એ ચૈતન્ય-ઘન-પરમાત્મા,
નિર્મળ,ચક્ષુ આદિ તથા સૂર્ય-આદિ પ્રકાશકો ને પણ પ્રકાશ આપનાર,
સૂર્ય આદિથી પણ જે (ચૈતન્ય)ને પ્રકાશ મળતો નથી-એવા અલૌકિક પ્રકાશ-રૂપ,
પોતે એક જ -સર્વના બીજ-રૂપ,અને સર્વ બીજોમાં સમૂહ-રૂપે રહેલા છે-એમ બ્રહ્મવેત્તાઓ સમજે છે.જગતની સત્તાનો અને અવ્યાકૃત-સત્તાનો બાધ થતાં-જે સાક્ષીભૂત ચૈતન્ય-માત્ર રહે છે-તે એ જ છે બીજું કંઈ નથી.
એ ચૈતન્ય-ઘન-પરમાત્મા,
પૃથ્વી,જળ તથા તેજથી રહિત છે,સદ-રૂપ છે,શાંત છે
અને વ્યવહારિક તથા પ્રાતિભાસિક અવસ્થાઓથી રહિત છે.
વિષયોમાં રાગ-રૂપ,ચિત્તને ક્ષોભ પમાડનાર,વિષયોનો સંબંધ થતાં ચિત્તને તદ્રુપ કરનાર,
વિષયોનો વિયોગ થતાં ચિત્તને મલિન કરનાર અને
પોતે નિરાકાર છતાં પણ તરત ચિત્રથી રંગાયેલી ભીંત સમાન થાય છે.
એ મહા-ચૈતન્ય-રૂપ-સર્વ-વ્યાપક-તેજમાં,
બ્રહ્માંડો-રૂપી-કરોડો-ઝાંઝવાના જળો સ્ફુરેલાં છે,સ્ફુરે છે અને સ્ફુરશે.
એ સ્વયં-પ્રકાશ ચૈતન્યમાં પોતાની સત્તાથી જગત-રૂપી પદ થયેલું છે,તે છતાં પણ કંઈ થયેલું નથી.
જેમ,અગ્નિમાં,પ્રભા,જ્વાળા તથા તણખા વગેરે થયેલું હોવા છતાં પણ તે અગ્નિથી જુદું નથી,
તેમ,મહા-ચૈતન્યમાં જગત થયેલું હોવા છતાં પણ તે ચૈતન્યથી જુદું નથી.
એ મહા-ચૈતન્ય,
પોતાના ગર્ભમાં મેરુ (પર્વત) ને રાખે છે-છતાં પણ પરમાણુ સમાન છે,
પોતાની અંદર મહા-કલ્પને (કલ્પ નો સમય) રાખે છે છતાં પણ નિમેષ-રૂપ (પલકારા જેટલો સમય) કહેવાય છે,તે વાળના અગ્ર-ભાગથી પણ સૂક્ષ્મ છે-છતાં સઘળી પૃથ્વીમાં વ્યાપ્ત છે.
એ પરમાત્મા,સંસારની રચના કરતા નથી છતાં પણ કર્તા-પણાને પામેલા છે,
અને મોટાંમોટાં કર્મો કરે છે-છતાં પણ કશું કરતા નથી.
એ પરમાત્મા,દ્રવ્ય છતાં અદ્રવ્ય છે,અદ્ર્વ્ય છતાં દ્રવ્ય છે,
નિરાકાર છતાં-બ્રહ્માંડ-રૂપ છે,અને બ્રહ્માંડ-રૂપ છતાં નિરાકાર છે,
આખા દિવસ-રૂપ છતાં પ્રાતઃકાળ-રૂપ છે અને પ્રાતઃકાળ-રૂપ છતાં આખા દિવસ-રૂપ છે.
તેમ છતાં-વાસ્તવિક રીતે જોતાં તો -તે પ્રાતઃકાળ-રૂપ પણ નથી,દિવસ-રૂપ પણ નથી,મુહુર્ત-રૂપ પણ નથી,
પણ,એ શબ્દો (પ્રાતઃકાળ-વગેરે) નું અધિષ્ઠાન જે ચૈતન્ય છે-તે જ એ પરમાત્મા છે.
જગતમાં બ્રહ્મ-રૂપ નહિ-એવું કંઈ પણ નથી,અને મિથ્યા-રૂપ નહિ-એવું પણ કંઈ નથી.
જેમાં સર્વ રહ્યું છે,જેથી સર્વ થયું છે,જે સર્વ-રૂપ છે,જે સર્વ સ્થળમાં છે,અને જે સર્વદા સર્વ-મય છે-
તે સર્વાત્મક તત્વને હું પ્રણામ કરું છું.