આ સંસારમાં કંઈ છોડાતું નથી અને કંઈ લેવાતું પણ નથી,કેમ કે આત્મા જ બહારના તથા અંદરના આકારો-રૂપે પ્રકાશે છે.જે આ સઘળું બ્રહ્માંડ છે-તે ચૈતન્યનો જ ચમત્કાર છે,માટે ભેદોની કલ્પનાઓ જ છોડી દો.
આપણે તત્વ-બોધથી શોભી રહ્યા છીએ.
જેમ,સમુદ્રને તેના પોતાના રૂપમાં જોવામાં આવે તો-તે સઘળા તરંગ-આદિ ભેદોથી રહિત થઇ,
આકાશથી પણ અત્યંત શુદ્ધ જળ જ થઇ જાય છે,
તેમ, આ સઘળું જગત જો તત્વથી જોવામાં આવે તો,વાસનાઓ અને અવસ્થાઓના ભેદથી રહિત થઇ,
તે કેવળ આદ્ય અને નિર્દોષ પરમ-પદ રૂપ જ થઇ જાય છે.
(૫૨) આસક્તિના ત્યાગથી જગતનો ત્યાગ (ગીતા-જ્ઞાન)
વસિષ્ઠ કહે છે કે-હે રામચંદ્રજી,પહેલો સમષ્ટિ જીવ થયો તેવી અનેક કલ્પનાઓથી ભરેલુ જે સ્વપ્ન છે-
તેજ આ સંસાર છે તેમ સમજો,કે જે સંસાર સત્ય પણ નથી અસત્ય પણ નથી,પરંતુ અનિર્વચનીય છે.
આપણી જાગ્રત અવસ્થાના આ લોકાદિક પદાર્થો
"સમષ્ટિ જીવ"ની જાગ્રત અવસ્થા-રૂપ પણ છે અને સ્વપ્નાવસ્થારૂપ પણ છે.
"સમષ્ટિ જીવ"નું સ્વપ્ન આપણા સ્વપ્નની જેવું નથી,કેમ કે તે તુરત નાશ પામતું જોવામાં આવતું નથી,
અને એટલા માટે તે લાંબુ છે-પણ નાશ-વાળું હોવાને લીધે અસત્ય પણ છે એમ સમજો.
સમષ્ટિ જીવની અંદરના વ્યક્તિગત જીવો જાણે એક સ્વપ્નમાંથી બીજા સ્વપ્નમાં જતા હોય,
તેમ આ અસત્ય સંસારને,અત્યંત સત્ય માની લે છે.
સમષ્ટિ જીવની અંદર વ્યક્તિગત જીવોને મોહ-રૂપ ભ્રાંતિ થતાં,
ચેતન-બ્રહ્મમાં પંચ-ભૂતાદિ જડતાનો ઉદય થયો છે અને અહંકાર-આદિ જડ-પદાર્થોમાં આત્મ-પણાના અભિમાનને લીધે ચેતનનો ઉદય થયો છે.આમ,અસત્ય દેહાદિમાં સત્યનો ઉદય થયો છે.