વાસના-રૂપી રજ્જુથી બંધાયેલું છે,અને વાસના-રૂપી ફાંસીથી ટુંપાયા કરે છે.
જેમ,અરીસામાં પ્રતિબિંબ રહે છે-તેમ આ જગત બ્રહ્મમાં રહેલું છે,
માટે આધાર (અધિષ્ઠાન) થી અભિન્ન હોવાને લીધે,છેદન-ભેદન થવા છતાં જગતનો નાશ નથી.
આમ હોવાથી, આ જગતમાં કોનું શું ભેદાય કે છેદાય? શાથી-શીરીતે-કે ક્યાં ભેદાય કે છેદાય?
જે પુરુષ,સઘળા ધર્મોમાં તત્પર હોવા છતાં ને સર્વજ્ઞ હોવા છતાં પણ વાસનાથી રહિત થયો ના હોય,
તે પુરુષ પાંજરામાં રહેલા સિંહની જેમ બંધાયેલો જ છે-એમ સમજવું.
જે મનુષ્યના ચિત્ત-રૂપ-ખેતરમાં વાસના-રૂપી-બીજ અલ્પ પણ રહી ગયું હોય,
તેને તે (વાસના-રૂપી-બીજ) પાછું સંસાર-રૂપી-મોટું-વન થઇ પડે છે.
અભ્યાસને લીધે હૃદયમાં રૂઢ થયેલા,તત્વ-બોધ-રૂપી-અગ્નિથી,
જો વાસના-રૂપ-બીજ પૂરેપૂરું બળી ગયું હોય તો,તે ફરી ઉગતું જ નથી.
અને જેમાંથી વાસના-રૂપી બીજ નિઃશેષ રીતે બળી ગયું હોય-એવું સ્વચ્છ મન,
સુખ-દુઃખ-આદિ વસ્તુઓમાં ડૂબતું નથી.
હે અર્જુન,તમે અપાર આશાઓ ત્યજી દઈને આ પવિત્ર ઉપદેશનું સારી રીતે મનન કરો,
મનના મોહથી રહિત થાઓ અને બંધુઓના વધ આદિથી થતા કલેશોથી રહિત થઈને,
એક શાંત બ્રહ્મ-રૂપે નિર્ભય રહીને,પરમાનંદથી સ્વ-રૂપમાં જ રહો.
(૫૮) અર્જુનની કૃતાર્થતા
અર્જુન કહે છે કે-હે કૃષ્ણ,આપણી કૃપથી મારો મોહ દુર થયો,આત્મભાન થયું,સર્વ સંદેહો દુર થયા છે,
અને સ્વસ્થ થયો છું,હવે હું આપના કહેવા પ્રમાણે વર્તીશ.
શ્રીકૃષ્ણ કહે છે કે-જો બોધથી હૃદયમાં સ્પષ્ટ રીતે રાગ (આસક્તિ) આદિ વૃત્તિઓ સર્વથા શાંત થઇ ગઈ હોય,
તો,અંદર ચિત્તને શાંત તથા વાસના-રહિત થયેલું સમજો.
આ ચિત્તની વાસના-રહિત થયેલી સ્થિતિમાં,પ્રત્યગાત્મા (પરમાત્મા)-રૂપ-બ્રહ્મ-તત્વ,
કે જે વ્યવહારમાં સર્વ-રૂપ તથા સર્વ-વ્યાપક છે-તથા-પરમ-અર્થમાં સર્વથી રહિત છે-
તે તત્વ દ્રશ્યોથી (જગતથી કે જગતના પદાર્થોથી) રહિત થઇ જાય છે.
જેમ,પૃથ્વી પરથી ઉડીને આકાશમાં અત્યંત ઉંચે ગયેલું પક્ષી કોઈના જોવામાં કે જાણવામાં આવતું નથી,
તેમ એ પદ (પરમ-તત્વ) જગતના કોઈ (અજ્ઞાની)લોકોને કે ઇન્દ્રિયો વગેરેના જોવામાં કે જાણવામાં આવતું નથી.
એ ચેતન-રૂપ-આત્માને સર્વનો પ્રકાશ કરનાર,શુદ્ધ,સંકલ્પોથી રહી,ઇન્દ્રિય આદિથી અગમ્ય,
અને સવિષય જ્ઞાનોથી દૂર જેવો જાણો.