કામ-ક્રોધ-હર્ષ-ખેદ-વગેરેથી રંગાઈને,જાણે જુદા-જુદા પ્રકારનો હોય,તેવો થઇ જાય છે
અને કાળે કરીને (લિંગ-શરીર-રૂપ-સ્વ-ભાવને લીધે)
જેમાં અનંત વાસનાઓ-રૂપ-કણિકાનો ઉદય પણ થાય છે-એવા આકારને પામે છે.
આ પ્રમાણે થતાં,જીવ "હું આદ્ય ચિદાત્મા નથી પણ શરીર-આદિ-રૂપ જ છું" એવા મિથ્યા જ્ઞાનને પ્રાપ્ત થાય છે.
અને,અનાદિ-કાળની વાસનાઓથી ઘેરાયેલો જીવ,સંસારમાં ઉંચી-નીચી યોનિઓમાં ભમ્યા કરે છે.
એમાં (એ યોનિઓમાં) કોઈ સાત્વિક જાતનો જીવ,પૂર્વ-કલ્પ નો ભાવ-બંધ ભોગવી રહ્યા પછી,
આ કલ્પ-ના આરંભમાં (પહેલા જન્મમાં) જ આત્માને જાણીને,પરમ-પદને પ્રાપ્ત થાય છે,
તો,કોઈ જીવ,આ કલ્પ-માં,જુદીજુદી યોનિઓનાભોગથી દુઃખી થઈને,ઘણા કાળે આત્મજ્ઞાન પામે છે,
અને પછી પોતાના પરમ-પદને પ્રાપ્ત થાય છે.
હે રામચંદ્રજી,શરીરપણાને પામેલો-એવા રૂપ-વાળો જીવ,જે રીતે ઘડો-આદિ પદાર્થોનો ચક્ષુ-આદિથી,
પોતાની અંદર અનુભવ કરે છે,તે રીત હું કહું છું તે તમે સાંભળો.
"લિંગ-શરીર" માં પ્રતિબિંબની જેમ રહેલો,
એ "ચૈતન્યાત્મક જીવ" મન સહિત છ-ઇન્દ્રિયો-વાળા આ દેહમાં રહે છે,
અને તેથી દેહની અંદર આવેલાં સુખ-દુઃખ-આદિનો અનુભવ કરે છે.
જયારે બીજા ધડો-આદિ બાહ્ય પદાર્થોને જોવાનું હોય ત્યારે,
તે જીવ દેહમાંથી નીકળી,ચક્ષુ-આદિ દ્વારથી બહારના ઘડો-આદિ સુધીના આકાશમાં જાય છે.
તે સમયે,ઘડો-આદિ પદાર્થ,
તે બહાર આવેલા જીવ-ચૈતન્યથી (તેની વૃત્તિ દ્વારા વ્યાપ્ત થવાને લીધે) વિષય-પણાને પ્રાપ્ત થાય છે.
આવી રીતે ઇન્દ્રિય દ્વારા બાહ્ય-પદાર્થોનો સંબંધ જીવતાને જ થાય છે,પણ મુએલાને (કે મુક્તને) થતો નથી.
અંતઃકરણની વૃત્તિ-રૂપ અથવા નેત્રના કિરણ-રૂપ,અતિ સ્વચ્છ વસ્તુમાં --
બહારના આકાશમાં રહેલા,ઘડો-આદિ પદાર્થનું પ્રતિબિંબ પડે છે,
અને તે પ્રતિબિંબને વૃત્તિની અંદર રહેલા જીવની સાથે સંયોગ થાય છે.
જો કે આ સમયમાં તે જીવ બહાર નીકળે છે,તો પણ શરીરથી બહાર પ્રાણોને ધારણ કરતો નથી,
તેથી "હું હમણાં બહાર રહીને ઘડો-આદિનો અનુભવ કરું છું" એમ તેના અનુભવમાં આવતું નથી
કેમ કે,પ્રાણની વ્યાપ્તિ (હાજરી) હોય ત્યાં જ "અહંતા" (હું છું) નો વિચાર થાય છે-બાકી થતો નથી.