Dec 12, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-689

"આત્મા સર્વ-રૂપ છે" એમ સમજવામાં આવે -તો -
સુખ-દુઃખ આદિ ભેદો પણ આત્મા-રૂપ હોવાને લીધે પ્રતિકૂળ લાગે જ નહિ.
"દુઃખ આદિ ભેદો મિથ્યા જ છે" એમ સમજવામાં આવે તો,પણ મોટો લાભ એ જ છે કે-
મિથ્યાભૂત પદાર્થો (જગત-માં રહેલા પદાર્થો) સહન કરી શકાય એવા થાય છે.

અધિષ્ઠાનભૂત આત્મામાં,કલ્પિત અનાત્મ પદાર્થોની વાસ્તવિક સત્તા કેમ હોઈ શકે?
દુઃખ-આદિ અસત પદાર્થો છે,માટે તેઓની સત્તા નથી અને આત્મા સત છે-તેથી તેની અસત્તા નથી.
એટલા માટે સુખ-દુઃખ-આદિ છે જ નહિ અને જે કંઈ છે તે પરમાત્મા (આત્મા) જ છે.
હે અર્જુન,તમે જગતના સતપણાની અને આત્માના અસતપણાની બુદ્ધિને છોડી દઈને,
સત અને અસતના સંબંધના નિમિત્ત-રૂપ મન ને તુચ્છ જાણી,મનને છોડી દઈને,આત્મામાં જ દ્રઢ નિષ્ઠા રાખો.

હે અર્જુન,સાક્ષીભૂત આત્મા ચેતન છતાં પણ,સુખોથી રાજી થતો નથી અને દુઃખોથી ગ્લાનિ પામતો નથી.
દેહપણાને પામેલા ચિત્ત-આદિ પદાર્થો જ દુઃખને પાત્ર છે,
તે ચિત્ત-આદિ પદાર્થો બગડે કે નષ્ટ થઇ જાય તો પણ તેમાં આત્માનું કશું બગડે કે નષ્ટ થઇ જાય તેમ નથી.
દેહ-આદિ જડ પદાર્થોનો સમુદાય કે જે દુઃખ-વગેરેને ભોગવનાર છે-એમ માનવામાં આવે છે,
તે સમુદાય પણ અબોધ (અજ્ઞાન) ને લીધે ઉઠેલો "માયા-રૂપ-ભ્રમ" જ છે-એમ સમજો.

દેહ-આદિ કે દુઃખ-આદિ,કોઈ પણ પદાર્થ આત્માથી જુદો નથી,માટે કોણ કોનો અનુભવ કરે?
જે આ દુઃખ છે-તે અજ્ઞાનથી ઉત્પન્ન થયેલી ભ્રાંતિ છે,કે જે ભ્રાંતિ જ્ઞાન (બોધ)થી નષ્ટ થાય છે.
આ વિષયમાં હું દ્રષ્ટાંત કહું છું તે તમે સાંભળો.
જેમ રજ્જુમાં સર્પનો ભય અજ્ઞાનથી થાય છે,અને
"તે હકીકતમાં સાપ નથી પણ રજ્જુ જ છે" એવું જ્ઞાન થતા,તે રજ્જુમાં સાપનો ભય રહેતો નથી.

"સઘળું જગત પૂર્ણ બ્રહ્મ જ છે માટે તે નષ્ટ પણ થતું નથી અને ઉત્પન્ન પણ થતું નથી"
એમ સમજવું -એ જ સાચું છે અને એ જ પરમ બોધ (પરમ જ્ઞાન) છે.
હે અર્જુમ,જેમ ચકરીમાં જળ સ્ફુરે છે-તેમ,તમારામાં બ્રહ્મ જ સ્ફુરે છે માટે તમે નિર્દોષ બ્રહ્મ જ છો.
જે કંઈ કાળ જેવું,ક્રિયાઓ જેવું,દેશો જેવું,તુંપણા કે હું પણા જેવું અને (અહીં ઉભેલી) સેના-વાળાઓ જેવું,
જે બધું દેખાય છે-તે સઘળું પણ બ્રહ્મનો જ વિવર્ત છે.માટે તેમાં ભાવ-અભાવ-પણાની કલ્પના કરવી ઘટતી નથી.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE