Oct 14, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-637

(૩૭) સતના યોગથી અસત પદાર્થોની સત્તા તથા અનંત શક્તિઓ
સદાશિવ કહે છે કે-તે સર્વેશ્વર (સર્વના ઈશ્વર-પરમાત્મા) પરમ-ચૈતન્ય-રૂપ મણિમાં નિર્મળ પ્રકાશ-વાળી,"બીજ-શક્તિ"ઓ સ્ફુરણ પામે છે,ને જેથી તેમાં વિચિત્ર જગતોનો આરોપ થાય છે.

બીજ (અન્ન)-રૂપી-કણની અંદર રહેલી એ જ "ચૈતન્ય-સત્તા",
તે-માટી,કાળ(સમય),તથા જળ-વગેરે એક બીજાના સહકારી "કારણો" ને પામીને,
પોતાને પ્રથમ અંકુર નો આકાર આપે છે,પછી દાણા-રૂપ કરે છે,અને પછી,
મનુષ્ય,ખાઈ શકે એવાં રાંધેલાં અન્ન-વગેરે-રૂપ ધારણ કરે છે.

રસ (જળ)-રૂપી "ચૈતન્ય-સત્તા"
કે જે ફીણ-ચકરી-વગેરે જુદાં જુદાં રૂપોમાં પરોવાઈ રહેલી છે,તેનો પથ્થર વગેરે કઠણ પદાર્થો સાથે સંબંધ થતાં,જળ-રૂપે નીચા પ્રદેશોમાં જઈને,પછી જીભનો સંયોગ થતાં,ઉદરમાં જઈને ગતિ (શક્તિ) પ્રગટ કરે છે.

પુષ્પોના ગુચ્છોમાં રસ સાથે ગંધ-રૂપે રહેલી "ચૈતન્ય-સત્તા"
નાસિકનાં છિદ્રોમાં ગતિ કરીને તેઓને (તે ઇન્દ્રિયને) આનંદ આપે છે.

શિલાઓમાં રહેલી એ જ "ચૈતન્ય-સત્તા"
શિલાથી જુદી નહિ-છતાં પણ-વ્યવહાર દૃષ્ટિથી જુદી લાગતી પ્રતિમાની દશાને ધારણ કરે છે.
જેમ,પર્વત પોતાનો વિકાર કર્યા વિના જ વૃક્ષ-ખડ-આદિ કાર્યો ઉપજાવે છે,
તેમ,શિલાઓમાં રહેલી તે "ચૈતન્ય-સત્તા" વિકાર વિનાની રહીને જ પ્રતિમા-વગેરે કાર્યોને ઉપજાવે છે.

પવન (કે જે સઘળી ક્રિયાઓના કોશ-રૂપ છે) રૂપે રહેલી "ચૈતન્ય-સત્તા",
જેમ,પિતા -પોતાના પુત્રને પોતાના કાર્યમાં પ્રેરે છે,તેમ,ચામડીને સ્પર્શ કરાવે છે.

એ જ "ચૈતન્ય-સત્તા" પ્રવૃત્તિ-શક્તિથી પોતામાં દ્વૈતને બનાવે છે,અને,
નિવૃત્તિ-શક્તિથી જગતની સઘળી સત્તાઓના એકઠા પિંડ-રૂપ-પોતાના સ્વ-રૂપના મોક્ષને માટે-
શ્રવણ-આદિ-ઉપાયોની ભાવના કરીને-સર્વનો બાધ કરી નાખીને-દ્વૈતને શૂન્ય સરીખું કરી નાખે છે.

એ જ "ચૈતન્ય-સત્તા" આકાશ-રૂપી અરીસાના ઉદરમાં પોતાના પ્રતિબિંબ જેવા "કાળ" નામના નિર્મળ શરીરને ધારણ કરે છે-કે જે-શરીરમાં કલ્પ તથા નિમેષ (પલકારા જેટલો સમય)-વગેરે વિભાગો કલ્પવામાં આવે છે.

બ્રહ્મા-વિષ્ણુ-મહેશ-વગેરે (દેવો) એ "ચૈતન્ય-સત્તા" થી જ સત્તા-વાળા છે,
"આ કાર્ય આ પ્રમાણે થાય અને આ કાર્ય આ પ્રમાણે ન જ થાય" એવા નિયમો-રૂપે પણ,
એ ચૈતન્યની સત્તા જ ગોઠવાયેલી છે.

જેમ,દીવો હોવાથી ઘરની સઘળી ક્રિયાઓ પ્રકાશે છે,
તેમ,મહા-પ્રકાશ-રૂપ એ ચૈતન્ય-મય સાક્ષીના હોવાથી જ જગતોની વિચિત્ર પરંપરાઓ પ્રકાશે છે.
અને એ ચૈતન્યની શક્તિ-પોતાથી બનેલા સંસારને સાક્ષીની પેઠે -જોયા કરે છે.

વસિષ્ઠ કહે છે કે-હે જગતપતિ સદાશિવ,પરમાત્મા ની શક્તિઓ કઈ કઈ છે? શી રીતે શક્તિ રહેલી છે?
સાક્ષી-પણું શી રીતનું છે? એ શક્તિઓ શી રીતનું આચરણ કરે ? અને તે આચરણ કેવું છે?

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE