કરવાનું કે ના કરવાનું કામ (કર્મ) કરશો તો પણ,તમે તે કર્મના કર્તા થશો જ નહિ.
જે પુરુષનાં સઘળાં કર્મો કામનાઓના સંકલ્પોથી રહિત હોય,
તેવા,જ્ઞાન-રૂપ અગ્નિથી બળી ગયેલાં કર્મો-વાળા પુરુષને વિદ્વાન લોકો પંડિત કહે છે.
જે પુરુષ,સૌમ્ય,સ્થિર,સ્વસ્થ,શાંત અને સઘળા વિષયોમાં સ્પૃહા વગરનો રહે,
હે અર્જુન,તમે સુખ-દુઃખ-આદિ દ્વન્દ્વો થી રહિત થાઓ,ભરણ-પોષણની ચિંતાથી રહિત થાઓ,ધીર થાઓ,
સર્વદા સ્વ-રૂપમાં જ રહો,વ્યવહારની પદ્ધતિથી આવી પડેલા કાર્યોને અનુસર્યા કરો,
અને એવી રીતે પૃથ્વીના શણગાર-રૂપ થાઓ.
જે માણસ,કર્મેન્દ્રિયોને કર્મો કરવાથી અટકાવીને,મનથી વિષયોનું સ્મરણ કર્યા કરે છે-
તે મૂઢ માણસ ઢોંગી કહેવાય છે,પણ,
જે માણસ.મનથી ઇન્દ્રિયોને નિયમમાં રાખીને કર્મેન્દ્રિયોથી કર્મો કાર્ય કરે છે,
તે આસક્તિ વિનાનો માણસ શ્રેષ્ઠ ગણાય છે.
જેમ,નદીઓ,ભરપૂરરહેનારા સમુદ્રોમાં પ્રવેશ કરે છે અને સમુદ્રપણું પામીને,સમુદ્રમાં જ લીન થાય છે,
તેમ,બુદ્ધિથી દૂર થયેલા,સઘળા વિષયો,જે પુરુષના આત્મામાં પ્રવેશ કરે,અને આત્મામાં જ લીન થઇ જાય,
તે પુરુષ શાંતિ પામે છે,બાકી,કામનાઓ વાળો પુરુષ કદી શાંતિ પામતો નથી.
(૫૫) જીવન-તત્વ નિરૂપણ
શ્રીકૃષ્ણ કહે છે કે-હે અર્જુન,ભોગોનો ત્યાગ પણ ન કરવો અને સારા ભોગો મેળવવા પ્રયત્ન પણ કરવો નહિ,
પરંતુ લાભમાં અને હાનિમાં,એક સમાન ભાવથી રહેવું અને જે કંઈ પ્રાપ્ત થાય તેને અનુસરવું.
દેહ કે અનાત્મ છે અને જન્મ-આદિ વિકાર-વાળો છે,તેમાં આત્મ-પણાની ભાવના નહિ કરતાં,
આત્મા કે જે સત્ય છે અને જન્મ-આદિ વિકારોથી રહિત છે,તેમાં જ આત્મા-પણાની ભાવના રાખો.
હે અર્જુન,દેહનો નાશ થઇ જાય -તો પણ કશું-કંઈ નાશ પામતું પામતું નથી. જો આત્માનો નાશ થતો હોય,
તો જ તે ખરો નાશ કહેવાય,પણ આત્મા નિત્ય અને સ્થિર હોવાને લીધે નાશ પામે તેવો નથી જ.
આત્માનો દેહાદિ સાથે સંબંધ થાય છે તેનું કારણ ચિત્ત છે,એટલે જો આત્માને ચિત્તથી જુદો પાડી જોવામાં આવે તો આત્મા જન્મ-આદિ વિકારોથી રહિત છે,એમ નિશ્ચય થાય છે.
આવા બોધ-વાળો પુરુષ,યુદ્ધ આદિ કર્મો કરતો હોય-તો પણ કશું કરતો નથી.