(૪૫) પરબ્રહ્મ નું બીલા-રૂપે વર્ણન
વસિષ્ઠ કહે છે કે-હે રામચંદ્રજી,આ વિષયમાં બોધને માટે "વિસ્મય નો ઉલ્લાસ કરનારી અને રમણીય" કથા હું કહું છું તે તમે સાંભળો.હજારો યોજનના વિસ્તાર-વાળું,નિર્મળ,સ્પષ્ટ અને હજારો યુગો વીતવા છતાં પણ જે પાકી જતું નથી એવું એક મોટું બીલું છે.એ બીલું અવિનાશી રસથી ભરેલું છે,અમૃત કરતાં પણ અધિક રસ-વાળું છે,અને જુનું છતાં કોમળતાથી ભરેલું છે.
જેમાં (જેની અંદર) મેરુ-પર્વતનો પણ સમાવેશ થાય એવું છે,મંદરાચલ જેવું દૃઢ છે,અને મહા-કલ્પોના વંટોળ થી પણ ચલિત થતું નથી.તે જગતની સ્થિતિના આદિ-મૂળ-રૂપ છે,અને તે બીલા ની આગળ મોટાં બ્રહ્માંડો પણ અત્યંત નાનાં લાગે છે.ભરપૂર રસથી ઝરતા અને ભારે સ્વાદ-વાળા એ બીલા ના રસના ચમત્કારથી બ્રહ્માંડની અંદરના કોઈ પણ રસનો ચમત્કાર અધિક થઇ શકે તેમ નથી.
એ બીલું એવા રસ-વાળું હોવા છતાં પણ પાકીને કદી પડતું નથી,ને સર્વદા પાકેલું છતાં-પણ જુનું થતું નથી.
બ્રહ્મા-વિષ્ણુ-રુદ્ર-આદિ દેવો પણ એ બીલાની ઉત્પત્તિને-મૂળને જાણતા નથી.
આ મોટા આકાર-વાળા ફળના અંકુર,વૃક્ષ,પુષ્પો,થડ,મૂળ કે શાખાઓ-એ કશું જોવામાં આવતું નથી.
તેની ઉત્પત્તિ કે વિકાર આદિ-પરિણામ પણ જોવામાં આવતું નથી.
સઘળા ફળોના સર-રૂપ આ મોટા બીલામાં ઠળિયા તો છે જ નહિ.આ બીલાનો ગર્ભ વિશાળ છે,નિરંજન છે,નિર્વિકાર છે,છિદ્રોથી રહિત છે અને તેમાંથી-પોતાના અનુભવથી જ જણાય તેવું અમૃત ઝર્યા કરે છે.
તે સઘળા સુખોના ભંડાર-રૂપ છે,શીતળ પ્રકાશ આપનાર છે,પહાડ જેવો સ્થિર છે.
એ બીલામાં રહેતો ગર્ભ બીલાના જ ચમત્કાર-રૂપ છે,બીલાથી તે અન્ય નથી,બીજા પદાર્થોઓથી તે રહિત છે,
અને ત્રણે પ્રકારની મર્યાદા વિનાનો છે.
સઘળા પ્રકારના ભેદો-જેનો વિવર્ત છે-એવી પોતાની સ્થિતિ નહિ છોડતાં,
સૂક્ષ્મથી પણ સૂક્ષ્મતા-વાળા,સ્થૂળ થી પણ સ્થૂળતા-વાળા,અને પુરાતન છતાં પણ વિકાર વગરના એ ગર્ભે,
"આ હું છું" એવી કલ્પનાથી મિથ્યા-ભૂત-અવિદ્યા-રૂપ-મળને,જગત-રૂપે ઉત્પન્ન કરીને,
આ અજ્ઞાન-મૂલક ભેદ-આદિની ભાવના કરી છે.
એ ગર્ભ "હું છું" એવા અહંકારનો ઉદય થતાં,તરત જ આકાશ-આદિ ભૂતોથી તથા શબ્દો-આદિ તન્માત્રાઓથી ગોઠવાયેલાં બ્રહ્માંડો-રૂપી પરમાણુઓથી વ્યાપ્ત થયો છે.