સદાશિવ કહે છે કે-જે આ બ્રહ્મ-આદિ શબ્દોનો અર્થ છે તે -કેવળ નિર્વિષય શુદ્ધ અનુભવ છે-એમ સમજો.
જેમ પરમાણુની પાસે મેરુ (પર્વત) સ્થૂળ છે,તેમ એ અનુભવની પાસે આકાશ પણ સ્થૂળ છે.એ અનુભવ-એ-નિર્વિકલ્પ સમાધિમાં પ્રસિદ્ધ,
ચિદ અને આનંદ ના એક-રસ-સ્વ-ભાવમાં રહેલો છતાં પણ,અને દ્રશ્યોથી રહિત છતાં પણ-"દ્રશ્યોના સંસ્કારના જ્ઞાનને લીધે" જયારે દૃશ્યોની કલ્પના કરવામાં આવે છે-ત્યારે "ચિત્ત" એ નામને યોગ્ય થાય છે.
દૃશ્યોની કલ્પના ને લીધે-તે "ચિત્ત" ક્ષણ-માત્રમાં "અહંતા" ને પ્રાપ્ત થાય છે.
ચિત્ત ને અહંકાર પ્રાપ્ત થાય-એટલે તેને "દેશ-કાળ" (સ્થળ-સમય) ની કલ્પનાઓ થાય છે.
આ કલ્પનાઓથી એ જ ચિત્ત-સત્તા, "સંસ્કારના જાગવાથી" પવનની લહેર જેવા પ્રાણ-રૂપ-ચલનની કલ્પના કરવાથી,તેવા ચલન (પ્રાણ-રૂપ-ચલન) ને ધારણ કરીને "જીવ" એ નામ-વાળી થાય છે.
આવી રીતે મૂર્ખતાની સ્થિતિમાં આવેલી એ "જીવ-શક્તિ"
"નિશ્ચય-રૂપ-સંસ્કાર" જાગતાં,"બુદ્ધિ-પણા"ને પ્રાપ્ત થાય છે.
પછી,વાણી અને મનના સંસ્કારો જાગતાં,એ "અહંતા"ને-"આત્માના સ્વ-રૂપને એકદમ ઢાંકી દેનારી"
શબ્દ-શક્તિ,ક્રિયા-શક્તિ તથા જ્ઞાન-શક્તિની કલ્પના ઉઠે છે.
અને તેથી તે અહંતાની અંદર તે પ્રત્યેક શક્તિઓ સ્ફુરે છે.
આ સઘળો -વર્ગ-મળીને તુરત જ "સ્મૃતિ" ને અનુકુળ થતાં,ભૂત-વાળું "મન" થાય છે.
કે જે મન સંકલ્પ-રૂપ વસ્ત્રના બીજ-રૂપ છે.
વિદ્વાનો એ મનને "આતિવાહિક-દેહ" (નિર્વાહને યોગ્ય) દેહ કહે છે.
અંદર રહેલી "બ્રહ્મ-શક્તિ" થી વ્યાપ્ત થયેલું એ મન જ આત્માના સ્વયં-પ્રકાશ-પણાના બળને લીધે,
"પ્રમાતા-રૂપ" થાય છે.
આ રીતે અંદરની કલ્પના જ-બહારનાં દૃશ્યોની સત્તાની કલ્પનામાં કારણ-રૂપ થાય છે.
એ ચિત્તમાં જ કલ્પનાથી થતી નીચેની સત્તાઓ (શક્તિઓ) બહાર ઉદય પામેલી નહિ હોવા છતાં પણ,
પાછળથી જાણે બહાર સ્થૂળ-રૂપે રહેલી હોય તેવી પ્રતીત થાય છે.
વાયુ-સત્તા,ચલન-સત્તા,ચક્ષુ-સત્તા,રૂપ-સત્તા,જળ-સત્તા,રચના-સત્તા,રસ-સત્તા,ગંધ-સત્તા,સ્પર્શ-સતા,ત્વચા-સત્તા,પૃથ્વી-સત્તા,બ્રહ્માંડ-સત્તા,દેશ-સત્તા અને સર્વથી જોડાયેલી છતાં આકાર વગરની કાળ-સત્તા -
આ સઘળી સત્તાઓના સમૂહનો સમાવેશ-આતિવાહિક દેહ (મન) સ્વરૂપમાં જ થાય છે.