જે કંઈ આ જગત સંબંધી વસ્તુઓ છે તે આત્માથી ભિન્ન નથી પણ આત્મા જ છે તેમ સમજો.
આત્મ-સ્વ-રૂપ અને સ્વ-રૂપનું જ્ઞાન-એ કોઈ પણ જાતના "સાધનો" ની ગરજ વગરનાં છે-માટે,ગુરુ તથા શાસ્ત્રાદિક જ્ઞાન-એ આત્મ-જ્ઞાનના "સાધન-રૂપ" નથી જ.
જે વસ્તુ-જેનો ક્ષય થાય ત્યારે જ પમાય એમ હોય,તે વસ્તુ તે હોય ત્યાં સુધી પમાતી જ નથી.
સઘળી અવિદ્યાનો ક્ષય થાય ત્યારે જ આત્મા પમાય તેમ છે,
શાસ્ત્ર-ગુરુ -આદિ વગેરે -કોઈ પણ તે અવિદ્યાના ક્ષય નો માર્ગ બતાવે છે,પણ તે ક્ષય તો પોતે (સ્વ-એ)
જ કરવો પડે છે.કેમ કે-અવિદ્યાના ભાગનો જ્યાં સુધી બાધ ના થાય ત્યાં સુધી આત્મા જણાતો નથી.
હે વસિષ્ઠ મુનિ,આ રીતે,જો કે ગુરુના ઉપદેશ-આદિ-ક્રમો,એ આત્મજ્ઞાનના "સાધન-રૂપ" નથી,
તો પણ,તેઓ-"કંઠમાં પહેરેલો જે હાર ભુલાઈ ગયો હોય-એને કોઈ બતાવે" તે મુજબ-
આત્મા નો લાભ બતાવી આપનારા છે.
ગુરુના ઉપદેશોનો ક્રમ પ્રવૃત્ત થતાં,શિષ્ય સમજી જાય છે કે-
આત્મા બતાવી શકાય તેવો નથી,સમજાય તેવો નથી,તો પણ પોતાથી-પોતાની મેળે જ પ્રગટ થાય છે.
શાસ્ત્રોના અર્થોથી કે ગુરુના વચનોથી આત્મા પ્રત્યક્ષ થતો નથી,
પણ પોતાના (સ્વ ના) બોધને લીધે,પોતાથી (સ્વ થી) જ પ્રકાશે છે,
તેમ છતાં,ગુરુના ઉપદેશો વિના અને શાસ્ત્રોના અર્થો વિના -પણ આત્મા જણાતો નથી,કેમ કે-
ગુરુના ઉપદેશના અને શાસ્ત્રોના અર્થના સંયોગની "સત્તા" જ આત્મજ્ઞાન ને પ્રત્યક્ષ કરનારી (સમજાવનારી) છે.જેમ,દિવસના સંયોગની સત્તાથી લોકોની હિલચાલ થાય છે-
તેમ, ગુરુ,વેદાંત-શાસ્ત્રનો અર્થ -અને-શિષ્યના લાંબા કાળ સુધીના સંયોગની સત્તાથી આત્મ-જ્ઞાન પ્રવર્તે છે.
કર્મેન્દ્રિયો-જ્ઞાનેન્દ્રિયો,આદિ-અંત,સુખ-દુઃખ -વગેરેનો બાધ થાય ત્યારે-
પ્રગટ થનારા આત્મા ને "સત-તત-શિવ" વગેરે "કલ્પિત નામો" આપવામાં આવ્યા છે.