Nov 16, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-663

\જેમ કમળ-વન શિલાથી જુદું ન હોવા છતાં,પણ જુદી આકૃતિ-વાળું જણાય છે,
તેમ આ જગત એ ચૈતન્યથી ભિન્ન નથી છતાં જુદી આકૃતિ-વાળું જણાય છે.
જેમ,શિલાની અંદર ચક્રો તથા કમળો-સુષુપ્તિ જેવી અવસ્થાથી રહે છે,
તેમ ચૈતન્યની અંદર આ બ્રહ્માંડો સુષુપ્તિ જેવી અવસ્થામાં રહેલાં છે.
જેમ,શિલાની અંદર કમળોની પંક્તિ કે મરીની અંદર તેની તીખાશ- ઉદય કે અસ્ત પામતી નથી,તેમ,ચૈતન્યમાં આ સૃષ્ટિ ઉદય કે અસ્ત પામતી નથી.

જેમ બીલામાં તેનો ગર્ભ રહેલો છે,તેમ,ચૈતન્યમાં અનંત વિકારોથી ભરેલી બ્રહ્માંડોની મંડળી રહેલી છે.
બ્રહ્માંડો ચૈતન્ય-માત્ર જ છે એમ કહ્યું-તો પછી બ્રહ્માંડોની અંદરના શરીરો પણ ચૈતન્ય-માત્ર જ છે-
એમ કહેવાની જરૂર રહેતી નથી.
જેમ,જળનું બિંદુ જળ-માત્ર જ રહી જાય છે-તેમ બ્રહ્માંડો ચૈતન્ય-માત્ર જણાતાં જ,
તે બ્રહ્માંડના અવયવો (શરીરો-વગેરે પદાર્થો) પણ ચૈતન્ય-માત્ર જ થઇ જાય છે.
ચૈતન્ય અંત વગરનું (અનંત) હોવાને લીધે,તેમાં સઘળા વિકારો-વગેરેનો સમાવેશ પણ થઇ જાય છે.

જગત,નામ-માત્રથી જ ઉત્પન્ન થયું છે-માટે નામના લયથી,તે જગત લય પામે છે.
જે કંઈ આ વિકારો વગેરે જોવામાં આવે છે-તે બ્રહ્મ જ છે.પદાર્થનો ત્યાગ-અત્યાગ -એ પણ બ્રહ્મ જ છે.
વિકારોની ઉત્પત્તિનો ક્રમ પણ બ્રહ્મ છે અને તેથી બ્રહ્મમાં બીજો પદાર્થ ઝાંઝવા ના પાણી (વિવર્ત) જેવો છે.
બ્રહ્મ-અને-જગતનું જે દ્વિત્વ દેખાય છે-તે એકત્વ જ છે-કેમ કે એકત્વ ના હોય તો બંનેને હાનિ પહોંચે છે.

જગતની ઉત્પત્તિ -બ્રહ્મમાં જડ-પણાની "કલ્પના"ને આધીન છે,
પણ બ્રહ્મ તો કદી જડ સ્વભાવ-વાળું હોવું સંભવતું નથી.
ચૈતન્ય-રૂપ-બ્રહ્મ અને જડ-રૂપ-જગત,કદી પણ બે પદાર્થ નથી,કેમ કે,જે જડ છે તે-ચૈતન્યમાં કલ્પિત છે.
જગત બ્રહ્મથી અન્ય જેવું દેખાવા છતાં અન્ય નથી.
બ્રહ્મની અંદર અહંતા-વગેરે-રૂપી જગત અસ્ત કે ઉદય પામતું નથી પણ સર્વદા સુષુપ્ત જ છે.
બ્રહ્મની અંદર જીવપણું,ઈશ્વરપણું,કર્તાપણું અને જગત -એ સઘળું બ્રહ્મથી જુદું નથી,પણ બ્રહ્મ-રૂપ જ છે.

જેમ,શિલાની અંદર કમળોનાં ચલન,અચલન,પ્રગટ થવું,નાશ થવો-વગેરે તત્વ ના દર્શન થતાં નથી,
તેમ,બ્રહ્મની અંદર જીવ તથા ઈશ્વર વગેરે જગતના કર્તાઓ,બ્રહ્મના તત્વનું દર્શન થતાં કદી પણ દેખાતા નથી.
જો કે આ જગત,ઉત્પત્તિ-સ્થિતિ-વગેરે વિલાસો-વાળું જોવામાં આવે છે,તો પણ વાસ્તવિક રીતે,પર્વતની પેઠે નિર્વિકાર હોવાને લીધે,કદી ઉત્પન્ન પણ થતું નથી અને કદી નષ્ટ પણ થતું નથી.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE