જે તે કામોમાં કોઈ પદાર્થ ઉપયોગી થવાને લીધે,ઉપરટપકે જોતાં,તેમાં જે સત્યતા પ્રતીતિ થાય છે,તે સત્યતા શાસ્ત્ર-આદિ દ્વારા સુક્ષ્મ રીતે જોતાં લીન થઇ જાય છે.
જેમ,શરદ-ઋતુના સૂર્યના પ્રકાશથી દેખવામાં આવતું,વાદળાઓનું મંડળ સૂર્યના પ્રકાશથી જ
સુકાઈને લીન થઇ જાય છે,તેમ,કાચા અવલોકનથી દેખવામાં આવતું જગત,
ચિત્ત-રૂપી-ચિતારાના ચિત્રમાં રહેલી,આ બહારની ત્રૈલોક્ય-આદિ પૂતળીઓ-
ભીંત ન હોવાને લીધે,આકાર વગરની (શૂન્ય) જ છે.
એ પૂતળીઓ પણ નથી,અને તમે પણ નથી,માટે કોણ કયા પદાર્થથી હણાય તેમ છે?
તમે આ બ્રહ્મ-રૂપ આકાશમાં,મરનારપણાના અને મારનારપણાના મોહને છોડી,નિર્મળ થાઓ.
બ્રહ્મ-રૂપ-આકાશને વધ-આદિમાં પ્રવૃત્તિ જ નથી અને જે પ્રાતિભાસિક પ્રવૃત્તિ દેખાય છે,
તે પણ બ્રહ્મના આકાશ-રૂપે જ છે.એટલા માટે કાળ,ક્રિયાઓ,ભીંતો,કળાઓ-
વગેરે જે કંઈ વિચિત્રતાઓ દેખાય છે-તે સઘળું નિર્મળ બ્રહ્મ જ છે.
જેમ,મનના માનેલા રાજ્યમાં સઘળા પદાર્થો આકાશની પેઠે શૂન્ય જ છે,
તેમ,આ સઘળું જગત આકાશની પેઠે શૂન્ય જ છે.
જેમ,મનોરાજ્યમાં,પદાર્થોનો,ઘડીકમાં જન્મ થાય છે અને ઘડીકમાં નાશ થાય છે,
તેમ આ જગત,ઘડીકમાં નાશ પામે છે અને ઘડીકમાં જન્મે છે-એમ સમજો.
અનેક પદાર્થોની સ્થિતિ જોયા પછી,તમારા મન પર મરનાર અને મારનાર-એવા ભેદ દ્રઢ થયા છે,
અને તેથી,તમારી જે કલ્પનાઓ બંધાઈ છે,તે હવે મારા ઉપદેશથી દૂર થઇ જશે.
જેમ,મિથ્યા પદાર્થને ઉત્પન્ન કરવામાં મન સમર્થ છે,તેમ, ક્ષણ ને કલ્પ બનાવવામાં પણ મન સમર્થ છે,
એટલે,મન ક્ષણને કલ્પ બનાવી દે -એ વાત તો સહજ છે,પણ એથી મોટી વાત તો એ છે કે-
તે મન મિથ્યા જગતને પણ ક્ષણમાત્રમાં સાચું બનાવી દે છે.
આવા મનના સામર્થ્યથી જ આ જગત-રૂપી-ભ્રાંતિ ઉઠેલી છે.
"નિત્ય-મુક્ત-આત્મા"માં અધ્યાસ (ભ્રમ) થવાથી અને કેવળ પ્રતિભાસથી થયેલું હોવાને લીધે,
આ જગત,ક્ષણિક અને તુચ્છ જ છે.
પણ,આ રીતે નહિ જાણનારા અજ્ઞાની લોકોએ,જ-જગતમાં વજ્રના જેવું દ્રઢપણું કલ્પી લીધેલ છે.
તત્વને નહિ જાણનારા આત્માને જ વિપરીત પ્રતિભાસ થાય છે,અને (તેમના માટે) તે જ આ જગત છે.
માટે આ જગતનો અધ્યારોપ થવો કે બાધ થવો-તેમાં કોઈ મોટી વાત નથી.
ચિત્ત-રૂપી-ચિતારાએ,ચૈતન્ય-માત્રમાં,સંકલ્પમાત્રથી બનાવેલું આ જગત છે જ ક્યાં?
કે જેની નિવૃત્તિ માટે પ્રયત્ન કરવાની પણ જરૂર પડે?