Nov 1, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-651

આ આતિવાહિક દેહ કે જેનું "પુર્યષ્ટક" (ઇન્દ્રિયો-રૂપી આઠ દ્વાર-વાળી નગરી-વાળો) એ બીજું નામ છે,
તે જ એ સઘળી સત્તાઓ-રૂપે સ્ફુરે છે,એટલે,
જે કંઈ આ સઘળું છે-તે આતિવાહિકદેહનું જ સ્ફુરણ છે-એમ સમજો.

હે વસિષ્ઠ મુનિ,વિશેષતા-રહિત-કેવળ-બોધ-સ્વ-રૂપ-બ્રહ્મ જ -
આતિવાહિક દેહના ઉપર કહેલા વિભાગો-વાળું થઈને સ્ફુરે છે,બ્રહ્મ સિવાય બીજું કાંઇ જ નથી.
આ રીતે જે સઘળું જગત થયું છે-તે અજ્ઞાનની દૃષ્ટિથી થયું છે,વાસ્તવિક રીતે -તો કંઈ પણ થયું નથી.

અજ્ઞાન પણ નથી,આતિવાહિક દેહ પણ નથી,ચિદાભાસ પણ નથી-
અને ચિદાભાસ થી ચેતના પામેલું -બીજું કંઈ પણ નથી.

પરમાત્મા માં સ્ફુરેલું આ જગત,કેવળ પરમાત્મા ના જ વિવર્ત-રૂપ છે,અને કેવળ પરમાત્માની સત્તાથી જ સત્તા-વાળું છે,કેમ કે જે કંઈ દૃશ્ય છે-તે-સઘળું અનુભવ જ છે-એમ સમજવાથી તે અનુભવ-રૂપ થઇ જાય છે.
અને એ અનુભવથી જુદા પાડતા-તે (જગત) મુદ્દલે રહેતું જ નથી.
જો વિચાર કરીએ તો-દૃશ્યોની -પરમાત્મા થી જુદી મનાતી સત્તા-સંકલ્પના નગર જેવી થઇ જાય છે.

જો જગતનું સ્વરૂપ વિચારવાથી જાણવામાં આવે તો-તે-જગત -બ્રહ્મ-રૂપ જ થઇ જાય છે.
પણ જો જગત સંબંધી વિચાર કરવામાં ના આવે તો ત્યાં સુધી "જગતનું સ્વ-રૂપ વાસ્તવિક છે કે નહિ?"
એમ પુછાય જ નહિ,કેમ કે-જે વિચારથી જાણવામાં ન આવે તે વાસ્તવિક કેમ થઇ શકે?
ચૈતન્ય પોતાની અંદર જ પોતાથી -સંકલ્પને લીધે-દૃશ્ય-પણાને પ્રાપ્ત થાય છે,
કેમ કે એ સૂક્ષ્મ ચૈતન્ય નો -એવો જ સ્વ-ભાવ છે.

પ્રથમ,સંકલ્પથી કલ્પાયેલા સૂક્ષ્મ દેહમાં જ- લાંબા કાળના અભ્યાસથી-સ્થૂળ-દેહ-પણું જોવામાં આવે છે,
અને આવી રીતના સ્થૂળ-દેહના સંબંધને કારણે-
બ્રહ્મ જ પોતાની અંદરની વસ્તુઓને -બહાર-સ્થૂળ-પણાને પ્રાપ્ત થયેલી દીઠે છે.
આમ બહારની રૂપ-આદિ વસ્તુઓનાં દર્શન થતાં,સ્થૂળ દેહમાં ચક્ષુ-આદિ ઇન્દ્રિયોને-પોતપોતાનાં
ગોલકોમાં રહેલી દેખે છે,પછી હાથ-પગ વગેરે અવયવો વાળા સ્થૂળ શરીરમાં-
પુરુષના આકારની અત્યંત ભાવનાથી તે શરીરને પુરૂષાકારે દેખે છે.

અને પછી કાક-તાલીયની રીતિ પ્રમાણે વ્યવહારને સંપૂર્ણ યોગ્ય થયેલ તે સ્થૂળ શરીર સંતોષ અને પોષણ મેળવે છે,જીવતાં પણ જેની આવી સ્થિતિ છે એવો  દેહ મિથ્યા છતાં પણ ખડો થયેલો જોવામાં આવે છે.

વસિષ્ઠ કહે છે કે- આ જગત ગંધર્વનગર જેવું તથા સ્વપ્નનના નર જેવું મિથ્યા છતાં દુઃખ-દાયી થઇ પડે છે-
તો એ દુઃખનો કેવી રીતે નાશ કરવો?

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE