જયારે નેત્રની કીકીઓ (પડળ-આદિ દોષો) ન હોય ત્યારે જ,અત્યંત સ્વચ્છ (નવીન રત્ન જેવી) હોય છે.પણ પછી તેઓમાં ઘડો-આદિ પદાર્થોના પ્રતિબિંબ સહિત-ચિત્તની વૃત્તિ,પેસે છે.
આવી રીતે નેત્રની કીકીઓ દ્વારા અંદર પેઠેલો પ્રતિબિંબ-રૂપ-પદાર્થનો
"હું છું" એવા અભિમાન-વાળા જીવની સાથે સંયોગ થાય છે.
આમ,ઘડો-આદિ બાહ્ય પદાર્થો બહાર દેખાય છે-
જે પદાર્થોનો પોતાની સાથે સંયોગ થાય,તે પદાર્થોને,બાળક,પશુ અને સ્થાવર પણ જાણે છે-
તો જીવ પણ શા માટે ના જાણે?
સ્પર્શ-રસ-ગંધમાં પણ ચિત્તની વૃત્તિના સંબંધથી થતો જીવના સ્પર્શનો ક્રમ આ પ્રમાણે જ સમજવો.
શબ્દ તો આકાશમાં રહેનાર હોવાથી "કાનના આકાશ"માં જઈને,ક્ષણ-માત્રમાં અંદર જીવનો સ્પર્શ કરે છે.
શબ્દને વૃત્તિમાં પ્રતિબિમ્બિત થવાની જરૂર રહેતી નથી.
હે,રામચંદ્રજી,ઇન્દ્રિયો સંબંધી સઘળા જ્ઞાનનું નિરૂપણ આ પ્રમાણે છે.
રામ કહે છે કે-મનમાં,અરીસામાં,કાચમાં,ધાતુના યંત્રોમાં અને કુમળાં પાંદડા વગેરેમાં
ધડો-આદિ અને મુખ-આદિ નું જે પ્રતિબિંબ પડે છે-તે પ્રતિબિંબ શી વસ્તુ છે તે કહો.
વસિષ્ઠ કહે છે કે-હે રામચંદ્રજી,વ્યષ્ટિ જીવ તથા સમષ્ટિ જીવ,
કે જેઓ,સાચા ચૈતન્ય-રૂપ-બિંબ ના પ્રતિબિંબ-રૂપ છે,
તેઓનું પ્રતિબિંબાત્મક-રૂપ પણ બિંબ થી જુદું છે-એમ કહી શકાતું નથી,
ત્યારે મુખ પ્રતિબિંબ અને ઘડાનું પ્રતિબિંબ-કે જે-પોતે પણ અત્યંત જડ છે,
અને જેનાં બિંબ પણ અત્યંત જડ છે,તેનું સ્વ-રૂપ કેવી રીતે કહી શકાય?
જે પ્રતિબિંબ છે-તે ચૈતન્ય ની એક જાતની ભ્રાંતિ છે-તેમ જ સમજો.
પ્રતિબિંબ જ માત્ર ભ્રાંતિ-માત્ર છે-તેમ નથી પણ સઘળું જગત ભ્રાંતિ-માત્ર છે.
માટે તમે જગતમાં સત્ય-પણાનો વિશ્વાસ રાખો નહિ.
જેમ તરંગ જળથી જુદો નથી,પણ જડ જ છે-તેમ,(જગત-રૂપી) પ્રપંચ ચૈતન્યથી જુદો નથી પણ ચૈતન્ય જ છે.
પરમાત્મા-રૂપ સમુદ્રમાં દેશ-કાળ તથા ક્રિયાઓ-વગેરે તરંગો છે જ નહિ.
સર્વ દેશમાં,સર્વ કાળમાં તથા સર્વ-રૂપે જે કંઈ પ્રતીત થાય છે-તે એક આત્મા જ છે.
હે રામચંદ્રજી,તમે સર્વદા,અનાસક્ત તથા શાંત બુદ્ધિવાળા,આનંદથી ભરપૂર અને
સઘળા સંસાર નામના રોગ-રૂપી માયાથી રહિત થઈને બ્રહ્મ-સ્વ-ભાવમાં જ સ્થિત રહો.