નિમેષ-માત્રમાં,કલ્પનાથી-સઘળું કરવાને સમર્થ-એ આદિ-પુરુષ,બહારના વિષયોમાં આસક્ત થવાથી-જ મહા-કલ્પોની પરંપરાનો (કાળનો) અનુભવ કરે છે.
પ્રત્યેક પરમાણુમાં,પ્રત્યેક આકાશમાં (જેમ કે સોયના છિદ્રમાં રહેલું આકાશ) અને પ્રત્યેક ક્ષણમાં-પણ સૃષ્ટિઓના "કલ્પો" ના તથા "મહા-કલ્પો"ના -ઉદય-અસ્તો થયા કરે છે.
એ જુદીજુદી સૃષ્ટિઓમાંથી-કેટલીક સૃષ્ટિઓમાં-જો વાસનાની તુલ્યતા (સમાનતા) હોય તો-જીવોને પરસ્પર જોવામાં આવે છે અને તુલ્યતા ના હોય તો પરસ્પરના જોવામાં આવતી નથી.
પણ,તે સૃષ્ટિઓનું અધિષ્ઠાન (ચૈતન્ય) તો સઘળા જીવોને "પ્રત્યક્ષ" જ હોય છે.
જીવોની ભાવનાઓ-ઉપરથી સર્વત્ર સૃષ્ટિઓ થાય છે,અને સૌ-સૌની દૃષ્ટિથી તેમને તે સત્ય જ જણાય છે,
પરંતુ તે સઘળી સૃષ્ટિઓ- "પરમાત્મા-રૂપ-આકાશ" માં "આકાશ-રૂપ" જ છે.(શૂન્ય જ છે)
સત-પણ નહિ કહી શકાતી કે અસત પણ નહિ કહી શકાતી-એ સૃષ્ટિઓ-
સ્વપ્નના પર્વત ની પેઠે અદૃશ્ય પણ થઇ જાય છે અને દેખાય પણ છે.
દેશ (સ્થળ) અને કાળ (સમય) ની કલ્પના પણ સૃષ્ટિની કલ્પના -ની સાથે જ થાય છે,
માટે અમુક દેશમાં કે અમુક કાળમાં-જ સૃષ્ટિ થાય છે-એમ નથી,
પણ સૃષ્ટિના કરનારની કલ્પના પણ સૃષ્ટિની સાથે જ છે-માટે સૃષ્ટિનો "કર્તા" પણ કોઈ નથી.
એ "સૃષ્ટિઓ-છે" એમ પણ નથી,એ "સૃષ્ટિ ની કલ્પના કરવાનું" પણ કંઈ નથી,અને
"એ સૃષ્ટિઓનો કલ્પના કરવાનો-કાળ" પણ નથી-
માટે,જેમ સ્વપ્નના નગરની રચનાનું થવું,તથા બંધ પડી જવું-એ જરા પણ દેશ-કાળ ને રોકતું નથી,
તેમ,આ જગતમાં કંઈ ઉત્પન્ન થતું નથી અને કંઈ નષ્ટ પણ થતું નથી.
પરંતુ તે ચૈતન્ય જ સંકલ્પનું રૂપ ધરીને સઘળો "ચમત્કાર" કરે છે-તેમ "સિદ્ધાંત" છે.
આમ,આ મિથ્યા-ભૂત-જગતે,દેશ-કાળ-વગેરે કશાને રોકેલું નહિ હોવા છતાં,
પણ જાણે -તેણે,ઘણા દેશ-કાળને રોકેલાં હોય એમ જણાય છે.
જેમ,પુરુષ,સ્વપ્નમાં ક્ષણ-માત્રમાં પોતાની મેળે -પોતાનાથી જુદો થઇ જાય છે-
તેમ,તે પુરુષ,ક્ષણ-માત્રમાં અનેક યોનિઓમાં જન્મ લઈને -અન્ય (જુદો) થઇ જાય છે.
"આ સંસાર-રૂપ-માયા-આ પ્રમાણે મિથ્યા જ છે" એવી ભાવનાને અભ્યાસથી દૃઢ કરવામાં આવે-તો-
ભેદ ટળી જઈને પરમાત્મા નો સાક્ષાત્કાર થાય છે.
એ "આત્મ-ચૈતન્ય" જો આંખના પલકારા ના સો -મા ભાગની ક્ષણમાં પણ -પોતાના સ્વ-રૂપને ભૂલીને-
બહાર નજર કરે તો-આ સંસાર-રૂપ દુર્દશા ઉદય પામે છે.
માટે,આત્મા ની "પોતાના સ્વ-રૂપ"માં જે સ્થિતિ છે-તે જ બ્રહ્મ-પણું છે.