Dec 16, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-693

ભ્રાન્તિઓના ભારને ધરનારો-વાસના-વાળો-જીવ,અન્ન-પાન-આદિથી પોષાઈને,અનેક યોનિઓમાં ભમ્યા કરે છે.
વાસનાઓને (કાલ્પનિક રીતે) વશ થયેલો જીવ,વાસનાને લીધે જ,જયારે શરીરમાંથી જાય છે-ત્યારે,શરીરમાંથી સઘળી ગ્રહણ કરવાની શક્તિઓ (જ્ઞાનેન્દ્રિયોની શક્તિઓ) ને સાથે લઈને જાય છે.

હે અર્જુન,જેમ પવન (શક્તિ!!) શાંત થતાં,વૃક્ષ હાલતું-ચાલતું નથી,
તેમ જીવ (આત્માની શક્તિ) નીકળી જતાં દેહના સઘળા અવયવો ગતિ વિનાના થાય છે.
એટલા માટે તે દેહ જીવ વગરનો અને મરણ પામેલો કહેવાય છે.
પ્રાણમય શરીર-વાળો જીવ,જે જે દેહ,દેશ,કાળ તથા ભોગ્ય-આદિ આકારમાં (અદ્રષ્ટને લીધે)
વાસના-વાળો થાય છે,તે તે વિસ્તીર્ણ આકારને -તે વાસનાના અભ્યાસને લીધે દેખે છે.

આ દેહ મિથ્યા છતાં જીવને જોવામાં આવે છે,માટે આ દેહનો નાશ થતા તમે પોતાનો (આત્માનો) નાશ થયો-
એમ માનો નહિ.જેમ,સુષુપ્તિ-વાળો પુરુષ કશા પર દ્રષ્ટિ કરતો નથી,તેમ તમે દેહાદિક પર દ્રષ્ટિ કરો જ નહિ.
જીવ,જેમ વાસનાથી,જુદાજુદા આકારોને દેખે છે,તે જ રીતે વાસનાથી તેઓના વિનાશોને પણ દેખે છે.

બ્રહ્માની સૃષ્ટિના આરંભથી-માંડીને વાસનાથી જ ગાય-ઘોડાં-વગેરે આકારો "કલ્પેલા' છે,
વાસ્તવિક રીતે તો-કુંભાર જેમ માટીથી આકારો બનાવે -તેમ માટી-વગેરેથી કોઈ આકારો રચાયા નથી.
ઉત્પત્તિના કાળમાં,પહેલી ક્ષણમાં જ -મોઢા આગળ જે જે દેહાદિક-રૂપ,જેવી રીતનું જોવામાં આવે છે,
તે તે દેહાદિક-રૂપ,વિનાશ થતાં સુધી,તેવી રીત-વાળું જ રહે છે,કેમ કે,
અધિષ્ઠાન ચૈતન્ય,તે ઉત્પન્ન થયેલાં રૂપને સાચવી રાખે છે.

જેમ,આજે પ્રાયશ્ચિત કરવાથી પહેલાંના સઘળાં પાપો નાશ પામે છે,
તેમ, હમણાં કરવામાં આવતા પુરુષાર્થથી પૂર્વની અશુભ વાસનાઓનો સંપૂર્ણ નાશ થાય છે.
જો પૂર્વના પ્રયત્ન માં,પ્રબળ પુરુષાર્થ હોય,તો તે પ્રયત્ન પાછળના પ્રયત્ન ને ફાવવા દેતો નથી,અને
જો પાછળના પ્રયત્નમાં પ્રબળ પુરુષાર્થ હોય તો તે પ્રયત્ન પૂર્વના પ્રયત્નને ફાવવા દેતો નથી.
એટલા માટે બુદ્ધિમાન પુરુષે,પ્રલયનો પવન વાતો હોય,તો પણ (શાસ્ત્રને અનુસરતા) પ્રયત્નને છોડવો નહિ.
અનાદિ-કાળના મોહથી ઘેરાયેલી બુદ્ધિ-વાળો જીવ,લાંબા કાળની વાસનાને લીધે જ,
ચોતરફ નરકને,સ્વર્ગને અને સૃષ્ટિને દેખ્યા કરે છે.

અર્જુન પૂછે છે-હે કૃષ્ણ,આ જીવ કે જે -જગતની સ્થિતિના કારણ-રૂપ છે,
તેને નરક,સ્વર્ગ,સૃષ્ટિ-વગેરેના દેખાવો-રૂપી ભ્રમો થવાનું શું કારણ છે?

શ્રીકૃષ્ણ કહે છે કે-વાસ્તવિક રીતે જોતાં.સ્વપ્ન જેવી અને લાંબા કાળના અભ્યાસને લીધે પ્રૌઢ થયેલી વાસના જ સંસાર-રૂપી ભ્રાન્તિને દેનારી છે,એટલા માટે તત્વજ્ઞાનના અભ્યાસથી વાસનાને નિર્મૂળ કરવી,એજ ઉપાય છે.
અર્જુન પૂછે કે-એ વાસના શાથી ઉઠેલી છે? અને શાથી ક્ષય પામે છે?

શ્રીકૃષ્ણ કહે છે કે-અજ્ઞાનથી થયેલી વાસના,પોતે મિથ્યા હોવા છતાં આત્માની ભાવના કરે છે,
તેથી,આત્મ-જ્ઞાન થતાંની સાથે જ -તે વાસના દૂર થાય છે.
હે અર્જુન,તમે આત્માનો વિચાર કર્યો છે,અને સત્ય વસ્તુને જાણી ચુક્યા છો,માટે,
"આ હું છું અને આ બીજા લોકો છે" એવા એવા પ્રકારની વાસનાને છોડી દો.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE