Oct 20, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-640

હે વસિષ્ઠ મુનિ,હવે હું તમને તે પરમાત્મા (બ્રહ્મ)નો પૂજન નો વિધિ અને ઉપહાર વિષે કહું છું તે તમે સાંભળો-કે જે વિધિથી એ પોતાના સ્વ-રૂપ-ભૂત દેવનું મહાત્માઓ પૂજન કરે છે.
એ દેવ (પરમાત્મા) એ -દીવો,પુષ્પો,ધૂપ,છત્ર,ચામર,-આદિ વૈભવોના અર્પણ,
અન્ન-દાન વગેરે દાન,ચંદન ના લેપન,કેસર તથા કપૂર આદિ વૈભવોથી-
કે તેવા પ્રકારનાં બીજાં સાધનોથી પૂજાતો નથી,
પણ,સર્વદા પરિશ્રમ વગર જ મેળવી શકાય એવા,શીતળ અને અવિનાશી-
એક પોતાના (સ્વ-ના) બોધ-રૂપ (જ્ઞાન-રૂપ) અમૃતથી જ પૂજાય છે.

પોતામાં રહેલા ચૈતન્ય-માત્રનું અનુસંધાન કરવું એ તો આગળ  કહેલી તે (ચૈતન્ય)ની બાહ્ય-પૂજાથી પણ મુખ્ય છે.બાહ્ય-પૂજા તો એના અંગ-રૂપ છે.
પોતાની અંદર રહેલા ચૈતન્ય-માત્ર નું અનુસંધાન કરવું એ જ સર્વોત્તમ ધ્યાન છે અને એ જ સર્વોત્તમ પૂજા છે.
જોતાં-સાંભળતાં-સ્પર્શ કરતાં-સૂંઘતાં-જમતાં-સૂતાં-શ્વાસ લેતા-બોલતાં-છોડતાં કે ગ્રહણ કરતાં-
શુદ્ધ ચૈતન્ય-માત્ર જ થવું જોઈએ.
આ અનુસંધાન-રૂપી અમૃત (પૂજા)કે જેમાં પુષ્પો લેવા વગેરેની કડાકૂટ કરવાની જરૂર પડતી નથી અને પરમ આનંદ મળે છે,તેથી પરમેશ્વર-રૂપ-પોતાના આત્માનું જ પૂજન કરવું,એ સર્વોત્તમ છે.

પોતાની મેળે જ (ધ્યાન કરીને) પ્રત્યક્ષ આત્માની શોધ કરીને તે દેવના નિરતિશય આનંદ નું પ્રગટ થવું,
તે ધ્યાન (અનુસંધાન) જ - તે દેવ (પરમાત્મા) ના સ્વાદ-રૂપ છે-માટે પુષ્પ-ફળ વગેરે નહિ પણ-
ધ્યાન-રૂપી ઉપહાર (ભોગ) જ તે દેવને માટે અતિ-યોગ્ય છે.
અર્ઘ્ય-આદિ-ઉપચારો ધ્યાનથી હલકા છે.ધ્યાન વિના બીજા ઉપહારથી આત્મા મળતો નથી જ.
ધ્યાન-રૂપ ઉપહારથી જ સ્વ-રૂપના ધ્યાન ને પમાય છે-
કે જેમાં બ્રહ્મ-લોક પર્યંત ના સઘળા ભોગોની લક્ષ્મીનો સમાવેશ પણ થાય છે.

હે વસિષ્ઠ મુનિ,આ આત્મા -જેમ ઘરમાં દેહના અભિમાન-વાળો થઈને વિષય સંબંધી સુખો ભોગવે છે,
તેમ,જીવનમુક્ત સ્થિતિમાં દેહાભિમાનથી રહિત થઈને નિરતિશય સ્વરૂપાનંદ ભોગવે છે.
મૂઢ પુરુષ પણ આવી રીતના ધ્યાનથી માત્ર આંખના તેર પલકારા-સુધી- આત્મા-રૂપ દેવનું પૂજન કરે તો-
ગાયનું દાન કરવાનું ફળ પ્રાપ્ત કરે છે.
આવા ધ્યાનથી મનુષ્ય એકસો નિમેષ (પલકારા) સુધી આત્માનું પૂજન કરે-તો-અશ્વમેઘ યજ્ઞનું ફળ પામે છે.

અર્ધી ઘડી સુધી આવા ધ્યાનથી મનુષ્ય આત્મા-રૂપ પ્રભુનું પૂજન કરે તો-હજાર અશ્વમેઘ યજ્ઞના ફળને પામે છે.અને એક ઘડી પૂજન કરે તો રાજસૂય-યજ્ઞનું સ્વ-રાજ્ય-રૂપ ફળ પામે છે.
આવા ધ્યાનથી મધ્યાહ્ન-સુધી પૂજન કરવામાં આવે તો લાખ રાજસૂય-યજ્ઞ કાર્યનું ફળ મળે છે.
અખા દિવસ સુધી આવા ધ્યાનથી આત્માનું પૂજન કરવામાં આવે તો મનુષ્યને પરમ-ધામમાં નિવાસ મળે છે.

હે મુનિ,મેં જે આત્માનું બાહ્ય પૂજન (આગળ) કહ્યું તે-પણ ઉત્તમ છે,તે પરમ યોગ છે અને પરમ ક્રિયા છે.
જે મનુષ્ય,ક્ષણ-માત્ર પણ વિક્ષેપોથી રહિત થઈને આ સઘળાં પાપોને નષ્ટ કારણરૂપ આત્માનું પવિત્ર પૂજન કરશે-તે મનુષ્ય અનુક્રમે સર્વ બંધનોથી છૂટીને જીવનમુક્ત થશે,
અને જેમ દેવતાઓનાં તથા દૈત્યોનાં જૂથો જગતમાં મને (સદાશિવને) નમે છે-તેમ તે જીવન્મુક્તને પણ નમશે.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE