સજ્જનો ની મૈત્રીથી,દુષ્ટ લોકોની ઉપેક્ષાથી,દીન લોકો પર કરુણાથી,સદાચરણવાળા લોકો પર -
આનંદથી,અને ક્રોધ આદિ-વેગને રોકીને શુદ્ધ સામર્થ્યથી પણ જ્ઞાન સાથે-તે આત્માનું અર્ચન કરવું.
ભોગોના સમૂહોમાં કોઈ એકાદ ભોગ -કોઈ એક સમયે અકસ્માત પ્રાપ્ત થાય કે પ્રાપ્ત થઈને જતો રહે,તેથી પણ આત્માના પૂજનની ભાવના રાખવી.
જે ભોગોને ભોગવવાનો શાસ્ત્રોમાં નિષેધ કર્યો છે અને જે જે ભોગોને ભોગવવાનો શાસ્ત્રમાં નિષેધ કર્યો નથી-
તેના પણ સર્વદા ત્યાગ થી કે-કોઈ સમયે યોગ્ય ભોગના રાગથી પણ-શુદ્ધ આત્માનું પૂજન કરવું.
જેમાં (જે ક્રિયાઓ-કે કર્મોમાં) -અમુક ક્રિયાઓ કરવાની અને અમુક ક્રિયાઓ ન કરવાની અનેક ખટપટો છે,
એવા અયોગ્ય ધનોના ત્યાગથી અને યોગ્ય ધનોના ગ્રહણથી પણ આત્માના પૂજનની જ ભાવના રાખવી.
જે જે પ્રાપ્ત થાય તેનું ભાવ વિના જ ગ્રહણ કરવું અને
જે જે પ્રાપ્ત ના થયું હોય તેની વિકાર વિના જ -ઉપેક્ષા કરવી -એ જ આત્માનું પરમ-પૂજન છે,
સર્વદા સઘળી ઇષ્ટ કે અનિષ્ટ પદાર્થોની પ્રાપ્તિઓમાં-અંતઃકરણની અત્યંત સમતા રાખવી,
એ જ તે આત્માનું નિત્ય પૂજન છે- માટે તે જ કરવું જોઈએ.
"જે કંઈ છે તે બ્રહ્મ જ છે" એવી દૃષ્ટિથી સર્વને શુભ જ માની લેવું,તથા,
"જે કંઈ છે તે બ્રહ્મમય-પણાની સાથે માયામય પણ છે"
એવી દૃષ્ટિથી સર્વને શુભ-પણાના અને અશુભપણા ના મિશ્રણ-વાળું માની લેવું.
ગમે તે રીતે-પણ-અયોગ્ય દૃષ્ટિ નો ત્યાગ કરીને,સઘળું આત્મા જ છે-અથવા આત્મા-વાળું છે-
એવી ભાવના રાખીને આત્માનું નિત્ય પૂજન કરવાનું વ્રત પાળવું.
જે કોઈ પદાર્થ-પ્રાપ્ત થતાં સારો લાગતો હોય-કે-જે કોઈ પદાર્થ પ્રાપ્ત થતાં અસાર (ખરાબ) લાગતો હોય,
તે સર્વ પદાર્થ ને સમાન ગણીને-આત્માના નિત્ય પૂજન નું વ્રત પાળવું.
"આ હું છું અને આ હું નથી" એવા વિભાગને છોડી દઈને-જે કંઈ છે તે સઘળું બ્રહ્મ જ છે-એવો નિશ્ચય રાખીને,
સર્વદા પ્રાપ્ત થતાં અને સર્વ પ્રકારના વિરોધથી ભરેલાં-સર્વ નામ-રૂપોથી-સર્વાત્મક આત્માનું પૂજન કરવું.
ઉદ્યોગ કરવો -કે-ઉદ્યોગ ત્યજી દેવો-તે બંને ને મિથ્યા-તત્વ સમજી ને ત્યજી દઈને-અથવા-
કદાચિત-બંને નો સ્વીકાર કરીને -પણ (અનાશક્તિથી) આત્માનું નિત્ય પૂજન કરવું.
બ્રહ્મવેત્તા પુરુષે કશો રાગદ્વેષ નહિ રાખતાં,દૈવ-ગતિથી પ્રાપ્ત થયેલી ભોગોની રચનાઓને સ્વાભાવિક રીતે ભોગવવી-અને-અપમાન-વધ-બંધન-અને સર્વસ્વ નો નાશ આદિ-દેખાવો આવી પડતાં કશો ઉદ્વેગ
ધરવો નહિ.એટલે કે-દેશ-કાળ-ક્રિયાના યોગ થી જે શુભાશુભ પ્રાપ્ત થાય-તેનો વિકાર વિના ગ્રહણ કરીને,
તેના વડે જ આત્માનું પૂજન કરવું.
આ આત્માના પૂજનના વિધિમાં કહેલાં દ્રવ્યો જો કે કેટલાંએક શુદ્ધ છે કે અશુદ્ધ છે,
કેટલાંએક રાગ ને કે દ્વેષને ઉત્પન્ન કરનારાં છે,કેટલાંએક કડવાં-તીખાં-ખાટા-વગેરે છે -તો-
કેટલાંએક આ બધાંથી વિલક્ષણ પણ છે,તેમ છતાં પણ-તે સર્વને આત્મ-મય સમજીને -
તેમની વિષમતા દુર કરીને -સમતા-રૂપ-એક રસથી જ ભીંજવી દેવામાં આવે છે-માટે અમૃત-રૂપ જ લાગે છે.