રુદ્ર (મનમાં) બોલે છે કે- અહો,નિર્જળ દેશોમાં જળની જેમ-અસત્ય છતાં સત્ય લાગતી અને જગતને મોહ આપનારી આ વિચિત્ર માયા ફેલાઈ છે.હું પ્રથમ પારમાર્થિક (પરમ અર્થ-રૂપ) સ્થિતિથી ચૈતન્ય જ હતો,
એ સંકલ્પોને લીધે,હું જ દ્વૈતથી જોડાઈને,ચૈતન્યના અંશને લીધે સર્વજ્ઞ અને જડના અંશને લીધે આકાશ-આદિ વિકારો-વાળો થયો. પછી ઈચ્છાને લીધે સ્થૂળ-સુક્ષ્મ દેહોના એક-પણાનો અધ્યાસ થતાં,
વાસનાઓની વિચિત્રતાઓથી રંગાવાને લીધે-જીવ-થઈને રહ્યો.
એ જીવ અનાદિ કાળથી જન્મોની પરંપરાને અનુભવતો અનુભવતો
કોઈ સર્ગમાં,વૈરાગ્ય-આદિની દૃઢતાને લીધે,વિષયોથી ક્ષોભ નહિ પામનાર સન્યાસી થયો.
એ સન્યાસીને,હાથ-પગ આદિ અવયવો અને પ્રાણ-આદિના નિરોધથી-
"બહારના દેવ આદિની માનસિક પૂજન" (લીલા) રમણીય જણાતી હતી.
બીજાં મનનોના ઉદયનો ત્યાગ કરી,તે સન્યાસી તે લીલાનો જ અનુભવ કરતો હતો.
જેમ,ઉનાળાના તાપને લીધે સુકાઈ ગયેલી લતા ફરી ચોમાસામાં પાણી મળવા છતાં સજીવન થતી નથી,
તેમ,પાછળના (હાલના) ચમત્કારથી વ્યાપ્ત થયેલું ચિત્ત આગળના ચમત્કારને ત્યજી દે છે.
તેમ છતાં,શાસ્ત્રની વાસનાઓ (સત્સંગ) શિથિલ થતાં,જેણે અનર્થની વાસનાઓ પ્રાપ્ત થઇ,
એવો -તે સન્યાસી-"જીવટ" નામનો નર થઈને,અનેક દેહોમાં ભમ્યો.
પ્રથમ,તેણે પોતે (બ્રાહ્મણોનો ભક્ત હોવાને લીધે) પોતામાં બ્રાહ્મણ-પણું દીઠું.કેમ કે-સારી-નરસી
સ્થિતિઓનો ફેરફાર કરવામાં,સારી કે નરસી જે વાસના બળવાન હોય-તે જ પોતાનું કાર્ય કરી શકે છે.
પછી,માંડલિક રાજા,ચક્રવર્તી રાજા,અપ્સરા-પણા,મૃગ-પણા,લતા-પણા,ભ્રમર-પણા-વગેરેને તે પ્રાપ્ત થયો.
અને પછી પણ વારંવાર સંસારના મોટામોટા ભ્રમોમાં તે ભમ્યો.અને છેવટે,રુદ્ર-પણાને પ્રાપ્ત થયો.
કેવળ પોતાના ભ્રમથી રચાયેલા આ સંસાર-રૂપી આડંબરમાં હું સો અવતારને અંતે આ રુદ્ર થઈને રહ્યો છું.
મને સન્યાસીપણામાં,જેનાથી તત્વજ્ઞાન પ્રાપ્ત થાય એવો શ્રવણ-મનન-વગેરેના અભ્યાસનો ક્રમ દૃઢ થયો હતો,
તો પણ પ્રમાદને લીધે એ ક્રમને ભૂલીને વારંવાર જન્મોની પરંપરાને પ્રાપ્ત થતાં-બ્રહ્માના હંસ-પણાને પામ્યો.
પણ,મારો જે પૂર્વનો અભ્યાસ-ક્રમ હતો,તે આજ તત્વજ્ઞાન-રૂપી-ફળ આપનારા રુદ્ર-પણાથી સફળ થયો છે.
જીવને નિર્વિઘ્ન જો રીતે જે અભ્યાસ દ્રઢ થયો હોય,તે અભ્યાસ,
વચમાં હજારો જન્મ આવે તો-પણ,છેવટે જીવને પ્રાપ્ત થાય છે.
કોઈ સમયે કાક-તાલીય-ન્યાયની રીતિ પ્રમાણે,સાધુ-જનનો સમાગમ (સત્સંગ) પ્રાપ્ત થાય તો,
જીવની અશુભ વાસનાઓ ટળી જાય છે.
જે પુરુષ દુષ્ટ વાસનાઓથી છૂટવા ઈચ્છતો હોય,તેણે,સારી વાસનાઓ મેળવવાનો ઉદ્યમ કરવો જોઈએ,
કારણકે-પહેલાં થયેલી અશુભ વાસનાના અભ્યાસને નાશ પમાડવા ઉદ્યમની જરૂર છે.
આ જન્મમાં અને પૂર્વ જન્મમાં પણ જેનો નિરંતર અભ્યાસ કરવામાં આવ્યો હોય તે પદાર્થ મિથ્યા વિષય-વાળો હોય -તો પણ ફળ દેવાને સમર્થ થાય છે-તો જે સત્ય-વિષય-વાળો તે ફળ આપવામાં થાય જ ને?