Nov 25, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-672


ચૈતન્ય-કે જે-આકાશ કરતાં પણ અતિ-સ્વચ્છ છે,તેણે,ચૈતન્ય-પણાને લીધે,પોતાના જ સ્વરૂપને,
પૂર્વપૂર્વની વાસના અનુસાર "લિંગ-સ્વ-રૂપે" કલ્પી લીધેલું છે, કે જે શરીર જગતની સ્થિતિના મૂળ-પણાને પ્રાપ્ત થયું છે.અને જેના અવયવોમાંથી જ ઇન્દ્રિયો-આદિ અને ઘડો-આદિ પ્રાપ્ત થયેલ છે.

ઇન્દ્રિય દ્વારા બહાર નીકળેલું લિંગ-શરીરમાંનું ચિત્ત-ઘડો-આદિમાં વ્યાપીને-પોતાની વૃત્તિમાં-
પ્રતિબિમ્બિત થયેલા ઘડા-આદિ ને (પદાર્થોને) બાહ્ય જેવા જ આકારથી હૃદયમાં લઇ જઈને બેસાડે છે,
જેથી કાળાંતરમાં "સ્મૃતિ" (યાદ) થાય છે.

મરેલા શરીરમાં તો-લિંગ-શરીર-રૂપી-જીવ પોતાની કલ્પનાથી જ નીકળી જાય છે,
માટે ઘટાદિ -પદાર્થોને દેખાડવા વગેરેનું (તે જીવમાં) સામર્થ્ય રહેતું નથી-
આ રીતે સઘળા "દોષો" ની પરિહાર (ઉપર રહેલા સઘળા પ્રશ્નો નો જવાબ) થાય છે.

રામ કહે છે કે-હે મહારાજ,લિંગ-શરીર કે જે-હજારો બ્રહ્માંડોને બનાવવાની શક્તિ-વાળું છે
અને બ્રહ્માંડોનાં પ્રતિબિંબો લેવાને દર્પણ-રૂપ છે-તેનું રૂપ કેવું છે તે કહો.

વસિષ્ઠ કહે છે કે-"નહિ જાણવામાં આવેલું-બ્રહ્મ-તત્વ" લિંગ-શરીરનું મૂળ છે.
(જો બ્રહ્મ-તત્વ જાણવામાં આવે તો -સમજાઈ જાય છે કે-લિંગ-શરીર એ કાલ્પનિક છે)
કે જે બ્રહ્મ-તત્વ આદિ-અંતથી રહિત છે,નિર્દોષ છે,શુદ્ધ ચૈતન્ય-માત્ર છે,અને કલ્પનાઓથી રહિત છે.

એ બ્રહ્મ-તત્વ,આકાશ-આદિ ભૂત-સુક્ષ્મોને ઉત્પન્ન કરીને,તે "અપંચીકૃત ભૂત-સુક્ષ્મોથી લિંગ-શરીર"ને,
અને પછી "પંચીકૃત ભૂત-સુક્ષ્મોથી બ્રહ્માંડ" સર્જીને-
લિંગ-શરીરની અંદર,પ્રતિબિંબ-રૂપ-કલ્પના કરીને-"અભિમાન" થી "પ્રાણ" ધારણ કરે છે,ત્યારે તેને "જીવ" કહે છે.

એ જીવ આ શરીરમાં વાસનાઓ વધવાથી પોષાય છે અને પુષ્ટ થઈને બહારના તથા અંદરના વ્યાપારો કરે છે.
એ જ જીવ અહં-ભાવ ધરવાથી "અહંકાર" કહેવાય છે,મનન કરવાથી "મન" કહેવાય છે,
બોધ કરવાથી તથા નિશ્ચય કરવાથી "બુદ્ધિ" કહેવાય છે,દૃશ્ય-ભૂત થવાથી "ઇન્દ્રિય" કહેવાય છે,
દેહની ભાવનાથી "દેહ" કહેવાય છે અને ઘટની ભાવનાથી ઘટ (ઘડો) કહેવાય છે.
સઘળા વ્યાપારોમાં "સાધારણ-પણા-રૂપ-સ્વ-ભાવ" ઉપરથી વિદ્વાનો તે (જીવ) ને પણ  "લિંગ શરીર" કહે છે.

જ્ઞાનેન્દ્રિયોના વ્યાપારથી જાણનાર-પણું,કર્મેન્દ્રિયોના વ્યાપારથી કર્તા-પણું,
આ વ્યાપારોના ફળભૂત સુખ-દુઃખોના આશ્રય-પણાથી ભોક્તા-પણું અને
સર્વ-વ્યાપારોનોઉદાસીનપણાથી પ્રકાશ કરવાથી સાક્ષી-પણું-
વગેરે ધર્મોના અભ્યાસથી પોતામાં લેનારો જે અનુભવ છે-
તે "અનુભવ" ચૈતન્યનું પ્રાધાન્ય લઇ "લિંગ-શરીર" કહેવાય છે.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE