આ પ્રમાણે થતાં,દેવતાઓ,પૃથ્વીનો ભાર ઉતારવા માટે ઘણીઘણી યુક્તિઓથી એ વિચિત્ર પ્રાણીઓનો નાશ કરવાની ગોઠવણ કરે છે.આવી પદ્ધતિ ચાલતાં હજારો યુગો,વ્યવહારો અને અનંત બ્રહ્માંડો વીતી ગયાં છે.
આ સૃષ્ટિમાંના યમ-રાજા કે જે સૂર્યના પુત્ર છે,અને પિતૃઓના અધિપતિ કહેવાય છે,
તે કેટલાએક કાળ ગયા પછી,પોતાના પાપના નાશને માટે બાર વર્ષ સુધી તપ કરશે,અને
આમ પૃથ્વી પર મરણ નહિ પામતાં,અને બોજા-રૂપ થઇ પાડેલાં,માણસો અને પ્રાણીઓથી,
આ પૃથ્વી વૃક્ષોની ઝાડી જેવી ભીડ-વાળી થઇ જશે.અને તેથી રાંક જેવી બની જશે.
આવા ભારથી દુઃખી થયેલી પૃથ્વી,વિષ્ણુને શરણે જશે.
પોતાને શરણે આવેલી પૃથ્વીનું દુઃખ હરવા,વિષ્ણુ,બે દેહધારી થઈને પૃથ્વી પર અવતરશે.
અને તેમની સહાય કરવા માટે સઘળા દેવતાઓ,પોતપોતાના અંશથી અવતરશે.
વિષ્ણુના બે દેહમાંનો એક દેહ,વસુદેવને ત્યાં અવતરશે અને તે વાસુદેવ કે શ્રીકૃષ્ણ કહેવાશે,
અને બીજો દેહ પાંડુ-રાજાને ઘેર અવતરશે-તે અર્જુન કહેવાશે.
ધર્મ-ના અંશ-રૂપ અને ધર્મને જાણનાર અર્જુનનો મોટોભાઈ યુધિષ્ઠિર થશે કે જે સઘળી પૃથ્વીનો ચક્રવર્તી રાજા થશે. એ યુધિષ્ઠિરના કાકાનો દીકરો ભાઈ દુર્યોધન નામનો થશે,કે જે યુધિષ્ઠિરનો પાકો શત્રુ થશે.
એ યુધિષ્ઠિર અને દુર્યોધન,રાજ્યની તકરારમાં લડાઈ કરવા કુરુક્ષેત્રમાં અતિ ભયંકર અઢાર અક્ષોહીણી સેના
ભેગી કરશે.ત્યારે શ્રીકૃષ્ણ,પોતાના બીજા દેહ (અર્જુન) ના હાથથી,એ અક્ષોહીણી સેનાનો ક્ષય કરાવીને,પૃથ્વીને ભાર વગરની કરશે.એ મહાભારત નામના યુદ્ધ ના આરંભમાં,દેહાદિમાં આત્મા ના અધ્યાસ ને લીધે,
હર્ષ-શોકથી ઘેરાયેલો અર્જુન પામરની પેઠે અજ્ઞાન-વાળો થશે.
બંને સેનાઓમાં આવેલા પોતાના સ્વજનોને મરવા તૈયાર થયેલા જોઈ,
એ અર્જુન ખેદ પામશે,અને યુદ્ધ કરવાની નામરજી દર્શાવશે,
ત્યારે (સ્વયં-જ્ઞાન-વાળા) શ્રીકૃષ્ણ ના દેહથી, પૃથ્વીનો ભાર ઉતારવા,
અર્જુન નામના દેહને નીચે પ્રમાણે આત્મ બોધ કરશે. (ગીતા-જ્ઞાનની શરૂઆત)
શ્રીકૃષ્ણ કહે છે ( શ્રીકૃષ્ણ કહેશે) કે-આ આત્મા કદી જન્મતો નથી,વધતો નથી,પરિણામ પામતો નથી,
ઓછો થતો નથી અને મરતો પણ નથી.અજન્મા,નિત્ય,શાશ્વત અને અનાદિ-સિદ્ધ એ આત્મા શરીર હણાતાં,
હણાતો નથી.જે પુરુષ આવા આત્માને હણનાર સમજે છે અને જે પુરુષ એવા આત્માને હણાયેલો સમજે છે,
તે બંને પુરુષો ખરેખર આત્માને ખરી રીતે જાણતા જ નથી.
કેમ કે -વાસ્તવમાં -આત્મા હણતો નથી કે હણાતો પણ નથી.