Dec 18, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-695

શિષ્ટ લોકોના વ્યવહારની પરંપરાથી પ્રાપ્ત થયેલા,યુદ્ધ-રૂપ-વગેરે (વ્યવહારિક) કાર્યો (કર્મો) જો આવી પડે-
તો રાગ (આસક્તિ) નો ત્યાગ કરીને તે કાર્યો (કર્મો) કરો.
કર્મો કરવાથી તમારા "તત્વ-બોધ" ને કશી હાનિ થવાની નથી.
"દેહની ચેષ્ટા-માત્ર નો (દેહના કર્મો નો) ત્યાગ કરવો" એ જીવનમુક્તિ-પણું નથી,
પણ શિષ્ટ લોકોના વ્યવહારની પરંપરાથી પ્રાપ્ત થયેલું "સ્વ-ધર્મ-રૂપ-કર્મ" કાર્ય કરવું-એ જ જીવનમુક્તપણું છે.


"આ કર્મનો ત્યાગ કરું અને આ કર્મનું ગ્રહણ કરવું"એવી રીતનો ભેદ -મૂઢ (અજ્ઞાની) મનુષ્યના જ
મનમાં રહ્યા કરે છે, જ્ઞાનીના મનની તો (કર્મોમાં) "સમાન" સ્થિતિ જ રહે છે.
શિષ્ટ લોકોના વ્યવહારની પરંપરાથી આવી પડેલા કર્મો કાર્ય કરતા અને શાંત ચિત્ત-વાળા જીવનમુક્ત લોકો પોતાના સંકલ્પોથી રહિત થઈને સુષુપ્તિ-અવસ્થામાં વસતા હોય તેમ આત્મ-રૂપે જ સ્ફૂર્યા કરે છે.


વિષયોમાંથી "પોતાની-મેળે જ પાછી વળેલી"જે પુરુષની ઇન્દ્રિયો
(કાચબો જેમ પોતાના અંગોને અંદર ખેંચી લે છે) અંદર (હૃદયમાં) પેસીને "એક-રસ-પણાથી સ્થિર" થાય,
તે પુરુષને જ જીવનમુક્ત સમજવો.


પ્રથમ "ચિત્ત-રૂપ-ચિતારા" એ (પેઈન્ટરે) "અજ્ઞાન-રૂપ-આકાશ"માં
(અજ્ઞાન-રૂપ હોવાથી દેખાવને યોગ્ય ન હોવા છતાં પણ) "વૃત્તિ-રૂપી-પીંછીઓ" થી,
આ "જગત-રૂપી-ચિત્ર" સ્પષ્ટ દોરીને (ચિતરીને) દેખાડેલું છે.
આકાશ કે આ "જગત-રૂપ-ચિત્ર" ની "ભીંત-રૂપ" જણાય છે-તે તે ચિત્રના અમુક ભાગો બનાવ્યા પછી જ બનાવેલું છે!! અહો,આ રચના અપૂર્વ છે,ભ્રાંતિ જ છે,મહામાયા જ છે અને
આ રચના નિઃસાર હોવા છતાં પણ મૂઢ (અજ્ઞાની) લોકોને સારી લાગે તેવી છે.


જગતમાં આધારો અને આધેયો-ભિન્નભિન્ન જોવામાં આવે છે,પણ વાસ્તવિક રીતે જોતાં-
સઘળા આધારો અને આધેયો -ચિત્ત-રૂપ હોવાને લીધે,તેઓમાં જરા પણ  ભેદ નથી,
હે અર્જુન,આ જગતમાં જે જે ભીંતો જોવામાં આવે છે-
તેઓ પણ ચિત્તે કરેલાં ચિત્રો-રૂપ જ હોવાને લીધે આકાશથી પણ વધારે શૂન્ય છે-એમ સમજો.


જેમ,ચિત્તમાં સ્વપ્ન-રૂપી ભ્રાંતિ થતાં,ક્ષણમાત્રમાં દેખાતા પદાર્થોનો ઉદય અને લય શૂન્ય જ છે,
તેમ,મન અને મનના કાર્ય-રૂપ- બહારનું તથા અંદરનું જગત શૂન્ય જ છે.
આ જે જગત છે,તે એક જાતનું લાંબા કાળનું મનનું માનેલું રાજ્ય છે,તેથી તેમાં સત્યતા પ્રતીત થાય છે,
જે સત્યપણું,ભ્રાંતિથી કલ્પાયેલા પદાર્થમાં ત્રણે કાળમાં હોતું નથી,
તો પછી તે સત્યપણું,તે પદાર્થનું તત્વ જાણ્યા પહેલાં પણ તે પદાર્થમાં ક્યાંથી હોઈ શકે?

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE