--આસક્તિ આપનારું--ઇન્દ્રિયોને લલચાવનારું--અનેક પ્રકારની અવિદ્યાના ભાગ-વાળું--
અનેક સૂર્યોના કિરણોથી ચકચકિત લાગતું--અનેક કલ્પો તથા યુગો-રૂપી અવયવો-વાળું--
વિવિધ રાગો-રૂપી રંગોથી રંગાયેલું--અનેક પ્રકારના વિલાસોવાળું--
અનેક પ્રકારના અનુભવો-રૂપી-આંખોવાળું--
સૂર્યોદય એન સૂર્યાસ્ત-આદિના સમયે પૂર્વ-પશ્ચિમમાં અતિ વિચિત્ર દેખાવોવાળું--
અને સૂર્ય,ચંદ્ર-આદિના ઉત્તમ પ્રકાશ-રૂપી-કળીચૂનાથી ચકચકિત લાગતી આકાશરૂપી ભીંતના દેખાવોવાળું-
ચિત્ત નામના પ્રસિદ્ધ ચિતારાએ,પોતાની વિચિત્ર-બુદ્ધિ-રૂપી-નટશાળામાં બેસી,
સાક્ષી-ચેતન-રૂપ-દીવાનો આશ્રય લઇ,પરબ્રહ્મ-રૂપ-આકાશને અધિષ્ઠાન બનાવી,
સર્વ-લોકો જેના ઘરેણાં છે,એવી ચિત્ર-વિચિત્ર લીલાઓ કરતી,ત્રિલોક-રૂપી મનોહર પૂતળી બનાવી છે.
તે પૂતળીનું અંગ બ્રહ્માંડ,ચોટલો મેઘ,સૂર્ય અને ચન્દ્ર બે નેત્ર,ધર્મ,અર્થ અને કામનાં શાસ્ત્રો જેની સાડી,
પૃથ્વી જેનું નિતંબ,બ્રહ્મા,વિષ્ણુ,રુદ્ર અને ઇન્દ્ર જેના ચાર હાથ,વિવેક અને વૈરાગ્ય જેનાં સ્તન,
સત્વ-ગુણ-રૂપી જેની કાંચળી,શેષનાગોથી વીંટાયેલું ભૂતળ જેનું આસાન,મેરુ,હિમાલય આદિ જેનાં ચિહ્નો,
મધ્યલોક જેનું ઉદર,તારાઓ જેનાં રોમાંચ,વીજળી જેના દાંતની હાર,પ્રાણીઓ જેનાં રૂવાંટા અને
જેણે પ્રલય-કાળના ફૂંકતા પવનની પુષ્પમાળા ધારણ કરી છે,તેમજ પોતાના નેત્રોથી અંધકાર દુર કરે છે,
--એ પૂતળીમાં વ્યષ્ટિ-સમષ્ટિ જીવ મુકવામાં આવ્યો છે,અને
લાંબા કાળ ના અનુભવથી,વાસનાવાળા આ ચિત્ત-રૂપી ચિતારાએ તેનું યોગ્ય ઘડતર કર્યું છે.
(૫૭) વાસના-નિવૃત્તિનો ઉપાય
શ્રીકૃષ્ણ કહે છે કે-હે અર્જુન,અહીં આ મોટું આશ્ચર્ય સમજો કે-પ્રથમ ચિત્ર થાય છે અને પાછળથી ભીંત ઉદય પામે છે (એટલે કે-પ્રથમ મનથી જગતનો આકાર થાય છે અને પછી ભુવન (જગત) ઉત્પન્ન થાય છે)
પ્રથમ આધાર વિના જ ચિત્ર ઉત્પન્ન થયા પછી-ભીંત ઉત્પન્ન થતી જોવામાં આવે છે-તે-
તુંબડાના ડૂબવા જેવી અને પથ્થરના તરવા જેવી-કેવી વિચિત્ર પ્રકારની માયા છે!!
ચિત્તમાં રહેલા-ચિત્રના જેવા, આ શૂન્ય બ્રહ્માંડમાં તમે-કે- જે પર-બ્રહ્મ-આકાશ-રૂપ છો,
તેમને આ મિથ્યા અહંકાર ઉદય પામ્યો છે-તે કેવું મોટું આશ્ચર્ય છે!!
જગતને બ્રહ્મ-રૂપ ગણો તો પણ એમ સિદ્ધ થાય છે કે-બ્રહ્મે જ સઘળું બ્રહ્મ બનાવ્યું છે.
બ્રહ્મ જ બ્રહ્મમાં લીન થાય છે,બ્રહ્મ જ બ્રહ્મમાં ભોગવાય છે,અને બ્રહ્મ જ બ્રહ્મમાં ફેલાયેલું છે.