વસિષ્ઠ કહે છે કે-હે રામચંદ્રજી,જગતની તે ક્રિયાઓ તમારી નથી અને તમે તેઓના પણ નથી-આ પ્રકારનું જે કંઈ આ જગત છે-તે તુચ્છ જ છે-માટે વૃથા શા માટે શોક ધરો છે?
હે ચૈતન્ય-માત્ર-વ્યાપક-સ્વ-રૂપ-વાળા,જે કંઈ જગત છે તે તમારો જ વિવર્ત છે,માટે પોતાના સ્વ-રૂપના વિવર્તમાં હર્ષ કે શોક કરવો ઘટતો નથી.
હે રામચંદ્રજી,તમે ચૈતન્ય-માત્ર-સ્વ-રૂપ-વાળા છે,અને જગત તમારાથી ભિન્ન નથી,માટે,
તમને,કોઈ પદાર્થમાં "આ ત્યાજ્ય છે કે આ ગ્રાહ્ય છે" એવી કલ્પના થવી કેમ ઘટે?
આ રીતે જગત-રૂપ-ચક્ર ની ચંચળતા -એ ચૈતન્ય-રૂપ છે,અને જગત પણ ચૈતન્ય-રૂપ છે.
તો પછી તમે આ જગત સંબંધી પદાર્થોને માટે,કેમ હર્ષ કે શોક કરવો?
તમે આજથી ચૈતન્યમાં સ્થિર થઇ,સુષુપ્તિ જેવી સ્થિતિને ધરીને તુર્યાવસ્થા-રૂપ (જીવનમુક્ત) થાઓ.
સઘળી વિષમતાઓથી રહિત,જગતના સઘળા દેખાવોને બ્રહ્મ-રૂપ સમજનારા,સ્વયં-પ્રકાશ-રૂપ,
ઉદાર બુદ્ધિ-વાળા અને સર્વદા આત્મ-પૂજનમાં જ નિષ્ઠા-વાળા થઈને ભરપૂર સમુદ્રની પેઠે રહો.
હે રામચંદ્રજી,આ સઘળું તમે સાંભળ્યું અને તેથી તમે પૂર્ણ-બુદ્ધિ-વાળા થયા છો,
હવે બીજું કંઈ પૂછવાની ઈચ્છા હોય તે પૂછો.
રામ કહે છે કે-હે ગુરુ-મહારાજ,હમણાં મારો સંશય સંપૂર્ણ-પણે ટળી ગયો છે,
જે કંઈ જાણવાનું હતું તે સઘળું જણાઈ ચુક્યું અને સ્વાભાવિક અખંડ તૃપ્તિ પ્રાપ્ત થઇ છે.
હે મહામુનિ,અજ્ઞાન,દ્વિત્વ,દૃશ્ય કે કલ્પના-એ કંઈ છે જ નહિ.તે સમયે મને જે અજ્ઞાન હતું તે હમણાં શાંત થઇ ગયું.આત્માના અજ્ઞાન ને લીધે "આત્મામાં માયા-રૂપ કલંક છે" એવી ભ્રાંતિ-તે સમયે હતી-
તે હવે તમારી કૃપાથી શાંત થઇ ગઈ છે.આત્મા જન્મતો-મરતો નથી અને માયા-રૂપ-કલંક-વાળો પણ નથી.
"આ સઘળું જગત બ્રહ્મનો વિવર્ત કે બ્રહ્મ જ છે" એમ સમજવાથી મારા સઘળા પ્રશ્નો,સઘળા સંશયો,
અને સઘળી ઇચ્છાઓ -અત્યંત શાંત થઇ ગઈ છે.મારું ચિત્ત શુદ્ધ અને નિર્મળ થયું છે.
શિષ્યોના ઉદ્ધાર કરવા સાધુ-પુરુષોએ કહેલાં-સઘળાં સાધનોના ઉપદેશોની હવે મને ઈચ્છા રહી નથી.
જેમ,મેરુ પર્વત -એ સુવર્ણની આકાંક્ષા વગરનો છે-તેમ,હું સાધનોની આકાંક્ષા વગરનો થયો છું.
જે વસ્તુમાં મને આશા કે તૃષ્ણા રહે તેવી -કોઈ વસ્તુ છે જ નહિ.
સઘળા જગતમાં મારે -ગ્રહણ કરવા,ત્યજવા કે ઉપેક્ષા કરવા લાયક કાંઇ છે જ નહિ.
"આ સત છે કે આ આ અસત છે" એવી રીતની ચિંતા હોવી એ એક ભ્રમ છે,
અને તે મારો ભ્રમ સારી રીતે શાંત થઇ ગયો છે.હું સ્વર્ગને ઈચ્છતો નથી કે નરકનો દ્વેષ પણ કરતો નથી,
પરંતુ,ભ્રમણ વગરના મંદરાચલ (પર્વત)ની પેઠે સ્વ-રૂપમાં સ્થિર રહ્યો છું.
હે ગુરુ મહારાજ,સર્વોત્તમ સારને માટે પણ હવે રાંક-પણું રહ્યું નથી અને હું પૂર્ણ થયો છું.
મારું મન,હવે આશાઓથી કે બીજા કશાથી પણ ભેદી ના શકાય તેવી વીરતા ને પ્રાપ્ત થયું છે.
મારું મન સઘળા વિકલ્પોથી રહિત થયું છે,કૃપણતા વગરની દૃઢ સ્થિરતા-વાળું થયું છે,
ત્રૈલોક્યમાંની સઘળી વસ્તુઓ કરતાં પણ અધિક સ્વચ્છ થયું છે,
અંદર આનંદ પામ્યું છે અને અત્યંત ઉત્તમ થયું છે.