હે રામચંદ્રજી,તમે સૂતાં,જાગતાં,ચાલતાં કે ઉભા રહેતાં પણ હ્રદયમાં "હું સ્વયંપ્રકાશ ચેતન અને વ્યાપક પરમાત્મા જ છું"એવો અનુભવ કર્યા કરો.અને જ્ઞાન-સ્વ-રૂપ (બ્રહ્મ-સ્વ-રૂપ) થાઓ.
જે આદિ-અંતથી રહિત અને સ્વયંપ્રકાશ જે પરમ-પદ છે તે તમે જ છો,તમે સર્વ-વ્યાપક છો,એક-રૂપ છો,અને શુદ્ધ બોધ-મય છો.જેમ સેંકડો ઘડાઓમાં,માટી એક જ છે,અને ઘડો માટીથી જુદો નથી,તેમ,સેંકડો પદાર્થોમાં બ્રહ્મ,એક જ છે ને (જગત કે જગતના પદાર્થો) આત્માથી જુદા નથી.
જેમ ચલન અને પવન -એ બંને નામથી જુદા છે પણ સત્તાથી જુદા નથી,
તેમ આત્મા અને અવિદ્યા-એ બે નામથી ભિન્ન છે -પણ સત્તાથી ભિન્ન નથી.
આત્માનો અને જગતનો ભેદ અજ્ઞાનથી જ થયો છે અને જ્ઞાન (બોધ) થી તે ભેદ મટી જાય છે.
આત્મામાં થયેલું જગત,અજ્ઞાનથી જ સત્તા-વાળું દેખાય છે.
ચૈતન્ય-રૂપ ક્ષેત્રમાં કલ્પના-રૂપ -જે બીજ પડ્યું છે-તે ચિત્ત-રૂપી અંકુર થાય છે અને તે અંકુરમાંથી સંસાર-રૂપી વન-ખંડ ઉત્પન્ન થાય છે.જો કલ્પના-રૂપી બીજ આત્મ-જ્ઞાનથી બળી જાય તો પછી,
ગમે તેટલી વાસનાઓ તે ચિત્ત-રૂપી અંકુર ફરી ઉત્પન્ન થતું નથી.
જો ચૈતન્ય-રૂપી ક્ષેત્રમાં,કલ્પના-રૂપ બીજ જ -ના પડે તો પણ ચિત્ત-રૂપી અંકુરો ઉત્પન્ન થતા નથી.
દ્વૈત,અસત છે,ભ્રાંતિથી જ ગ્રહણ કરવામાં આવ્યું છે,અજ્ઞાનથી જ ઉત્પન્ન થયું છે,અને બોધથી નષ્ટ થાય છે,
માટે દ્વૈતને ત્યજી દો,કેમ કે તમે બોધને પ્રાપ્ત થયા છો.તમે આત્મ-ભાવના વૈભવથી નિર્ભય-સ્વ-રૂપ થઇ જાઓ,દુઃખ તો ત્રણે કાળમાં નથી,એ મારો છેલ્લો ઉપદેશ છે.
(૫૦) ઇન્દ્રિય-સંવેદન-વિચાર
રામ કહે છે કે-હે પ્રભો,જે કંઈ જાણવાનું હતું તે સઘળું જણાઈ ચુક્યું અને જે કંઈ જોવાનું હતું તે સંપૂર્ણ રીતે જોવાઈ ચૂક્યું.આપના બ્રહ્મ-જ્ઞાન-રૂપી-પરમ-અમૃતથી અમે પરિપૂર્ણ થયા છીએ.
પૂર્ણ-બ્રહ્મમાંથી નખની અણી સુધી ભરપૂર થયેલું આ જીવનું સ્વ-રૂપ,વાસ્તવિક રીતે બ્રહ્મ જ છે.
પૂર્ણ બ્રહ્મમાંથી અનુક્રમે જે આકાશ-આદિ ઉત્પન્ન થાય છે-તે પણ પૂર્ણ-રૂપ જ ઉત્પન્ન થાય છે.
વાસ્તવિક રીતે,પૂર્ણ-બ્રહ્મથી-પૂર્ણતા-વાળું જીવ-તત્વ જે અખંડ ઐક્યથી ભરપૂર થાય-તો
"કલ્પિત" અપૂર્ણતા-રૂપી ભ્રમ ટળી જાય છે અને પૂર્ણમાં પૂર્ણ-પણું જ રહે છે.