Oct 18, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-639

(૩૮) પરમાત્માનું ધ્યાન તથા પૂજાનો પ્રકાર
સદાશિવ કહે છે કે-હે વસિષ્ઠ મુનિ,ચૈતન્ય-માત્ર,અનુભવ-સ્વ-રૂપ,સર્વ-વ્યાપક અને સર્વના અધિષ્ઠાન-રૂપ,એ સાક્ષી-દેવ (પરમાત્મા કે બ્રહ્મ) જ સર્વથી શ્રેષ્ઠ છે.અને સત્પુરુષોએ સર્વદા પૂજવા યોગ્ય છે.ઘડો,વસ્ત્ર,વડ,ગાડું અને વાનર (પ્રાણીઓ) માં પણ એ દેવ રહેલ છે.
બ્રહ્મા-વિષ્ણુ મહેશ-વગેરે દેવો પણ એ દેવ (પરમાત્મા) માં જ આરોપાય છે.
વિદ્વાન લોકો,બહાર તથા અંદર સર્વના આત્મા-રૂપ સર્વાત્મક-એવા-
એ -પોતાના આત્મા-રૂપ ભગવાન નું જ સર્વદા વિવિધ ક્રમથી પૂજન કરે છે.

હે,મહાબુદ્ધિમાન વસિષ્ઠ મુનિ,જે ક્રમથી એ પરમાત્માનું બાહ્ય પૂજન કરવામાં આવે છે-
તે ક્રમ પ્રથમ હું તમને કહું છું.તે તમે સાંભળો,પછી તમને અંદરના પૂજનનો ક્રમ કહીશ.
સઘળા પૂજા ના ક્રમોમાં,"દેહ-રૂપી-ઘર"  શાસ્ત્રમાં કહેલા સંસ્કારો થી કે સ્નાન-વગેરેથી -ગમે તેટલું પવિત્ર હોય-પણ યત્ન-પૂર્વક તેને ત્યજી દેવું.(એટલે કે દેહના અભિમાન નો ત્યાગ કરવો)
અને દેહના સાક્ષી-ભૂત જે પરમ ચૈતન્ય છે તેનું ગ્રહણ કરવું.
અને એનું અંદર ધ્યાન કરવું એ જ એનું પૂજન છે,બીજું કોઈ પૂજન નથી,માટે અંદરના "ધ્યાન"થી તેનું પૂજન કરવું.

લાખો સૂર્ય-સમાન,ચૈતન્ય-રૂપ,સૂર્ય-આદિ સઘળાં તેજો અને બુદ્ધિની વૃત્તિઓને પણ પ્રકાશ આપનાર,
અને અહંતામાંથી શોધેલા પોતાની અંદર રહેલા પ્રકાશનો આશ્રય કરવો.
સર્વોત્તમ,અજ્ઞાનથી પર રહેલા-પ્રકાશ-રૂપી શરીર-વાળા,નીચે-ઉંચે-ચારે દિશાઓમાં-ચારે ખૂણાઓમાં,
અખંડ વ્યાપી રહેલા અને બ્રહ્મા,વિષ્ણુ-શિવ-આદિ દેવો પણ જેની ઉપાસના કરે છે તેવા-
એ-આત્માનું અંદર ચિંતન કરવું.
ત્રૈલોક્યમાં રહેલા સઘળા પદાર્થોની ગતિ માટે-જાણે  યંત્ર-મય-રજ્જુઓ ગોઠવાયેલી હોય,તેમ રહેલી-
જે ઈચ્છા આદિ શક્તિઓ છે- તે આત્માની નાડીઓ છે એમ ચિંતન કરવું.

સઘળા દેવો (બ્રહ્મા-વિષ્ણુ-મહેશ-વગેરે) એ દેવ (પરમાત્મા) ના જ કલ્પિત સ્વરૂપો છે.
સઘળા શબ્દો ના અર્થ-રૂપ અને સત્તા-માત્ર-સ્વ-રૂપ વાળા એ દેવનો દ્વારપાળ "કાળ" (સમય) છે,
કે જે,કાળ,સઘળા જગતનો ફેરફાર કર્યા કરે છે.
પર્વતો સહિત અને ભુવનોના વિસ્તાર-વાળું આ સઘળું બ્રહ્માંડનું મંડળ -
એ દેવના શરીરના કોઈ ખૂણામાં એક દેશ જેવું છે.

હજારો કાન,નેત્રો અને મસ્તકોવાળા,શાંત શોભી રહેલા,
સર્વ-સ્થળમાં દર્શન-શક્તિ,સ્પર્શ-શક્તિ,અને રસના-શક્તિવાળા,
સર્વ-સ્થળમાં શ્રવણથી વ્યાપ્ત અને મનન થી વ્યાપ્ત,સર્વદા સર્વના કર્તા,સર્વ લોકોના સંકલ્પિત પદાર્થોને આપનારા,સર્વ પદાર્થોની અંદર રહેલા,સર્વ-રૂપ,સર્વ સુખના મુખ્ય સાધન-રૂપ,
અને તેમ છતાં પણ જેને મનની શક્તિ પહોંચતી નથી,એવા-સર્વ-વ્યાપક,મહા-મંગલ-રૂપ,દેવનું ચિંતન કરવું.
એ પ્રમાણે ચિંતન કર્યા પછી વિધિ-પૂર્વક તેમનું પૂજન કરવું.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE