Dec 28, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-705

આમ,મિથ્યા-પુરુષથી (સ્વપ્ન-રૂપ-પુરુષથી) જે ઉત્પન્ન થયેલું હોય,તે-મિથ્યા જ હોય-એમ સિદ્ધ થાય છે,
એટલા માટે,આ સંસાર,જન્મ-મરણ,સ્વર્ગ-નરક-આદિ ક્રિયાઓ કરવામાં સમર્થ છતાં પણ
તેમાં સત્ય-પણાની ગાઢ ભાવના કરવી-તે યોગ્ય નથી,તે ગમે તેમ કરીને પણ છોડી દેવી જોઈએ.
આપણને સ્વપ્નમાં જે સૃષ્ટિ-વગેરે દેખાય છે,તેની તે સમયે (સ્વપ્નના સમયે) તે સૃષ્ટિમાં દ્રઢ પ્રતીતિ જ થાય છે,
પણ તે સ્વપ્નમાં તે સૃષ્ટિની (સ્વપ્ન ની હોવાને લીધે) સત્યતા સિદ્ધ થતી નથી.

વાસ્તવિક વિચાર કરીએ તો,આપણી આગળ ખડો થઈને ઉભેલો અને વૃદ્ધિ પામેલો-
આ બ્રહ્માની "સૃષ્ટિ-રૂપ-સ્વપ્નનો આડંબર" પણ નિમેષ-માત્ર (પલકારા-માત્ર) જ છે.
આ નિમેષ-માત્ર રહેનારા આડંબરમાં પણ "કલ્પ-પણું" કલ્પી લેવામાં આવે છે.
જેમ,પ્રાણીને (મનુષ્યને) જોવામાં આવતી સ્વપ્ન-સંબંધી-સૃષ્ટિ,નિમેષ-માત્ર હોવા છતાં પણ લાંબી લાગે છે,
તેમ,બ્રહ્માને જોવામાં આવતી આ સમષ્ટિ-સૃષ્ટિ,નિમેષ-માત્ર હોવા છતાં પણ લાંબી લાગે છે.
જે સૃષ્ટિની પ્રસિદ્ધિ -ચૈતન્યને આધીન હોય છે-તે મિથ્યા જ હોય છે.

(આમ વાસ્તવિક વિચારથી)જો, આ સઘળી સૃષ્ટિ વાસ્તવિક નથી પણ સ્વપ્નાત્મક જ છે,એમ સિદ્ધ થયું,
તો બ્રહ્માનું પદ પણ અત્યંત અસત છે-એમ પણ સિદ્ધ થઇ ચૂક્યું -એમ કહી શકાય.
" જગત,અત્યંત અસત હોવા છતાં,પણ વ્યવહારને લાયક કેમ છે?" એમ તો પૂછવું જ યોગ્ય નથી,
કેમ કે જે વસ્તુ જે રીતે જેવી જોવામાં આવે છે,તે વસ્તુ તે રીતે તે સ્વભાવ-વાળી જ છે-તે સત્ય છે.
આમ,વધુ પૂછપરછ કે શંકા કરવાને બદલે-"તેમનો સ્વ-ભાવ જ એવો છે" એમ માનવું-તે સંતોષકારક છે.

આ જગત-રૂપી ભ્રમમાં "સંભવે નહિ" એવું કશું છે જ નહિ,
કેમ કે,ત્રૈલોક્યમાં વિચિત્ર-વિચિત્ર પ્રકારના,વસ્તુઓના દેખાવો જોવામાં આવે છે.
જળની મધ્યમાં પણ અગ્નિ (વડવાનલ) સળગતો જોવામાં આવે છે,આકાશમાં નગરો (સ્વર્ગ-આદિ) જોવામાં આવે છે,શિલાઓમાં કમળો ઉત્પન્ન થતાં જોવામાં આવે છે,આકાશમાં જળ જામી જતું (કરા) જોવામાં આવે છે,
સ્વપ્નમાં પોતાનું મરણ પોતાના જોવામાં આવે છે,ચેતના વિનાનો પુરુષ (યંત્ર) કામ કરતો જોવામાં આવે છે,
સાચા સંકલ્પ વાળા પુરુષના પણ કેટલાક ધારેલા સંકલ્પ પુરા નહિ થતા જોવામાં આવે છે,
આવા આવા અને આવા જ પ્રકારના બીજા ઘણા અસંભવિત વિચિત્ર દેખાવો જોવામાં આવે છે.

એટલે,હમણાં બ્રહ્માંડનો નાશ થવો-એ અસંભવિત લાગે છે-પણ તે ભવિષ્યકાળમાં થશે-એમ સિદ્ધ થાય છે.
સ્વપ્નમાં થયેલો દેવ-પૂજન-આદિનો મિથ્યા દેખાવ પણ,જાગ્રત થતાં શુભ ફળ આપનાર થતો જોવામાં આવે છે,
માટે એમ સિદ્ધ થાય છે કે-બ્રહ્મ-દ્રષ્ટિથી કંઈ પણ અસત્ય નથી,અને જગત-રૂપ-દ્રષ્ટિથી કંઈ પણ સત્ય નથી.
આમ,આ સૃષ્ટિ નામના સ્વપ્નમાં,સર્વત્ર,સર્વથી,સર્વ કંઈ સંભવે છે.

જેમ,સ્વપ્નમાં ડૂબેલી બુદ્ધિ-વાળો-જીવ, સ્વપ્નની સ્થિરતાને જુએ છે,
તેમ,જગતમાં ડૂબેલી બુદ્ધિ-વાળો-જીવ, જગતની સ્થિરતાને જુએ છે.
જીવ,એક ભ્રમમાંથી બીજા ભ્રમમાં જતાં-કે-એક સ્વપ્નમાંથી બીજા સ્વપ્નમાં જતાં,
તેઓમાં સ્થિર-પણાનો વિશ્વાસ રાખવાથી મોહ પામે છે.અને,
રાગ (આસક્તિ) -આદિ દોષોથી મૂઢ થયેલો જીવ,એક દુઃખમય યોનિમાંથી,બીજી દુઃખમય યોનિમાં પડે છે.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE