના શરીરોના અને શરીરની કાંતિ-વગેરેને અંતર્ધાન-શક્તિથી ગુપ્ત રાખીને) જીવટને જગાડી,
તેમાં પોતાના ચિત્તના અંશ-રૂપ-ચિત્તની-અને-પોતાના અંશભૂત ચિદાભાસ-રૂપ જીવની "યોજના" કરી.

આમ (આવી યોજના) થવાથી,અંદર એક-રૂપ-વાળા પણ બહાર ત્રણ-રૂપ-વાળા,
(હવે યોજના ને લીધે ત્રણ થયા છે!!) બોધ-વાળા છતાં પણ મૂર્ખ જેવા અને વિસ્મિત છતાં વિસ્મય વિનાના,
એ રુદ્ર,જીવટ અને સન્યાસી-ચિત્રમાં આલેખાયેલાઓની જેમ (ક્ષણ ભર જાણે) ચૂપ ઉભા રહ્યા.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE