(૪૮) દૃશ્ય થી ભિન્ન બ્રહ્મનું વર્ણન
વસિષ્ઠ કહે છે કે-હે રામચંદ્રજી,પરમ-તત્વ કે જેમાં -ઈંડાની અંદર રહેલા મોરની જેમ,ફેલાયેલું આ જગત-ત્રણે કાળમાં કદી ઉત્પન્ન થયું જ નથી,તે જ શુદ્ધ તત્વ ઉપરના દ્રષ્ટાંત ના તાત્પર્ય નો વિષય છે.
જેમાં વાસ્તવિક રીતે કંઈ પણ ઉત્પન્ન થયું નથી,તેમાં જ સઘળું જગત અવિદ્યા (માયા કે અજ્ઞાન) થી છે,અને તે જ તત્વ આ દેહમાં પણ પ્રાણ-રૂપ થઈને વિષય સંબંધી સુખો-રૂપે અને વિચિત્ર ભોગો-રૂપે સ્ફુરે છે.
વિષય-સુખો ના અનુભવના (વિષયોથી મળતા આનંદના) અનુભવના બળથી અનુમાન કરી લેવું કે-
તે સર્વ સુખોનો આધાર -એક -કેવળ પૂર્ણ-આનંદ જ છે.
મુનિઓ,દેવતાઓ,સિધ્ધો અને મહર્ષિઓ વગેરે પોતાના સ્વ-રૂપ-ભૂત નિરતિશય આનંદનો સ્વાદ લેતાં,
સર્વદા તુરીય પદ (સમાધિ) માં રહે છે.
એ સુખ સર્વ લોકોના અનુભવમાં આવતું નથી,તેનું કારણ દૃશ્યોનો તથા દર્શનોની આસક્તિ-
અને પ્રાણના ચલણથી થયેલો વિક્ષેપ છે,એ વિક્ષેપને ટાળવા માટે,યોગીઓ નાસિકા ની ટોચ પર દૃષ્ટિ રોકી રાખે છે અને પ્રાણના નિરોધમાં તત્પર રહે છે.
જેઓને વ્યવહારોમાં રહેવા છતાં પણ બાહ્ય વિષયોના સત્ય-પણાની ભાવના જરા પણ રહેતી નથી,
જેઓ,દૃશ્યો તથા દર્શનોના ત્યાગ-રૂપ-સમાધિમાં રહે છે,જેમનાં પ્રાણ કે મન ચલિત થતાં નથી,
તેઓ,અતિશય મોટા આનંદ-રૂપ પદમાં તુલ્ય-પણાથી રહે છે.
જેમ, ઈશ્વર,અંદર સર્વદા સ્વ-રૂપાનંદમાં સ્થિર રહે છે અને બહાર માયાથી જગતની વ્યવસ્થાનું પાલન કરે છે,
તેમ,બ્રહ્મવેત્તા પુરુષો અંદર અખંડ વૃત્તિ રાખે છે,અને બહાર ચિત તથા દ્રશ્યોના ચલનથી વ્યવહારની સ્થિતિ રાખે છે.બ્રહ્મવેત્તાઓને વ્યવહારના દ્રશ્યોના તથા દર્શનોના સંગમ-રૂપ -ત્રિપુટીમાં પણ પ્રગટ થતો નિરતિશય આનંદ-રૂપ આત્મા,આહ્લાદ આપે છે-માટે તેઓને સઘળો વ્યવહાર સુખકર જ લાગે છે.
એવા બ્રહ્મવેત્તાઓને,અંદર સ્વ-રૂપનું સુખ તો કાયમ જ હોય છે.
તે શુદ્ધ તત્વનું નિર્વિક્ષેપ રૂપ છે,તે દૃશ્ય પણ નથી અને ઉપદેશને લાયક પણ નથી,સમીપ નથી કે દૂર નથી,
પરંતુ કેવળ અનુભવથી પ્રાપ્ત થાય તેવું શુદ્ધ ચૈતન્ય-રૂપ છે.
હે રામચંદ્રજી,દેહ,ઇન્દ્રિય,પ્રાણ,ચિત્ત,વાસના,જીવ,ચલન,દૃશ્ય,જગત,કાર્ય,કારણ,મધ્ય,શૂન્ય,અશૂન્ય.દેશ,કાળ અને વસ્તુ-વગેરે કહેતાં-તે કંઈ પણ નથી,જે કંઈ છે તે બ્રહ્મ જ છે.બીજું કંઈ પણ નથી.
આત્મ-પદ,દેહાદિ -સઘળી ઉપાધિઓથી રહિત છે,અને હૃદયના સેંકડો કોશોથી પણ રહિત છે.
હૃદયમાં જેના હોવાથી જ આ સઘળું દૃશ્ય સ્ફૂરે છે તે આત્મ-પદ જ છે.