"મને મોક્ષ થાઓ" એવી ઈચ્છા પણ પૂર્ણ-પણાના ક્ષયનું કારણ છે,
અને "મોક્ષ ના થાય તો પણ ઠીક" એવી ઈચ્છા પણ બંધનરૂપ છે.
ચૈતન્યનું દ્રશ્યોથી રહિત જે અખંડ સ્વ-રૂપ છે-તે જ કલ્યાણ-રૂપ છે.
મહા-ચૈતન્યમાં "સંકલ્પ" થી (સંકલ્પ થવાથી) જે ચલન (કલ્પના) છે-તે જ બંધન-મોક્ષ ને યોગ્ય છે,
અને તે સુક્ષ્મ વિચારથી અવલોકન કરતાં જ નષ્ટ થઇ જાય છે.
વિવેકી પુરુષ જો પોતે રચેલા સંકલ્પમાં "આ મેં ધાર્યું હતું અને આ મેં નહોતું ધાર્યું" એવા વિભાગને ત્યજી દે-
તો ઉત્પન્ન થયેલો સંકલ્પ પણ બહારના ચલન (દ્રશ્ય)ને ઉત્પન્ન કરવામાં અસમર્થ થઈને નષ્ટ થઇ જાય,
એટલે કે- સઘળું (દ્રશ્ય) ઉત્પન્ન થાય વિના જ-સંકલ્પ વિનાનું અને ચલન વિનાનું થઇ જાય છે.
આમ જો, " ચૈતન્યનું જે ચલન છે-તે ચૈતન્યનો જ પ્રકાશ છે" એમ અખંડ રીતે સમજવામાં આવે તો-
ચૈતન્યનું ચલન,ચૈતન્યથી જરા પણ જુદું રહેતું નથી.
જ્ઞાની પુરુષ,આ દ્રશ્યમય લાંબા સ્વપ્નમાંથી બીજા સ્વપ્નમાં જતાં પણ સર્વના અધિષ્ઠાન-ભૂત,
પોતાના સ્વ-રૂપથી જુદો પડતો નથી,તેથી,કશા મોહને પ્રાપ્ત થતો નથી.
હે રામચંદ્રજી,પ્રત્યગાત્મા (આત્મા કે પરમાત્મા) કે જેમાં,બળાત્કારથી અટકાવવા છતાં પણ-
સઘળા જગત સંબંધી (મીઠાશ થી સારા લાગે તેવા) આકારોના દેખાવો ઉત્પન્ન થાય છે.
જેમાં (જે આત્મામાં)તે સઘળા આકારોના દેખાવોની સ્થિતિ પણ ઉદય પામે છે અને
જેમાં સઘળા (સંક્લ્પાત્મક) આકારો લીન પણ થઇ જાય છે,
તે પ્રત્યગાત્મા (આત્મા કે પરમાત્મા) ને જ ઉપર કહેલા વિચારથી પોતાની અંદર (સ્વ-માં) જુઓ.
(૬૦) વિશ્વ પરમાત્માની વિભૂતિ છે
વસિષ્ઠ કહે છે કે-હે રામચંદ્રજી,પરમપદ-રૂપ અને અને ચૈતન્યઘન જે આદ્ય પરમ-તત્વ છે,તે આવું છે.
મોટામોટા રૂપો વાળા આ બ્રહ્મા,વિષ્ણુ અને શિવ આદિ જે દેવતાઓ છે-તે એ તત્વમાં રહીને જ પ્રસન્ન રહે છે,
અને રાજા લોકોની જેમ ઉંચીઉંચી વિભૂતિઓથી તેઓ આમ શોભે છે.
સિદ્ધ લોકો પણ એ પરમ-તત્વમાં રહીને જ,
સ્વર્ગમાંના દેવતાઓની જેમ આકાશ-ગમન આદિ ક્રીડાઓથી,લાંબા કાળ સુધી મોજ કરે છે.