તેમ કોઈ પણ લોકો,એ સર્વથી ન્યારા,સ્વચ્છ પદને,નિદિધ્યાસન વિના જોઈ શકતા નથી.
જે પરમ પદમાં,સર્વ ઘટ-પટ-આદિ સ્થૂળ પદાર્થોનો પણ બાધ થઇ જાય છે,
એ પરમ પદમાં બિચારી સુક્ષ્મ વાસનાઓ શું કરી શકે તેમ છે?
ધૂળ જેવી તુચ્છ અને ભોગથી બંધન કરનારી બિચારી વાસના ક્યાં?
અને સઘળાં બ્રહ્માંડોમાં ભરપૂર થઇ રહેલો આત્મ-તત્વ-રૂપી પ્રબળ પવન ક્યાં?
જ્યાં સુધી,આ શુદ્ધ આત્મા,સ્વ-રૂપથી જાણવામાં ન આવ્યો હોય,
ત્યાં સુધી અનેક આકારોથી વિકાર પામનારી આ અવિદ્યા સ્ફુરે છે
પોતાના ઉદરમાં સર્વને ગળી જનારા વ્યાપક પરમ-પદમાં
સઘળાં દ્રશ્યોના દેખાવો નાશ પામે છે અને સ્વચ્છતા જ ઉદય પામે છે,
એ પરમ વસ્તુ કે જે પૂર્ણતા-રૂપ છે,સઘળા જગત-સંબંધી આકારોથી રહિત છે,
અને વાણીથી પણ અગમ્ય છે,તેણે,કોની ઉપમા આપી શકાય?
હે અર્જુન,તમે પૂર્ણ-સ્વ-રૂપનું દર્શન કરીને પ્યારા વિષયોનો ત્યાગ કરવા-રૂપ મંત્રની યુક્તિથી,
અંતઃકરણમાં રહેનાર વિષયોને ટાળી નાખી,સંસારના બંધનથી રહિત
અને નિર્ભય સ્વ-ભાવ-વાળા પરમાત્મા જ થાઓ.
અર્જુન કહે છે કે-હે મહારાજ,આપ કે જે ત્રૈલોક્યના નાથ છો,તેમના વચનથી મારી બુદ્ધિ સઘળા શોક-રૂપી-બોજથી મુક્ત થઇ છે,અને પરમ ઉદય ને પ્રાપ્ત થઇ છે. (ગીતા-સમાપ્ત)
વસિષ્ઠ કહે છે કે-હે રામ, સંદેહથી થયેલો અને જેના સારથી શ્રીકૃષ્ણ હશે,એવો અર્જુન આટલાં વચન બોલીને,
તૈયાર થઈને યુદ્ધ-રૂપી-લીલા કરશે.
(૫૯) શુદ્ધ ચૈતન્યની સ્થિરતાના ઉપાય
વસિષ્ઠ કહે છે કે-હે રામચંદ્રજી,તમે સઘળાં પાપોનો નાશ કરનારી,આ દ્રષ્ટિનો આશ્રય કરો અને
"નિઃસંગ-પણા-રૂપ-સન્યાસ"ને (અનાસક્તિને) ધારણ કરીને અને
બ્રહ્મમાં "સર્વ જગતના બાધ-રૂપ" ને બ્રહ્માર્પણ કરીને,અખંડ એક-રસ-રૂપે રહો.
--જે ત્રણે કાળમાં વિદ્યમાન છે--જે સર્વમય છતાં પણ નિત્ય તથા પર છે
--જે પોતે પ્રપંચથી બહાર દેખાતું હોવાને લીધે દૂર છતાં પણ સર્વના અંતરમાં વ્યાપેલું હોવાથી પાસે છે
--અને સર્વમાં વ્યાપક છતાં સ્વ-રૂપમાં રહેલ છે--તેને જ તમે આત્મા સમજો.
તમે તેમાં રહેવાથી જ સત્તા પામ્યા છો,અને તમે તેથી જ છો-એમ તમે નિઃસંશય રીતે સમજો.