૧) હાથ-પગ આદિ અવયવ-વાળું,શંખ,ચક્ર,ગદાને ધારણ કરનારું-જે રૂપ છે તેને "સાકાર-સ્વરૂપ" સમજો.
૨) આદિ-અંત થી રહિત,એક અને નિર્દોષ-જે મારું (બ્રહ્મ) સ્વરૂપ છે-તેણે "નિરાકાર સ્વરૂપ" સમજો.
કે જે સ્વરૂપ બ્રહ્મ,આત્મા,પરમાત્મા-વગેરે શબ્દોથી ઓળખાય છે.
જ્યાં સુધી તમે અજ્ઞાનને લીધે આત્માને જાણો નહિ,ત્યાં સુધી ચાર-ભૂજા-વાળા સાકાર સ્વરૂપનું પૂજન કર્યા કરો,
પછી ચિત્ત-શુદ્ધિના ક્રમથી જ્ઞાન થશે-ત્યારે મારું આદિ-અંતથી રહિત જે નિરાકાર સ્વરૂપ છે તે જોવામાં આવશે.
હે અર્જુન,જો તમારુ ચિત્ત શુદ્ધ છે-એમ તમે માનતા હો તો-મારા પારમાર્થિક સ્વરૂપ (પરબ્રહ્મ-પરમાત્મા) ને -
અને તમારા આત્માને-એકરૂપ-કરી,"એક અખંડ સ્વ-રૂપ" ને જાણી,તુરત -તે અખંડ તત્વમાં જ નિષ્ઠા રાખો.
"દિશાઓ હું છું,જગત-વગેરે હું છું" તેવો મારી વિભૂતિઓનો ઉપદેશ મેં તમને કર્યો-તેનું તાત્પર્ય તો તે-
વિભૂતિઓના અધિષ્ઠાન-રૂપ (પરબ્રહ્મ-કે પરમાત્મા) અને પોતાના (આત્માના) તત્વને જાણવા માટે જ છે.
હું ધારું છું કે,તમે સારી રીતે પ્રબુદ્ધ થયા છો,સ્વ-રૂપમાં શાંત થયા છો,અને સંકલ્પોથી રહિત થયા છો,
તો હવે સત્ય તથા અખંડ આત્મમય જ રહેજો.
તમે નિઃસંગપણારૂપ યોગથી જોડાઈને સર્વત્ર સમદ્રષ્ટિવાળા થઇ,આત્માને અનુસ્યુત (સર્વ પદાર્થોમાં વ્યાપી રહેલો) જુઓ,અને સર્વ પદાર્થોને આત્મામાં અધ્યસ્ત (સ્થપાયેલો) જુઓ.
જે પુરુષ,સર્વ પદાર્થોમાં રહેલા આત્માને,એકપણાની દ્રઢ ભાવના રાખીને ભજે છે,
તે પુરુષ,સમાધિમાં વર્તતો હોય અથવા વ્યવહારમાં હોય,તો પણ ફરીવાર જન્મતો નથી.
જયારે સર્વ પદાર્થમાં અધિષ્ઠાનપણાથી રહેલો "આત્મા" એમ કહેવામાં આવે,ત્યારે "સર્વ શબ્દનો અર્થ"
અધિષ્ઠાન થી જુદો નહિ મળવાને લીધે, તે શબ્દ "એક-પણા" (આત્મ-પણા) ને પ્રાપ્ત થાય છે.
અને તે આત્મા પંચ-ભૂતોના જેવા સ્વભાવ-વાળો રહેતો નથી,પણ પરમાનંદ-ચૈતન્ય-રૂપ થઇ જાય છે.
એ આત્મા જેના અનુભવમાં આવે-તે પુરુષને અનુભવ થતી વખતે જ (અનુભવ થતાંની સાથે જ)
પરમાનંદ-ચૈતન્ય-રૂપ-કેવળ-એક-ભાવ (કૈવલ્ય) પ્રાપ્ત થાય છે.
ત્રૈલોક્યના ચિત્તોને પ્રકાશ આપનારો "અંદરનો જે પ્રકાશ" અનુભવમાં આવે છે,
તે આત્મા જ "હું છું" એવો (વિદ્વાનો નો) નિશ્ચય છે.