જીવ (અહી આત્મા-એ અર્થે) મરે છે-તે પણ ખોટું છે અને જન્મે છે તે પણ ખોટું છે-
કેમ કે-(તે આત્માનું) જન્મ-મરણ, સ્વપ્નની પેઠે તથા બીજા દેહની પેઠે પ્રાતિભાસિક જ છે.
બાળપણ,જુવાની અને વૃદ્ધાવસ્થા-માં બદલાતો દેહ-"એનો એ જ છે" એમ ઓળખવામાં આવે છે,પણ મરણ પછી નો બીજો દેહ "એનો એ જ છે" એમ ઓળખવામાં આવતો નથી,એટલે તે ભ્રાંતિ-રૂપ જ છે,અને વાસનાથી જ તે (દેહ) ઉત્પન્ન થાય છે.
દેહ પ્રત્યક્ષ રીતે મરતો અને બળતો જોવામાં આવે છે,માટે" તે જ દેહ બીજો દેહ થાય એ કેમ સંભવે?"
એવી શંકા રાખવી નહિ,કારણકે,બીજા માણસોને મરનારનો જે દેહ મરેલો કે બળતો જોવામાં આવે છે,
તે દેહ તો તે બીજા જ માણસોની અવિદ્યાથી કલ્પાયેલો છે.
મરનારની વાસનાથી કલ્પાયેલો જે દેહ હોય છે તે-બીજા દેહપણા તરીકે પ્રાપ્ત થાય છે.
હે રામચંદ્રજી,જેમ દીઠેલી અને નહિ દીઠેલી,વસ્તુઓ પણ,સ્વપ્નમાં અનુભવમાં આવે છે,
તેમ આ જગત પણ એક જાતનું સ્વપ્ન જ છે,તેને તેમાં નહિ પૂર્વે નહિ દીઠેલાં-દેવ-આદિ શરીરો પણ પ્રાપ્ત થાય છે.
જેમ, બીજા દેહની પ્રાપ્તિ થવી એ વાસનામય સ્વપ્ન જ છે,
તેમ,"મહાવાક્ય થી થયેલા-બ્રહ્મ-સાક્ષાત્કારથી પ્રાપ્ત થતો,બ્રહ્મ-ભાવ એ વાસનામય સ્વપ્ન જ કેમ ના હોય?"
એવી શંકા કરવી નહિ,કારણકે તુરીય દ્રષ્ટિથી જોયેલો અને શ્રુતિ-વાક્યોએ કહેલો,પરમાત્મા,
સઘળી વાસનાઓના અધિષ્ઠાન-રૂપ હોવાથી વાસનામય હોવો ઘટે જ નહિ.
જેમ,ગઈ કાલે કરેલું કુકર્મ,આજે યત્ન-પૂર્વક કરેલા સુકર્મથી ટળી જાય છે,
તેમ,અનાદિ-કાળની વાસના પણ આજ કરવામાં આવતા પુરુષાર્થથી ટળી જાય છે,
માટે વાસનાઓને ટાળી નાખવાને માટે જ પાકો પુરુષાર્થ કરવો જોઈએ.
પ્રાણીઓની ચક્ષુ આદિ-ઇન્દ્રિયો,દેશ-કાળના યોગથી જન્મ-મરણ આદિ- પ્રાપ્ત થતાં,કેવળ,
જન્મ સમયે પ્રગટ થાય છે અને મરણ સમયે લીન બને છે,પણ અત્યંત શાંત થતી નથી.
તેઓની (ઇન્દ્રિયોની) અત્યંત શાંતિ તો મોક્ષથી જ થાય છે.
જેમ,બાળકે કલ્પેલો યક્ષ,મિથ્યા છતાં પણ (તેની નાજાજર) આગળ આવીને ઉભો રહે છે,
તેમ,મોક્ષ ના થાય ત્યાં સુધી,વાસનાથી કલ્પાયેલો અને પંચ-મહાભૂતથી બનેલો દેહ મિથ્યા છતાં પણ
આગળ આવીને ઉભો રહે છે,કોઈ રીતે કદાચ સ્થૂળ દેહનો નાશ થઇ શકે છે પણ,
લિંગ-દેહનો નાશ મોક્ષ વિના થઇ શકતો નથી.
મન,બુદ્ધિ,અહંકાર તથા પાંચ તન્માત્રાઓ મળીને લિંગ શરીર કહેવાય છે
અને તે લિંગ શરીર આકાર વિનાનું જ છે.