Dec 10, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-687

ત્રૈલોક્યની અંદરના જળ અને બીજા અનેક પ્રકારના રસો,જીભ પર આવતા,
તે રસોનો જે "સામાન્ય અનુભવ" થાય છે તે "આત્મા" જ છે.સઘળાં શરીરોની અંદર
વિષયોથી રહિત-જે "સૂક્ષ્મ અનુભવ" રહ્યો છે-તે જ સર્વ-વ્યાપક આત્મા છે.
જેમ દુધની અંદર ઘી રહેલું છે-તેમ સર્વ પદાર્થોની અંદર અને દેહોની અંદર આત્મા રહેલો છે.
જેમ,રત્નોની અંદર અને બહાર તેજ રહેલું છે-
તેમ સઘળા દેહોની અંદર બહાર આત્મા રહેલો છે.

જેમ,હજારો ઘડાઓની અંદર થતા બહાર આકાશ રહેલું  છે,
તેમ ત્રૈલોક્યનાં શરીરોની અંદર તથા બહાર,"આત્મા-રૂપે"  હું (પરમાત્મા) રહેલો છું.
જેમ સેંકડો મોતીઓના સમુહમાં,એક જ દોરો પરોવાઈ રહે છે,
તેમ અસંખ્ય દેહોમાં -એક જ આત્મા (પરમાત્મા) પરોવાઈ રહેલો છે.(કે જે મૂઢ મનુષ્યોના જોવામાં આવતો નથી)

બ્રહ્માથી માંડીને તૃણ પર્યંત,સઘળા પદાર્થોના સમૂહોમાં જે સત્તા-સામાન્ય રહ્યું છે,તે જ અજન્મા આત્મા છે-
એમ બ્રહ્મવેત્તાઓએ નિશ્ચય કરેલો છે.
સંકલ્પ-રૂપે જરાક સ્ફૂરેલા આકાર-વાળું-બ્રહ્મ,અહંકાર-આદિ તથા જગત-આદિ ભ્રમ-રૂપે ક્રમથી દેખાય છે,
માટે,જગત-આદિ જે કંઈ છે તે બ્રહ્મ જ છે.

હે અર્જુન,આમ,જગત આદિ જે કંઈ છે તે બ્રહ્મ (આત્મા) જ છે,માટે તેમાં શું હણાય? કોણ હણાય? કોણ હણે?
અને શુભોથી,અશુભોથી તથા જગત સંબંધી દુઃખોથી એ આત્માનું શું લેપાય.

પ્રતિબિંબોમાં અરીસાની જેમ સમતાથી (સાક્ષીપણાથી) રહેલા,અને,
પ્રતિબિંબો (જેવા સઘળા પદાર્થો) નાશ પામતા,પણ નાશ નહિ પામનાર આત્માને -
જે પુરુષ જાણે -તે પુરુષને જ વિવેકી સમજવો.
"જે ચૈતન્ય છે તે હું છું અને જે જડ છે તે હું નથી"એમ જે હું કહું છું,તે તો ચૈતન્ય અને જડના વિવેકને માટે કહું છું.
વાસ્તવિક રીતે તો જે કંઈ છે તે સર્વ આત્મા (હું-કે-પરમાત્મા) જ છે -એમ સમજો.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE