હે રામચંદ્રજી,તમે જગત સંબંધી વિષયોને છોડી દઈ-જીવનમુક્ત થઈને તે સત્ય-સ્વ-રૂપમાં જ રહો,કે જે,સ્વ-રૂપમાં આ અનેક ક્રિયાઓ વાળું અને વ્યવહારિક સત્તા-વાળું જગત પણ શૂન્ય જેવું થઇ રહ્યું છે.
અવિદ્યાનું સ્વરૂપ પણ મિથ્યા જ છે-કેમ કે-તે અવિદ્યાનું અવલોકન કરવાથી તે એવી નાશ પામે છે કે પછી દેખાતી જ નથી.(મિથ્યા વસ્તુ નું અવલોકન કરવામાં આવે-તો એનો પત્તો કેમ મળે?) શું અત્યંત પ્રયત્ન કરવા છતાં મૃગ-જળ કોઈના હાથમાં આવ્યું છે ખરું?
આ જગત,અસત હોવા છતાં સત લાગે છે,કેમ કે મિથ્યા-ભૂત અજ્ઞાનથી જ જગતની સત્યતા છે.
જો જ્ઞાન થાય તો-જે વસ્તુ સાચી હોય તે જ જોવામાં આવે છે-અને ભ્રમ નષ્ટ થઇ જાય છે.
અવિદ્યા જો કે અત્યંત અસત છે,તો પણ સત્ય આત્માની પાસે હોવાથી જ તેની
"લિંગશરીર-જીવ" વગેરેની તેમાં કલ્પના કરવામાં આવી છે.અવિદ્યાનો વિચાર આટલો જ છે.
અવિદ્યાને લઈને જીવ તથા લિંગશરીર-વગેરેની કલ્પના,શાસ્ત્રોએ,જીવને ઉપદેશ દેવા માટે જ કરી છે.
હું તમને આ સમજાવવા માટે એ કલ્પના-કહું છું તે તમે સાંભળો.
સાક્ષાત ચૈતન્ય,પોતે જીવ-પણાને પ્રાપ્ત થઈને-આ પુર્યષ્ટક નામના દેહમાં પ્રવેશ કરી,અનેક કલ્પનાઓ કરે છે.
તે બાહ્ય પદાર્થોના દર્શનમાં જયારે ઉત્સુક થાય છે,ત્યારે જે વસ્તુની જેવી ભાવના કરે છે-
તે વસ્તુને તુરત તેવી જ રીતની અનુભવે છે.
જીવ-ચૈતન્ય,જયારે પાંચ તન્માત્રાથી બનેલા દેહની કલ્પનાને સાચી માને છે,
ત્યારે તે દેહમાં રહેલાં,ઇન્દ્રિયોનાં દ્વારોને દેખે છે.
જેમ,એક છોડમાંથી જ સેંકડો શાખાઓ થાય છે-
તેમ, એક ચૈતન્યમાંથી કલ્પનાને લીધે આ સઘળું બ્રહ્માંડ થયું છે,
અને તે જાણે-કે-ચૈતન્યથી જુદું હોય તેવું જ દેખાય છે.
પછી "આ ઇન્દ્રિય,મન તથા પ્રાણ-આદિ અંદરના પદાર્થ છે-અને ઘડો-આદિ બહારના પદાર્થ છે"
એવા નિશ્ચયને પ્રાપ્ત થયેલો જીવ,જે તે વાસનાને દ્રઢ કરી મુકે છે.
વિષયોના તથા ઇન્દ્રિયોના સંયોગથી થતું સુખ,વાસના જે પ્રકારથી લે છે,
તે વાસનાને તે પ્રકારથી દેખાતું સુખ,જો કે સ્વરૂપાનંદને લીધે જ છે,
તો પણ તેને તે જીવ તુરત બહારના પદાર્થનું (બહારના પદાર્થથી મળતું સુખ) માની લે છે.
જેમ,મરીમાં તીખાશ અને આકાશમાં શૂન્ય-પણું રહેલું છે,તેમ આત્મામાં આનંદપણું રહેલું છે,
અને તે જ આત્માનો આનંદ મૂર્ખ લોકોને,વિષયાદિકથી થતો લાગે છે.
માટે-સંસારના વિષય-ભોગો માટે જ મૂર્ખ-મનુષ્ય પ્રયત્ન કરે છે,
લૌકિક અને વૈદિક કર્મો પણ એ નાશવંત સુખ મેળવવા માટે જ હોય છે,એવો-નિશ્ચય થયેલો છે.